________________
સભા : આનો અર્થ તો એ જ થયો ને કે અમારું પુણ્ય પરોપકારનું કારણ બનતું જ રહેવું જોઈએ?
ચોક્કસ. પણ એમાં ય કેટલીક સાવધગીરી રાખવી અતિ જરૂરી છે કે જેની વાત અત્યારના પ્રવચનમાં હું તમારી સમક્ષ મૂકવા માગું છું. પરોપકારની એક કક્ષા છે દંડ પર બાંધેલી ધજા જેવી કે જે સાનુકૂળ પવન હોય તો જ ફરકે છે અને જે દિશાનો પવન હોય છે એ દિશામાં જ ફરકે છે જ્યારે પરોપકારની બીજી કક્ષા છે દંડ જેવી કે જે પવન હોય છે તો ય સ્થિર રહે છે અને પવન નથી હોતો તો ય સ્થિર જ રહે છે. પહેલા પરોપકારની જે કક્ષા ધજા જેવી છે કે જેનાં ચાર પ્રકાર છે એની વાત હું અહીં તમારા સમક્ષ મૂકું છું.
પરોપકારની પ્રથમ નંબરની કક્ષા છે, અહંકાર પુષ્ટિની.
કાં તો અહંકારને પુષ્ટ કરવા હું અહંકારવર્ધક પરોપકાર કરતો રહું છું અને કાં તો પરોપકાર કરતા રહેવાથી મારો અહંકાર પુષ્ટ થતો રહે છે માટે હું પરોપકાર કરતા રહેવાનું ચાલુ રાખું છું.
પરોપકારની આ કક્ષાની ખતરનાકતા એ છે કે પરોપકાર કરવા છતાં જો એની, કદર થતી નથી કે અપેક્ષિત આદર મળતો નથી તો એ જ પળે પરોપકાર કરવાનું સ્થગિત થઈ જાય છે અને આ તો સંસાર છે. સહુની પાસે પોતાનાં મન છે અને સહુની પાસે પોતાના જીવનની વ્યસ્તતા છે. તમારા દ્વારા થતા પરોપકારની સહુ કદર કરતા જ રહેશે કે પરોપકાર કરવા બદલ તમે જ્યાં જશો ત્યાં સહુ તમને આદર આપતા જ રહેશે એ તમારું માનવું તમને ભારે પડીને જ રહેવાનું છે.
સાંભળ્યું છે આ દૃષ્ટાન્ત? ‘પપ્પા! હું પરિક્ષામાં પાસ થઈ જાઉં એવું જ તમે ઇચ્છો છો ને?” ‘તારી પાછળ આટલી મહેનત હું એટલા માટે તો કરું ' ‘પપ્પા, ધારો કે હું પાસ થઈ ગયો તો ?'
‘તને સ્કુટર અપાવી દઈશ”
‘અને નાપાસ થઈ ગયો તો ?'
‘રિક્ષા અપાવી દઈશ' પપ્પાએ સંભળાવી દીધું. બસ, આ જુ પોત હોય છે પ્રથમ નંબરના પરોપકારનું. કદર થાય અને આદર મળે તો પરોપકાર ચાલુ રહે અને એ મળવાનાં બંધ થાય તો પરોપકારનાં કાર્યો પર એ જ પળે પૂર્ણવિરામ મુકાઈ જાય.
અહંકારની એક નબળી કડી ખ્યાલમાં છે?
નદીઓથી તૃપ્ત થવાનું જો સાગરના સ્વભાવમાં નથી, મડદાંઓથી ધરાઈ જવાનું જો સ્મશાનના સ્વભાવમાં નથી, સંપત્તિથી રાજી થઈ જવાનું જો લોભાંધના સ્વભાવમાં નથી, સ્ત્રીઓથી તૃપ્ત થઈ જવાનું જો કામાંધના સ્વભાવમાં નથી તો પ્રશંસાના ગમે તેટલા શબ્દો સાંભળ્યા પછી ય રાજી થઈ જવાનું અહંકારના સ્વભાવમાં નથી.
જો પરોપકારનું ચાલકબળ અહંકાર જ હશે તો નિશ્ચિત સમજી રાખવું કે આ પરોપકારના પાણીનું કોઈ પણ પળે બાષ્પીભવન થઈ જ જવાનું છે. કારણ કે જગત આખું અહંકારના ભિખારીઓથી ભર્યું પડ્યું છે. ભોજનની ભૂખ તો ભિખારીને જ હોય છે, સંપત્તિની ભૂખ તો ગરીબને જ હોય છે; પરંતુ પ્રશંસાના શબ્દોની ભૂખ તો કોને નથી સતાવતી હોતી એ પ્રશ્ન છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો એ ભૂખના શિકાર બનવામાં મારો નંબર પણ હોઈ શકે છે, ગળા ફાડીને તમારા સહુ સમક્ષ હું કલાકોના કલાકો બોલ્યા કરું અને તમે મારા આ શ્રમની કદર પણ ન કરો ? મારાં આ શ્રમ બદલ પ્રશંસાના બે શબ્દો પણ ન ઉચ્ચારો ? મારી સમક્ષ મારા હૃદયવેધક પ્રવચનોના વખાણ પણ ન કરો ?' આ ભાવ જો મારા હૃદયમાં ઘર કરી જાય અને એમાંથી જો હું બહાર જ ન નીકળી શકું તો શક્ય છે કે પ્રભુવચનોના વિનિયોગનો આ અતિ દુર્લભ યોગ હું પણ છોડી બેસું.
ટૂંકમાં, આદર-કદરની અપેક્ષા રાખ્યા વિના જ જો પરોપકાર કરતા રહેવામાં આવે તો જ એ પરોપકાર દીર્ઘજીવી બન્યો રહે, આનંદદાયક બન્યો રહે અને આત્મહિતકારક બન્યો રહે, હૃદય પર હાથ રાખીને જવાબ આપો, આપણો દ્વારા થતો કોઈપણ ક્ષેત્રનો પરોપકાર અહંકારપુષ્ટિનું કારણ નથી જ બનતો અથવા તો અહંપુષ્ટિ માટે આપણે પોકાર નથી જ કરતા એવું કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ?
સભા : અહંકારને પુષ્ટ કરવા પરોપકાર ભલે નથી કરતા પણ પરોપકાર થઈ ગયા બાદ એની કદર થાય અને એ કરવા બદલ આદર મળે એવી ઝંખના તો મનમાં રહ્યા કરે
એટલું જ કહીશ કે આ ઝંખનાના કદને ઘટાડતા ઘટાડતા નામશેષ કરવાની દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ બન્યા રહેજો અન્યથા કોઈપણ પળે પરોપકાર છૂટી ગયો, વિના નહીં જ રહે. કારણ કે અહંકારની પુષ્ટિ એ સ્વાધીન નથી પણ પરાધીન છે. અહંકારને હંમેશાં કોઈ બીજાની આંખે મોટા થવાની ઇચ્છા હોય છે. અહંકાર કાયમ કોકના સહારા માટે તરફડતો જ હોય છે અને જ્યાં કેન્દ્રમાં “સ્વ” છૂટીને “પર” આવે છે ત્યાં એ ‘પરી’ ના જીવન અંગે કોઈ જ નિશ્ચિત આગાહી કરી શકાતી નથી. નાનકડો જ આઘાત અને પર' ને આધીન વૃત્તિ-પ્રવૃત્તિ સમાપ્ત!
૨૮