________________
બાર પ્રકારની હિંસાઓ
૧૪૯
શરૂ થાય ને ગરમ કોટ પહેરવા પડે અથવા જોતજોતામાં વરસાદમાં ભીંજાઈ જવું પડે.... વેધરના ફેરફારને ઠેકાણા વગરના વાતાવરણની જેમ ત્યાંના માણસોનું વેધર પણ ક્યારે બગડે ને ક્યારે ખુશનુમા બને એનું ઠેકાણું હોતું નથી.
પણ અત્યારે વેધર સારું છે. અમે બંને બાંકડા પર બેઠાં છીએ.
વહેતી કેનાલમાં હાથબોટો ફરે છે. અનેક લોકો પાણી સાથે ગેલ કરે છે. ત્યાં અમારા બાંકડા પર ૪૫ વર્ષની દેખાતી એવી એક ૮૦ વર્ષની ડોશી આવીને ગોઠવાય છે. ત્યાંના રિવાજ પ્રમાણે સહજ રીતે જ મારાથી “હાય...” (કેમ છે) બોલી જવાય છે. ત્યાં કોઈ મળે ત્યારે હાય. અને છૂટા પડીએ ત્યારે બાય.... બોલવાનો રિવાજ છે. ઓળખાણ-પિછાણ આ હાય.. બાય... કહેવામાં જરૂરી નથી.
મેં કહ્યું... હાય.. ને સામેથી જવાબ આવ્યો.. હાય.... ને ડોશી ગોઠવાઈ ગઈ ..... પછી બધાં ચૂપ.. બસ.. હાય.... ને હવે કોઈ સંબંધ નહીં.. પણ ડોશીના ચહેરા ઉપરની પ્રસન્નતા ને મધુરતા જોઈ મને નવાઈ લાગી. અમેરિકાનો કોઈ વૃદ્ધ કે વૃદ્ધા ખુશખુશાલ દેખાય તો સમજવું કે સંસારે-પરિવારે સુખી માણસ હશે. એના દીકરાદીકરીઓ એને પ્રેમથી રાખતાં હશે અથવા એ ખૂબ ધનાઢય હશે જેથી એના દીકરાદીકરીઓ એની આસપાસ વળગેલાં રહેતાં હશે ને એને સુખ આપતાં હશે. એમ દેખાયું. કારણ કે ભારતીય કુટુંબો બાદ કરતાં બીજી તમામ પ્રજાઓનાં વૃદ્ધોની સમસ્યાઓ ત્યાં કારમી છે. એટલે સ્વાભાવિક રીતે જ આ અમેરિકન વૃદ્ધાના ચહેરા પર મધુરતા ને પ્રસન્નતા જોઈને મને ખૂબ નવાઈ લાગી. ને તક મળે તો વાત કરવાની ઈચ્છા થઈ આવી.
અમે બન્ને બેઠાં છીએ. બાજુમાં પ્રસન્ન ચહેરે વૃદ્ધા બેઠી છે. અમારો મૂંગો વ્યવહાર ચાલે છે.
અહીં-તહીં ફરતા સર્વ માનવીઓને જોઈને ડોશી રાજીરાજી થઈ જાય છે. કયારેક તાળી પાડી બેસે છે... કયારેક ઊભી થઈને સાતઆઠ ડગલાં આગળ-પાછળ ફરી વળે છે ને પાછી ગોઠવાઈ જાય છે. એમ કરતાં કરતાં એક ક્ષણે મારાથી પૂછી લેવાય છે. “આર... યુ.. કમ્ફર્ટેબલ ઓર નોટ...' બેસતાં ફાવે છેને સુખથી.. ને અમારો વાતચીતનો વ્યવહાર શરૂ થયો.
એ સુખમાં હતી.