________________
७
जो णिग्गहसमत्थो न भवति तस्स किं कहिएण?
– નિશીથ
હાથમાંથી છૂટી ગયેલા પથ્થરને પાછો વાળવાના ગમે તેટલા પ્રયાસો કરો, લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ ઝીંકાવાનું નથી. મુખમાંથી નીકળી ગયેલ શબ્દોને પાછા વાળવાના લાખ પ્રયાસો કરો, હાથમાં નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ આવવાનું નથી.
મુનિ !
જો ના, તો અમે તને કહીએ છીએ કે તને હવે હિતશિક્ષા આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી. જેની પાસે ઇન્દ્રિય-મનનો નિગ્રહ કરવાનું સામર્થ્ય જ નથી એને ઇન્દ્રિયો-મન પર નિગ્રહ કરવાનું સુચવતાં પ્રભુવચનો કહેવાથી વળવાનું છે શું ? કાંઈ જ નહીં. યાદ રાખજે, વિષયોને નિમંત્રણ આપવાના ભવો તો વિરાટ અનંતકાળમાં તેં અનંતા પસાર કર્યા છે અને એના ફળસ્વરૂપે તું અનંતીવાર દુર્ગતિઓની મુલાકાત લઈ આવ્યો છે. માનવભવ અને એમાં ય સંયમનું જીવન, એની જ આ તાકાત છે કે જ્યાં વિષયોને નિયંત્રણમાં રાખી શકાય છે અને તારું એ પરમ સદભાગ્ય છે કે આજે તારા હાથમાં એ સંયમજીવન છે. હાથમાં રિવૉલ્વર હોવા છતાં ગુંડાનો પ્રતીકાર ન કરી શકનાર જો સંસારના ક્ષેત્રમાં કમજોર અને મૂરખ મનાય છે તો જીવન હાથમાં સંયમનું હોવા છતાં જે સંયમી ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકતો નથી અને મનને નિયંત્રણમાં રાખી શકતો નથી એ સંયમી કમજોર અને મૂરખ તો મનાય જ છે. પરંતુ સાથોસાથ દુર્ભાગી પણ મનાય છે. દુર્ભાગી એટલા માટે કે અનંત સંસાર પર કાયમનું પૂર્ણવિરામ મૂકી દેવાનું સંયમજીવન હાથમાં હતું અને એ પછી ય એ અનંત સંસાર વધારી બેઠો ! એક બીજી મહત્ત્વની વાત. નિગ્રહ સામર્થ્ય જો તારી પાસે છે તો જ તું જેમ જિનવચન શ્રવણને યોગ્ય છે તેમ જેની પાસે નિગ્રહ સામર્થ્ય હોય એને જ તારે જિનવચનોનું શ્રવણ કરાવતા રહેવાનું છે. ગમે તેને તું જિનવચનો સંભળાવવા ન લાગતો !
તું તારી જાતને સંયમી માને છે ને? તારા આ જીવનમાં સ્વાધ્યાય અને વૈયાવચ્ચ, પ્રતિલેખન અને પ્રતિક્રમણ, લોચ અને વિહાર આ બધું ય નિયમિતતાના સ્તરે ગોઠવાઈ ગયું છે ને? એક જવાબ આપ તું. તારું જીવન નિયમિત તો છે જ પરંતુ તારી ઇન્દ્રિયો અને તારું મન જિનવચનોથી નિયંત્રિત ખરું? આંખને એના વિષયો તરફ મોકલતા પહેલાં તું એને જિનવચનોથી નિયંત્રિત કરી શકે છે ખરો ? જીભ પર દ્રવ્યો મૂકતા પહેલાં કે કાનમાં શબ્દોને પ્રવેશ આપતાં પહેલાં, મુખમાંથી શબ્દો ઉચ્ચારતા પહેલાં કે મનને વિચારોમાં વ્યસ્ત રાખતા પહેલાં એ તમામ પર જિનવચનોનું નિયંત્રણ મૂકી દેવાની તારામાં ક્ષમતા છે ખરી ?