________________
सर्वस्यापि प्रव्रज्याया: भवद्वयकृतकर्मप्रायश्चित्तरुपाया:
तत्र तत्र व्यवस्थितत्वाद्।
- પ્રતિમાશતક છે.
દવાનું સેવન એટલું જ સૂચવે છે કે શરીર રોગગ્રસ્ત છે. સાબૂનો ઉપયોગ એટલું જ સૂચવે છે કે કપડાં મેલાં છે. ભોજનનું સેવન એટલું જ સૂચવે છે કે શરીર સુધાગ્રસ્ત છે. સંપત્તિનો સંગ્રહ એટલું જ સૂચવે છે કે મન ચિંતાગ્રસ્ત છે. શસ્ત્રોનો ઉપયોગ એટલું જ સૂચવે છે કે મન ભયભીત છે. મુનિ! તારા હાથમાં સંયમજીવન છે ને? તપના માર્ગે તું દિલ દઈને દોડી રહ્યો છે ને? સ્વાધ્યાયક્ષેત્રે તું લોહી-પાણી એક કરી રહ્યો છે ને? વૈયાવચ્ચની બાબતમાં તું શરીરની સુખશીલતા સામે બળવો પોકારી રહ્યો છે ને? પરિસહ-ઉપસર્ગો સહી લેવાની બાબતમાં તું મન સામે યુદ્ધે ચડ્યો છે ને? ગુર્વાશાને શિરસાવંધ કરી લેવાની બાબતમાં સ્વચ્છંદમતિની તું હોળી સળગાવી રહ્યો છે ને? ખૂબ ખૂબ ધન્યવાદ અમે તને આપીએ છીએ તારા આ ભવ્યતમ પરાક્રમ બદલ પણ,
યાદ રાખજે કે તારી આ તમામ આરાધના કે સાધના એ ગતજન્મોમાં અને આ જન્મમાં જે પણ પાપો તે કર્યા છે એના પ્રાયશ્ચિત્તરૂપ છે. સ્વાધ્યાય એ પરભાવરમણતાના પાપનું પ્રાયશ્ચિત્ત છે તો તપશ્ચર્યા એ આહારસંન્નાની કરેલ પુષ્ટિના પાપનું પ્રાયશ્ચિત છે. વૈયાવચ્ચ એ સુખશીલવૃત્તિ પોષણના પાપનું પ્રાયશ્ચિત્ત છે તો પરિસહસહન એ શરીરરાગના પાપનું પ્રાયશ્ચિત છે ગુર્વાસાધીનતા એ સ્વચ્છંદમતિના પાપનું પ્રાયશ્ચિત્ત છે તો પ્રભુ આજ્ઞાનો સ્વીકાર એ પુષ્ટ કરેલ આપમતિના પાપનું પ્રાયશ્ચિત્ત છે. સ્પષ્ટ શબ્દોમાં તને કહીએ તો તારું સંપૂર્ણ ચારિત્રજીવન એ બીજું કાંઈ જ નથી. માત્ર તે સેવેલાં પાપોનું શુદ્ધીકરણ કરવા માટે તેં સ્વીકારેલ પ્રાયશ્ચિત્તરૂપ છે. આ વાત અમે તને એટલા માટે યાદ કરાવવા માગીએ છીએ કે તારા હાથમાં રહેલ સંયમજીવન અને એ જીવનમાં તું જે કાંઈ આરાધના કરી રહ્યો છે એ બદલ તારા મનમાં ક્યારેય અહં પેદા જ ન થાય. જવાબ આપ તું. પુષ્કળ દવાઓનું સેવન કરનારો દર્દી
ક્યારેય એ દવાઓના સેવન બદલ પોતાના પરિચિતો વચ્ચે અહં કરે છે ખરો? જો ના, તો તેં પોતે જ રાચી માચીને કરેલાં પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ આ જીવનમાં તું જે પણ આરાધનાઓ કરી રહ્યો છે એ બદલ તારે ય અહંકાર કરવાનો ક્યાં રહે છે ? યાદ રાખજે, વર્તમાનનું પ્રાયશ્ચિત્ત વહન એટલું જ સૂચવી રહ્યું છે કે ભૂતકાળ પાપસભર હતો !