________________
७ सर्वशुभानुष्ठान गुरुतन्त्रता प्रतिपादनार्थ गुर्वामन्त्रणम्।
-પફખીસૂત્ર
નોકરને શેઠની આજ્ઞામાં રહેવું પડે છે.. સૈનિકને સેનાધિપતિની આજ્ઞા સ્વીકારવી પડે છે. ગધેડાને કુંભારની આજ્ઞા માનવી પડે છે. ખેલાડીને કોચની આજ્ઞા શિરોધાર્ય કરવી પડે છે. શિક્ષકની આજ્ઞામાં રહ્યા વિના વિદ્યાર્થીનો વિકાસ સંભવિત નથી. ૧૪૪ મી કલમ અમલમાં હોય એ વખતે પોલીસની આજ્ઞામાં રહ્યા વિના પ્રજાજનની સલામતી નથી પણ મુનિ ! તારી તો આખી વાત જ ન્યારી છે. ગુરુની આજ્ઞામાં રહ્યા વિના તને ચેન જ નથી પડતું. ગુરુ તારા પર અધિકાર જમાવવા નથી પણ માગતા તો ય તારા જીવનના બધા જ અધિકારો ગુરુને સોંપી દીધા વિના તારું મન પ્રસન્નતા નથી અનુભવતું. તારા પર અનુશાસન ચલાવવાનો ગુરુને કોઈ જ રસ નથી અને છતાં ગુરુ પ્રત્યેના પ્રબળ પ્રેમના કારણે તે સામે ચડીને પ્રસન્નતાપૂર્વક એમનું અનુશાસન સ્વીકારી લીધું છે અને એમાં જ તું આનંદિત છે. અમે ઓળખીએ છીએ તને. તારું ચાલે તો તું શ્વાસ પણ ગુરુને પૂછીને જ લેવા માગે છે અને બગાસું ખાવા માટે પણ ગુરુની રજા જ લેવા માગે છે. કારણ ? એક જ, તું તારી જાતને અંધ માની રહ્યો છે. ગુરુના માર્ગદર્શન વિના તને ચેન શેનું પડે ?
તું તારી જાતને અસહાય માની રહ્યો છે. ગુરુનો આધાર લીધા વિના તને ચેન શેનું પડે ? તું તારી જાતને અપંગ માની રહ્યો છે. ગુરુનો ટેકો લીધા વિના તને ચેન શેનું પડે ? શું કહીએ તને? તારા હૃદયમાં ગુરુ પ્રત્યે જાગી ગયેલા સર્વોત્કૃષ્ટ બહુમાનભાવે તને ગુરુ પ્રત્યે એ હદે સમર્પિત બનાવી દીધો છે કે તને આ જીવનમાં ગુરુ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી અને બીજું કોઈ જ દેખાતું નથી. અને માત્ર તારા માટે જ નહીં, આ જીવનમાં પ્રવેશ કરતા પ્રત્યેક સાધક માટે આ જ કર્તવ્ય છે. આ જીવનના પ્રત્યેક શુભ અનુષ્ઠાનો ગુરુને જ આધીન છે. અને એટલે જ અનુષ્ઠાનના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં વારંવાર ગુરુને સાધક આમંત્રણ આપતો જ રહે છે. એક વાતની અમે તને યાદ આપવા માગીએ છીએ કે આ જીવનમાં ગલત ઇચ્છાને પણ જ્યાં તારે સ્થાન આપવાનું નથી ત્યાં એ ઇચ્છાના અમલ માટે તો પ્રવૃત્ત થવાનો તારે પ્રશ્ન જ રહેતો નથી પરંતુ શુભ ઇચ્છાને સ્થાન આપ્યા પછી ય તારે એ ઇચ્છાને ગુરુચરણમાં મૂકી દેવાની છે. એમની પ્રસન્નતાપૂર્વકની અનુમતિ મળે તો જ એના અમલ માટે તારે પ્રવૃત્ત થવાનું છે, અન્યથા નહીં. ટૂંકમાં, જીવન તારું છે, તારે જ જીવવાનું છે પણ એને કઈ રીતે જીવવું એનો નિર્ણય તારે ગુરુને સોંપી દેવાનો છે. અને આ સમર્પણ તારા જીવનમાં એટલા માટે સરળ છે કે ગુરુ પર તને ખૂબ જ પ્રેમ છે અને જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમર્પણ તો આવીને જ રહે છે.
ઉ૪