________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરામાં મધુનું મિલન
૧૩૧
બલિદાન દઈ દેવા તૈયાર છે, તો મારા જેવી એક દાસીનો ત્યાગ કરવા તો તેમના માટે કોઈ દુષ્કર વાત નથી!'
પ્રભવની આંખે અંધારાં આવવા લાગ્યાં. તેનું મસ્તક ભમી ગયું. તે સ્તબ્ધ બની ગયો. કંઈ જ બોલતો નથી, કંઈ જ ચાલતો નથી.
કેમ, આમ ઉદાસીન છો? મારો...’
‘બસ કર માતા... બસ કર...' પ્રભવ પલંગ પર ફસડાઈ પડ્યો. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પોતાના બે હાથથી તેણે પોતાનું મોં છુપાવી દીધું. તેનો કંઠ રુંધાઈ ગયો. ગદ્ગદ્ સ્વરે તે બોલ્યો :
ધિક્કાર છે મારી નિર્લજ્જ જાતને, ક્યાં એ મહાન સત્ત્વશીલ મિત્ર અને ક્યાં એનો પરમ મૈત્રી? અને ક્યાં હું નમાલો, સત્ત્વહીન. બીજાને ખાતર હજુ પ્રાણ આપી શકાય, પરંતુ પ્રિયા નહિ. જ્યારે એણે મારે ખાતર સર્વસ્વ ત્યજ્યું. હું પાપી છું, અધમ છું. પાપી માટે કંઈ પણ અવાચ્ય નથી હોતું, કંઈ પણ અયાચ્ય નથી હોતું. તે બધું જ બોલે, બધું જ માગે! જ્યારે કલ્પવૃક્ષ જેવા એ મિત્રને કંઈ પણ અદેય નથી. એણે બધું જ આપ્યું.
માતા...! તું અહીંથી ચાલી જા. ફરીથી આ પાપીનું મોં પણ ન જોઈશ. આ અધમની સાથે એક શબ્દ પણ ન બોલીશ.’ બે હાથમાં મોં છુપાવી પ્રભવ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો, હીબકી હીબકીને રડી પડ્યો,
દ્વાર પાછળ આવીને સુમિત્ર ક્યારનો ય ઊભો હતો. પ્રભવનું ખીલી ઊઠેલું ખમીર અને જાગી ગયેલી પવિત્ર ભાવના જોઈને સુમિત્રનું હૈયું હર્ષથી ગદ્ગદ્ બની ગયું. ત્યાં તેની મૈત્રીની પ્રીતિ પરાકાષ્ટાએ પહોંચી, પણ જ્યાં એની દૃષ્ટિ પ્રભવ પર પડી ત્યાં એની આંખો ફાટી ગઈ. એક તીણી ચીસ પાડી, તે એકદમ ખંડમાં ધસી ગયો.
વનમાલાને પાછલા દરવાજેથી રવાના કરી દઈ, પ્રભવે તીક્ષ્ણ ખડગ ખેંચી કાઢી પોતાના ગળા પર ઝીંકવા ઉગામ્યું હતું. સુમિત્રે એક જ ઝપાટે પ્રભવના હાથમાંથી ખડગ ખેંચી લીધું.
‘સાહસ ન કર, મિત્ર...'
'મહારાજા, મને ખડગ પાછું આપો, મને મરી જવા દો, હું જીવવાલાયક નથી...' ‘મરવાની જરૂર નથી, મિત્ર! શા માટે મરવું જોઈએ? શું મૃત્યુ એ જ ભૂલનું પ્રાયશ્ચિત્ત છે? હું તને નહિ મરવા દઉં, મારા જીવતાં તને નહિ મરવા દઉં.'
ધબકતે હૈયે અને આંસુ ગળતી આંખે પ્રભવ સુમિત્રની છાતી પર મસ્તક નાંખી, કરુણ આક્રંદ કરવા લાગ્યો. સુમિત્રે પોતાના હૂંફાળા બાહુપાશમાં
For Private And Personal Use Only