________________
૪
બાર પ્રકારની હિંસાઓ
ભૂમિકા
સ્થળ નજરથી પ્રાણીઓની પશુઓની હિંસાને જ હિંસા તરીકે જોવામાં આવે છે. ધર્મપ્રેમીઓ આ હિંસાથી દૂર રહેવા પ્રયત્ન કરતા હોય છે. પરન્તુ આના કરતાં તો બીજી ઘણી (અગીયાર) હિંસાઓ છે; જે ઉત્તરોત્તર વધુ ને વધુ ભયંકર બનતી જાય છે. આ હિંસાઓની અપેક્ષાએ પશુહિંસા એ તો બહુ સામાન્ય કોટિની હિંસા ગણી શકાય.
આ બાર હિંસાઓમાં છ હિંસાઓ પરહિંસા સ્વરૂપ છે. જ્યારે છેલ્લી છ હિંસાઓ સ્વહિંસા સ્વરૂપ છે.
પરહિંસા કરતાં સ્વહિંસા બેશક વધુ નુકસાનકારક હોવાથી કાતીલ છે. તેમાં ય છેલ્લી સ્વરૂપહિંસા એ સર્વોત્કૃષ્ટ કાતીલ હિંસા છે. આ હિંસાની પાસે પહેલા નંબરની પ્રાણિહિંસા તો ખૂબ જ સામાન્ય કક્ષાની કહી શકાય. દરેક પરહિંસા ઉત્તરોત્તર વધુ ભયાનક છે.
દરેક સ્વહિંસા પણ ઉત્તરોત્તર વધુ ભયાનક બનતી જાય છે. જો આ વાત બરાબર સમજાય નહિ તો એવું બને કે પહેલા નંબરની પ્રાણિહિંસાને ગંભીરપણે જોઈને તેને રોકવા માટે જોરદાર પ્રયત્નો કરવામાં આવે, અને તેવો માણસ તેથી પણ ભયંકર, તે પછીની હિંસાઓ આરામથી કરતો રહે.
દા. ત. દેવનારના કતલખાનેથી ઢોરને છોડાવતો માણસ ઘરમાં પોતાની પત્નીને ઢોરમાર મારતો હોય, અથવા લેસરકિરણોથી ચાલતું હીરા-કાપવાનું મશીન વસાવીને બે જ માણસોથી એ કામ ચાલતાં અઠ્ઠાણું માણસોને નોકરીમાંથી રજા આપી દઈને અઠ્ઠાણું કુટુંબોનાં જીવન પાયમાલ કરી દેતો હોય, અથવા પોતાનાં બાળકોને કોન્વેન્ટમાં મોકલીને તેમના પૂર્વજન્મોના સુસંસ્કારોની કતલ કરી નાંખતો હોય અથવા કામ, ક્રોધ, અભિમાન વગેરેમાં ચકચૂર બનીને કામાન્ધ, ક્રોધાન્ધ, અભિમાનાર્ધ બનીને-પોતાના આત્માના સ્વરૂપમાં પડેલા બ્રહ્મચર્ય, ક્ષમા નમ્રતા વગેરે ગુણોની કતલ કરી નાંખતો હોય, તો તેવા માણસની દેવનારની કતલખાનાની પશુ-દયા એ બહુ વખાણવા લાયક વસ્તુ બનતી નથી.