________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જૈન રામાયણ જોતજોતામાં પલટાઈ ગયો! બ્રાહ્મણોની દોડધામ દૂર થઈ. રાવણના વિશાળ પરિવારની અવરજવર શરૂ થઈ ગઈ. સ્નાન-પૂજા-ભોજન વગેરે નિત્યકૃત્યોથી પરવારી બધા રાજસભામાં ભેગા થયા. એક સુંદર સિંહાસન પર દેવર્ષિ નારદજીને બિરાજમાન કરવામાં આવ્યા. બીજા એક સિંહાસન પર લંકાપતિ આરૂઢ થયો, અને બીજા પોતપોતાને યોગ્ય આસને બેઠા. ત્યાં લંકાપતિએ દેવર્ષિ સામે દૃષ્ટિ કરી. દેવર્ષિએ રાવણની તરફ જોયું.
દેવર્ષિ! એક વાત પૂછું!” લંકાપતિએ કહ્યું. પૂછો ને?” મને સમજાતું નથી, કે આ બ્રાહ્મણોએ આવો હિંસાત્મક યજ્ઞ ક્યારથી શરૂ કર્યો?" એ વાત પણ સમજવા જેવી છે, ખૂબ જ રોમાંચક રસભરપૂર એ વાત છે!” તો તો જરૂર સંભળાવો, દેવર્ષિજી!' બિભીષણે કહ્યું . ત્યારે સાંભળો! શક્તિમતી સરયુના તટ પર શક્તિમતી નામની નગરી હતી.
અભિચન્દ્ર નામે એક ભૂપતિ ત્યાં થઈ ગયો. તેને એક પુત્ર હતો. તેનું નામ વસુ હતું. તેનો બુદ્ધિવૈભવ અપૂર્વ હતો. સત્યવ્રતથી તે દેશપ્રસિદ્ધ બન્યો હતો.
જ્યારે તે તરુણવયમાં આવ્યો ત્યારે રાજેન્દ્ર અભિચન્દ્ર “ક્ષર કદંબ' આચાર્યના આશ્રમમાં અધ્યયન માટે મૂક્યો. હું પણ તે જ આશ્રમમાં અધ્યયન માટે રહેલો હતો. મારે, વસુ અને ગુરુપુત્ર પર્વતને પરસ્પરમાં પ્રીતિ બંધાઈ. ત્રણેય ગુરુદેવની પાસે વિનયપૂર્વક, મર્યાદાપૂર્વક અધ્યયન કરવા લાગ્યા.
આશ્રમની રમણીયતા પણ ગજબ! બાજુમાં જ શક્તિમતીનાં શાંત, શીતલ નીર વહેતાં હતાં. આસોપાલવ, આમ, વડ, લીમડા વગેરે લીલાંછમ વૃક્ષોની છાયા પથરાયેલી હતી. જંગલનાં નિર્દોષ પશુઓની અવરજવરથી આશ્રમમાં આનંદનું વાતાવરણ ઊભરાતું હતું. ગુરુદેવ અતિ પ્રેમથી, કાળજીથી અને પરલોકની દૃષ્ટિથી અમને શાસ્ત્રાધ્યયન કરાવતા હતા. વરસો વીત્યાં.
એક રાતે અમે ગુરુદેવની સાથે આશ્રમની અગાસીમાં સૂતા હતા. આખો દિવસ અધ્યયન કરીને અમે શ્રમિત થઈ ગયા હતા, તેથી પથારીમાં પડતાં જ અમે નિદ્રાધીન થયા. પરંતુ ગુરુદેવ જાગતા જ સૂતા હતા. ત્યાં આકાશમાર્ગે બે ચારણ મુનિવરો પસાર થઈ રહ્યા હતા. તેમણે અમને ત્રણેયને જોઈ અમારા અંગે પરસ્પર વાર્તાલાપ કર્યો :
For Private And Personal Use Only