________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. વૈરાગીની વેદના
નગરશ્રેષ્ઠી કામસમૃદ્ધનો એકનો એક પુત્ર હતો દૃઢધર્મો. રાજપરિવારમાં સહુ તેને ‘ધર્મેશ’ કહીને બોલાવતા હતા. શિવકુમાર સાથે તેની અંતરંગ મૈત્રી હતી. તે રૂપવાન હતો, બુદ્ધિમાન હતો, પ્રિયભાષી હતો અને સર્વજનવલ્લભ હતો.
રાજમહેલની સામે જ નગરશ્રેષ્ઠીની હવેલી હતી. એટલે બન્ને મિત્રોની એક-બીજાને ત્યાં રોજની અવર-જવર હતી. બન્ને પરિવારમાં બન્ને મિત્રો પ્રિય હતા, રાજા પદ્મરથને અને રાણી યશોદાને ધર્મેશ ઉપર પુત્રવત્ વાત્સલ્ય હતું. તેવી રીતે નગરશ્રેષ્ઠી કામસમૃદ્ધને અને શેઠાણી વત્સલાને શિવકુમાર ઉપર ભરપૂર પ્રેમ હતો.
બન્ને મિત્રો ગુણવાન હતા, શીલવાન હતા, બન્નેના જીવનપ્રવાહ ગંગાના પ્રવાહ જેવા નિર્મળ હતા.
બન્ને વચ્ચે અંતર હતું... એક વાતનું! ધર્મેશે ગુરુદેવો પાસેથી અર્હત્ ધર્મનું જ્ઞાન મેળવેલું હતું, શિવકુમાર પાસે એ જ્ઞાન ન હતું. ધર્મેશ શ્રાવક જીવનના કાર્યકલાપોને અને શ્રમણજીવનના આચારમાર્ગને જાણતો હતો, શિવકુમાર જાણતો નહોતો.
અલબત્ત, ક્યારેક ક્યારેક ધર્મેશ ધર્મચર્ચા કરતો, શિવકુમાર એકાગ્ર ચિત્તે સાંભળતો. આ રીતે શિવકુમારે સામાન્ય જ્ઞાન મેળવેલું હતું.
સાગરદત્ત મુનિરાજ પાસેથી તેણે શ્રમણજીવનનો આચારમાર્ગ જાણ્યો હતો, કારણ કે એ માર્ગે એને જવું હતું.
કુમાર ઉદ્યાનમાંથી આવીને મહેલમાં જઈ, વસ્ત્રપરિવર્તન કરી સીધો ધર્મેશની હવેલીમાં પહોંચી ગયો. ધર્મેશ ઘરમાં જ હતો, બન્ને મિત્રો ધર્મેશના ખંડમાં જઈને બેઠા.
‘શિવ, તું બાહ્ય ઉદ્યાનમાં ગયો હતો ને હું મહેલમાં ગયો હતો!' ‘કેમ?’
‘તને મળવા! તું ન મળ્યો... તો યશોદા માતા પાસે બેઠો...' ‘શું વાતો કરી?'
‘તારી વાતો! તારા પૂર્વજન્મની વાતો!’
‘પણ મેં તો માને વાત જ નથી કરી...’
For Private And Personal Use Only