________________
બાર પ્રકારની હિંસાઓ
૧૭૯
સારી પદ્ધતિ તો ન જ કહું. પણ કદાચ એટલું કહું કે બીજી સરમુખત્યારશાહી વગેરે પદ્ધતિઓ કરતાં તે ઓછામાં ઓછી ખરાબ છે.”
ખેર. મારી દૃષ્ટિએ તો લોકશાસન એ સુ-લોકશાસન ન હોય તો તેના કરતાં કોઈ સારા માણસની સરમુખત્યારશાહીને જ આજની તારીખમાં ભારતીય પ્રજાએ સ્વીકારી લેવી જોઈએ. જો કે મારા જેવાઓ તો સંત-શાસન (અનુશાસન) આધારિત રાજશાસન (રાજાશાહી) ને જ પસંદ કરે છે. (હાલની અંધાધૂંધી જોતાં તો નક્કી પસંદ કરે છે.) પણ હજી આ વાત કરવાનો સમય પાકેલો જણાતો નથી.
બાકી આ લોકશાસને તો પશુઓના ચિત્કારોથી ગગનને ઉભરાવી દીધું છે; નારીના શીલના ઊભી બજારે ફુરચા ઉડાવ્યા છે; વડીલોની આમન્યાઓના ભુકા કરી નાંખ્યા છે; તમામ સાંસ્કૃતિક મર્યાદાઓને તોડી-ફોડી નાંખી છે; ખેતી, આયુર્વેદ, વર્ણવ્યવસ્થા, જાતિનું અસાંકર્ય વગેરે પ્રજાની એકાંતે હિતકારી જે વ્યવસ્થાઓ હતી તેની ક્રૂર મજાક ઉડાવી છે. વેદ, આગમ વગેરે ધર્મગ્રંથોને જાહેરમાં સળગાવ્યા છે, એની વાતોને “આઉટ-ઓફ ડેઈટ' જાહેર કરી છે.
આ લોકશાસન એ હવે ટોળાનું નહિ; ગુંડાઓનું જ નહિ પણ માફીયાઓનું અને આતંકવાદીઓનું શાસન બનવા તરફ ઝડપથી ધસી રહ્યું છે.
પછાતોના ઉત્કર્ષમાં ગુણવત્તાનાં તમામ ધોરણોનું નિકંદન કાઢી નાંખીને આખી ભારતીય પ્રજાને નષ્ટભ્રષ્ટ કરવાનો દાવ આ લોકશાસનના નેજા નીચે જ કેટલાક દેશી-ગોરાઓ (વિદેશીઓની પ્રેરણાથી સ્તો) રમી રહ્યા છે.
આવી બીભત્સ, લોકસત્તાને મારા જેવા માણસો શી રીતે માન્યતા આપે?
લોકસત્તાએ સંઘસત્તા ખતમ કરી છે, જો કે હજી તે સંઘસત્તા ઓકસીજન ઉપર જીવી રહી છે એટલે તેને ફરી જીવંત બનાવી દેવાની તકો તો પહેલી જ છે; પરંતુ તે માટે તમામ સંતોએ જાગ્રત થવું પડશે. નહિ તો તેના મોતને રોકી શકાય તેમ નથી. જો લોકસત્તાએ બહુમતવાદ ઉપર સંઘસત્તા ખતમ કરી તો લોકસત્તા દ્વારા શું ખતમ નહિ કરાય? તે સવાલ થઈ પડશે.