________________
અલબત્ત.
આનો અર્થ એવો નથી કે ધર્મપ્રવૃત્તિઓ આચરતા રહેવાની સાથે તમને પાપ પ્રવૃત્તિઓ પણ આચરતા રહેવાની છૂટ મળી છે. ના, જેવું માથું એવી જ ટોપી જો મસ્તક પર હોવી જોઈએ તો જેવી ધર્મપ્રવૃત્તિ એવી જ ધર્મપરિણતિ સાધકના જીવનમાં હોવી જોઈએ, એ ન હોય તો ય કમ સે કમ એ અંગેનું લક્ષ્ય તો હોવું જ જોઈએ. તો જ ધર્મપ્રવૃત્તિ સેવનીય, વંદનીય અને અનુમોદનીય બની રહે છે.
સભા : સત્પરિણતિના સ્વામી બની જવાનો કોઈ સરળ ઉપાય ?
ઉપાય આમ જોવા જઈએ તો સરળ પણ છે અને મનની વક્રતાને કે અહંકારને પડકારવાની જો તૈયારી ન હોય તો કઠિન પણ છે. સાંભળી લો એ ઉપાય. પ્રશંસનીય કાર્યો કરવા જેટલું સત્ત્વ આપણી પાસે ન હોય તો ય જ્યાં ક્યાંય પણ, જે કોઈના દ્વારા પણ સત્કાર્યોનું સેવન થઈ રહ્યું હોય એ તમામનાં સત્કાર્યોની દિલ દઈને પ્રશંસા કરી શકીએ એવી સબુદ્ધિના સ્વામી તો બની જ જઈએ.
ય
આ બાબતમાં પરમ શાસન પ્રભાવક પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજના હૃદયની ઊંચાઈને સમજી લઈએ તો ય આપણને ખ્યાલ આવી જાય કે પરિણતિની કેવી પ્રચંડ નિર્મળતા ધારણ કરીને તેઓશ્રી બેઠા છે કે જિનશાસનના નાનામાં નાના આરાધકના નાનામાં નાના ગુણની પ્રશંસા ઉદારમાં ઉદાર શબ્દો દ્વારા તેઓશ્રી હજારોની મેદની વચ્ચે કરતા જ રહે છે.
આમાં પાછું કમાલનું આશ્ચર્ય એ છે કે તેઓશ્રી સ્વયં મહાન જિનશાસન પ્રભાવક છે. જબરદસ્ત પ્રવચનકાર છે. વિદ્વાન લેખક છે. વિશુદ્ધ સંયમના ચુસ્ત આગ્રહી છે. પ્રભુવચન પ્રેમી છે. શાસન અનુરાગી છે. વિશાળ શિષ્ય પરિવારના યોગ ક્ષેમકર્તા છે. અને તો ય ગુણાનુરાગિતામાં તેઓ કાયમ માટે ઉદાત્ત હૃદયની ઊંચાઈ પર જ બિરાજતા હોય છે.
એઓશ્રીના ઉદાત્ત ગુણના અંશને તો આપણે આપણા જીવનમાં સ્થાન આપી શકીએ છીએ ને ? માસખમણ ન કરી શકીએ, માફ ! કોકના વર્ધમાનતપની અનુમોદના તો કરીએ ! કરોડનું દાન ન કરી શકીએ, માફ ! કોકના લાખના દાનની અનુમોદના તો કરીએ ! જીવનભર માટે બ્રહ્મચર્યપાલન ન કરી શકીએ માફ ! દશ તિથિ બ્રહ્મચર્યપાલન કરી રહેલા પુણ્યાત્માઓના એ સત્ત્વની અનુમોદના તો કરીએ ! જિનમંદિર નિર્માણ ન કરી શકીએ માફ ! પ્રભુ પ્રતિમા ભરાવનારના એ સદ્બયની અને ભક્તિભાવની અનુમોદના તો કરીએ !
૨
યાદ રાખજો, સત્કાર્યોના સેવનની દિલ દઈને પ્રશંસા કરી શકીએ એવું કોમળ અને પવિત્ર હૃદય પણ જો આપણી પાસે નથી તો નિશ્ચિત સમજી રાખવું કે આધ્યાત્મિક માનસના સ્વામી બનવાનું આપણાં માટે સ્વપ્નવત્ જ બની રહેવાનું છે. સાંભળ્યો છે આ ટુચકો ?
સાંભળ્યું છે કે...
મને જે સમાચાર મળ્યા છે એ સાચા છે ?’ ‘શું સમાચાર મળ્યા છે ?'
‘તે એક લાખ પોસ્ટકાર્ડ ખરીદી લીધા છે’ ‘હા. એ વાત સાચી છે’
‘પણ શા માટે ?’
‘મને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વખતના બજેટમાં
પોસ્ટકાર્ડનો ભાવવધારો જાહેર થવાનો છે ! આપણે એક સાથે લાખ પોસ્ટકાર્ડનો સ્ટૉક કરી લીધો છે. જેવો ભાવવધારો જાહેર થાય, આપણે એ પોસ્ટકાર્ડ વેચી દઈને તગડી કમાણી કરી લઈશું.'
આ બેવકૂફીના શિકાર આપણે બનવા જેવું નથી. પુણ્યનો આજે જેવો ઉદય છે, સંયોગોની અનુકૂળતાઓ આજે જેટલી છે, સત્સામગ્રીઓની બહુલતા આજે જેટલી છે, શરીરની તંદુરસ્તી અને મનની સ્વસ્થતા આજે જેવી છે, આવતી કાલે આ બધું ય એવું ને એવું જ રહેવાનું છે કે એટલું ને એટલું જ રહેવાનું છે એ ભ્રમણામાં આપણે એક પળ પણ રહેવા જેવું નથી.
આજે ખરીદી લીધેલા એક લાખ પોસ્ટકાર્ડ બજેટ પછી જો માથે જ પડવાના છે તો આજે મુલતવી રાખેલા સત્કાર્યો, આવતી કાલે કર્મોની ઊથલપાથલ વચ્ચે પશ્ચાતાપનું કારણ જ બની રહેવાનાં છે.
આવો, નિષ્ઠુર અને નિર્લેપ માનસ, એમાંથી બહાર નીકળી જઈને સંવેદનશીલ, ધાર્મિક યાવત્ આધ્યાત્મિક માનસના સ્વામી બની જવાના માર્ગ પર કદમ માંડી જ દઈએ. ફાવી જશે.
૩