________________
וד
બાર પ્રકારની હિંસાઓ
૧૪૧
નેશનલ સ્ટેટ ઊભાં થયાં. મધ્યકાલીન રાજ્યવ્યવસ્થા, સામંતશાહી વગેરે જર્જરિત થઈને વિલીન થવા લાગી. રાજ્યવ્યવસ્થામાં લોકોનો પોતાનો પણ અવાજ હોવો જોઈએ, એવી ભાવના ધીરે ધીરે ખીલતી ગઈ. એક નવી આર્થિક વ્યવસ્થા પણ ઊભી થઈ ગઈ. ઉત્પાદનની પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. ઉત્પાદન અનેક ગણું વધ્યું. ખેતી સિવાય અન્ય વ્યવસાયો વધવા લાગ્યા. માણસની સુખ-સગવડ માટે જાતજાતની ચીજવસ્તુઓ બનવા લાગી. વસ્તુ-વિનિમય માટે બજારનું એક જટિલ તંત્ર ઊભું થયું. બજારની જાળ ચારેકોર ફેલાતી ગઈ.
આ બધાની અસર માણસના વ્યક્તિગત તેમ જ સામાજિક જીવન પર પણ પડતી ગઈ. માણસનાં વિચારો, અરમાનો, મૂલ્યો બદલાયાં. રહેણીકરણી, માન્યતાઓ, રીતરિવાજો, સામાજિક સંસ્થાઓ, માણસ માણસ વચ્ચેના સંબંધો, બધામાં જ ધરમૂળથી પરિવર્તન આવતું ગયું. એક નવી જીવનદૃષ્ટિ પાંગરી, જગત વિશેના અને જગત સાથેના માણસ સંબંધ વિશેના નવા ખ્યાલો ઊભા થયા. પ્રગતિ અને માનવ વર્ચસ્વ વિશેનો એક નવો આશાવાદ જન્મ્યો.
માનવ–પુરુષાર્થના આ નવા પર્વમાં વિજ્ઞાનની શોધખોળોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવેલો. ભૌતિક વિજ્ઞાનમાં અનેક નવા નવા આવિષ્કારો થયા. અનેક મહાન વિજ્ઞાનીઓએ ભૌતિક જગતનાં ઊંડામાં ઊંડા રહસ્યોને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો, તેથી આ નવો જુવાળ વિજ્ઞાનયુગ તરીકે ઓળખાવા લાગ્યો.
આ વિજ્ઞાનયુગમાં એક નવી વિચારસરણી ઊભી થઈ. એક નવું જીવન-દર્શન અને વિશ્વદર્શન સ્થાપિત થયું. એને નવી વિચારસરણીના આધારે નવાં નવાં શાસ્ત્રો રચાયાં, નવાં નવાં સિદ્ધાંતો સ્થાપિત થયા, નવી જીવનપદ્ધતિ ઊભી થઈ.
પાયાની ભૌતિકવાદી વિચારસરણી
વિજ્ઞાનયુગના આરંભકાળમાં સંસ્થાકીય ધર્મ સામેના વિરોધનું માનસ બનેલું. ધર્મ, નીતિમત્તા, સાદાઈ, સંયમ વગેરેની બધી વાતો હવે જુનવાણી લેખાવા લાગી. એ બધું માણસની પછાત અવસ્થા અને પછાત માનસનું સૂચક હતું, એમ મનાવા લાગ્યું. (વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ખાઈ પડી ગઈ, અને દિવસે દિવસે તે વધુ ને વધુ પહોળી થતી ગઈ. ભૌતિકતા અને આધ્યાત્મિકતા જાણે સાવ બે સામસામા છેડાની વાત હોય, એવું વલણ ઘર કરતું ગયું. માણસને અંધશ્રદ્ધામાંથી બચાવવા માટે બુદ્ધિ અને તર્ક ઉપર વિશેષ ભાર મુકાતો ગયો.