________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબુસ્વામીનું નિર્વાણ
૨૦૧ જેમ-જેમ નિર્વાણનો સમય નિકટ આવતો ગયો તેમ-તેમ શ્રી જંબુસ્વામી, પ્રભવ સ્વામીને જિનશાસનનાં ગહન રહસ્યો આપતા ગયા. જિનશાસનની રક્ષાના, આરાધનાના ઉપાયો બતાવતા ગયા. પ્રભવ સ્વામીના હૃદયમાં જિનશાસનની સ્થિર પ્રતિષ્ઠા કરી દીધી. ચતુર્વિધ સંઘમાં પણ પ્રભવ સ્વામીના તેજસ્વી વ્યક્તિત્વને પ્રસ્થાપિત કર્યું. મારા પછી તમારા સહુના નેતા પ્રભવસ્વામી બનશે. એમની પ્રત્યેક આજ્ઞાનું તમારે સહુએ સહર્ષ પાલન કરવાનું છે. આ વાત અવસર-અવસરે કહેતા રહ્યા.
શ્રી જંબુસ્વામીએ ગામેગામ અને નગર-નગરમાં વિહાર કરી લાખો લોકોને જિનશાસન પ્રત્યે શ્રદ્ધાવાનું બનાવ્યા, જ્ઞાનવાનું બનાવ્યા અને ચારિત્રવાનું બનાવ્યા. હજારો સ્ત્રી-પુરુષોએ એમના ઉપદેશો સાંભળી ઘરબાર છોડ્યાં, સાધુજીવન સ્વીકાર્યું. ભગવાન મહાવીર દેવના ધર્મશાસનને શોભાવ્યું. ધર્મશાસનના તેજ વિસ્તાર્યું.
ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણને ૬૦ વર્ષ વીતી ગયાં હતાં. એક શુભ દિવસે શ્રી જંબુસ્વામીએ, પ્રભવ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી, જિનશાસનનું નેતૃત્વ સોંપી દીધું અને પોતે એકાંતવાસ સ્વીકારી લીધો. વિશિષ્ટ ધ્યાનમાં લીન બન્યા.
એક શુભ દિવસે તેમનો શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ ગયો. ચાર ઘાતી કર્મોનો નાશ થઈ ગયો, (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય) અને તેઓ વીતરાગ-સર્વજ્ઞ બની ગયા.
દેવ-દેવેન્દ્રો નીચે ઊતરી આવ્યા. સર્વજ્ઞવીતરાગ શ્રી જે બે સ્વામીને વંદના કરી. સુવર્ણ કમળની રચના કરી. તેના પર જંબુસ્વામી આરૂઢ થયા અને ધર્મદેશના આપી. દેવોએ ગીત-ગાન અને નૃત્યો કર્યા. ભવ્ય મહોત્સવ કર્યો.
પ્રભવસ્વામી આનંદવિભોર બની ગયા. સર્વજ્ઞ બનેલા પોતાના ગુરૂદેવને અનેક શંકાઓ, પ્રશ્નો પૂછી મનનું સમાધાન કર્યું. અનેક શ્રમણો અને શ્રમણીઓએ પણ પોતાની જિજ્ઞાસા સંતોષી.
૦ ૦ ૦ કેટલાંક વર્ષો સુધી કેવળજ્ઞાની બની તેઓ મગધ દેશમાં વિચર્યા, એક દિવસે પુનઃ શુક્લધ્યાન લાધ્યું. ચાર અઘાતી કર્મોનો નાશ થઈ ગયો. (આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય) અને તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની ગયા.
For Private And Personal Use Only