________________
आपद: उपकारिणी
- સમરાઈઐકહા હો
ચાકડા પર તૈયાર થયેલ ઘડાને કુંભાર જ્યારે અગ્નિમાં નાખે છે ત્યારે એ અગ્નિ ઘડાને માટે ઉપકારક જ પુરવાર થાય છે ને? કારણ કે અગ્નિમાં ગયા વિના જ ઘડો જો સીધો બજારમાં ગયો હોત અથવા તો સીધું જ એમાં જો પાણી ભરવામાં આવ્યું હોત તો એ ઘડો ગણતરીની પળોમાં જ હતો-ન હતો થઈ ગયો હોત ! ટાંકણાના માર ખાવાથી પથ્થર જો દૂર જ રહે છે તો એ પથ્થરના નસીબમાં રહેલ પ્રતિમા બનવાનું સદ્ભાગ્ય રોળાઈ જાય છે. મુનિ ! આત્માના પ્રદેશ પ્રદેશ પર ચોટેલી અનંત અનંત કાર્મણ વર્ગણાથી તારે કાયમી છુટકારો મેળવવો છે ને? એક જ શ્વાસમાં અઢાર વાર જન્મ લેવો પડે અને સત્તર વાર મરવું પડે એવી નિગોદગતિની મુલાકાત લેતા રહેવાના દુર્ભાગ્ય પર તારે કાયમનું પૂર્ણવિરામ મૂકી દેવું છે ને? જે ગતિનાં દુ:ખોનું વર્ણન સાંભળવા માત્રથી તારા ઝાડા-પેશાબ છૂટી જાય તેમ છે. એ નરકગતિની મુલાકાતે જવાનું તારે કાયમ માટે સ્થગિત કરી દેવું છે ને? સમડીના જડબામાં ચવાઈ જતો સર્પ, બિલાડીના જડબામાં ચવાઈ જતો ઉંદર, કૂતરાના જડબામાં ચવાઈ જતું કબૂતર, સિંહના જડબામાં ચવાઈ જતું હરણ અને કસાઈની છરી નીચે કપાઈ જતા ગાય-બળદ-ભેંસ-બકરા-પાડા અને વાંદરા. આમાંના એક પણ અવતારમાં તારે જન્મ ક્યારેય ન જ
લેવો પડે એ સ્થિતિનું નિર્માણ કરવું છે ને?
જ્યાં જન્મ લઈને સંડાસો સાફ કરવા પડે, શેઠિયાઓની ગાળો ખાવી પડે, બટકું રોટલા માટે ટળવળતા રહેવું પડે, અપમાનો વેઠતા રહેવું પડે, મરવાની આશામાં જ જીવન વીતાવતા રહેવું પડે એવા માનવના અવતારો પર પણ તું કાયમની ચોકડી લાગી જાય એવું ઇચ્છે છે ને? તો એનો એક માત્ર ઉપાય તું જાણી લે. તારી પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં જેટલી પણ પ્રતિકૂળતાઓ આવતી રહે વાતાવરણની, જે પણ વસ્તુઓ પડતી રહે વિપરીત અને જે પણ કષ્ટો આવતા રહે વ્યક્તિઓ તરફથી એ તમામને તારી તમામ તાકાતથી તું સહન કરતો જ રહે. એ તમામ તકલીફો-આપત્તિઓ-કરો અને પ્રતિકૂળતાઓ એકાંતે તારા માટે ઉપકારક જ બન્યા રહેવાના છે. તારા ખ્યાલમાં તો છે ને તત્ત્વાર્થસૂત્રની આ પંક્તિ ? 'मार्गाच्यवन-निर्जरार्थं परिषोढव्या परिसहा:' મોક્ષમાર્ગ પર તું જો ટકી જવા માગે છે, અનંત અનંત કર્મોની તું જો નિર્જરા કરવા માગે છે, કર્મોથી જો તું હળવો ફૂલ થઈ જવા માગે છે તો એના માટે “સહન કરી લેવા’ સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.” શું કહીએ તને ? ભૂતકાળના અનંત ભવોમાં તેં દુ:ખો ઓછા સહન નથી કર્યા. પણ ભાવિ અનંતકાળને તું જો એવો જ બિહામણો ન બનાવવા માગતો હોય તો તારા વર્તમાનને તું કષ્ટસભર રાખતો જા. કાટવાળું લોખંડ ઍસિડમાં જેટલો વધુ સમય પડ્યું. રહે છે, એ શીધ્ર કાટમુક્ત થતું જાય છે. પ્રસન્નતાપૂર્વક તું જેટલાં વધુ કષ્ટો વેઠતો રહીશ તું એટલો શીધ્ર કર્મમુક્ત બનતો જઈશ.
પ૮