________________
૧૮].
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪
बीजाङ्करसन्तानवदनादिरिति भावः ॥४॥
આગળના સૂત્રને પ્રસ્તુત કરવા માટે પૂછે છે : “કર્થ તહિ ?” તો કેવી રીતે? જો ચિતિશક્તિ એવી (સ્વરૂપાવસ્થિત) હોય છતાં એવી દેખાતી નથી, તો પછી કેવી દેખાય છે ? હેતુ દર્શાવનાર શબ્દનો અધ્યાહાર રાખીને સૂત્ર રચ્યું છે. વિષય દર્શાવાયો હોવાના કારણે, બીજી અવસ્થાઓમાં વૃત્તિઓના રૂપ જેવા રૂપવાળી ચિતિશક્તિ (પુરુષ) દેખાય છે. બીજી અવસ્થાઓમાં, એટલે વ્યુત્થાન દશામાં થતી શાન્ત, ઘોર અને મૂઢ અવસ્થાઓમાં પુરુષની એમનાથી અભિન્ન વૃત્તિઓ હોય છે. “સારૂપ્ય”માં પ્રયોજેલો “સ” એક અર્થ કહે છે. કહેવાનો આશય એ છે કે જપાપુષ્પ અને સ્ફટિકની જેમ બુદ્ધિ અને પુરુષમાં નજીકપણાને કારણે ભેદ જણાતો નથી, ત્યારે બુદ્ધિની વૃત્તિઓનો પુરુષમાં આરોપ થવાથી હું શાન્ત છું, દુઃખી છું, મૂઢ છું, એવા નિશ્ચય પુરુષ કરે છે. જેમ કોઈ મેલા દર્પણમાં પ્રતિબિંબિત થયેલા મુખને મેલું જોઈને શોક કરે કે હું મલિન છું, એવું અહીં બને છે.
જોકે શબ્દ વગેરેના જ્ઞાનવાળી બુદ્ધિવૃત્તિઓમાં પુરુષનો આરોપ, એ વૃત્તિઓ પ્રકૃતિનું પરિણામ હોવાથી, જડ રૂપમાં અનુભવાવો જોઈએ, છતાં એ આરોપ બુદ્ધિને પુરુષ જેવી ચેતન દર્શાવીને, પુરુષની વૃત્તિઓનો અનુભવ હોય એમ પ્રગટ કરે છે. તેથી આત્મા વિપર્યય રહિત હોવા છતાં વિપર્યયવાળો, અભોક્તા હોવા છતાં ભોક્તા હોય એવો, વિવેકખ્યાતિ વિનાનો હોવા છતાં, વિવેકખ્યાતિવાળો, અને વિવેકખ્યાતિથી પોતાના સાચા સ્વરૂપમાં પ્રગટ થયો હોય એમ જણાય છે. આ વાત આગળ “ચિતરપ્રતિસંક્રમાયાસ્તદાકારાપત્તૌ સ્વબુદ્ધિસંવેદન...”- વિષયોમાં સંચરણ ન કરતી ચિતિ, બુદ્ધિના આકારવાળી બનતાં, પોતાની બુદ્ધિને જાણે છે, ૪.૨૨; તેમજ “સત્ત્વપુરુષયોરત્યન્તાસંકીર્ણયોઃ પ્રત્યયાવિશેષો ભોગઃ” - અત્યંત જુદા સત્ત્વ અને પુરુષના ભેદનું જ્ઞાન ન થવું એ ભોગ છે, ૩.૩૫ (એ બે સૂત્રોમાં) કહેવાશે. ભાષ્યકાર “તથાચ” વગેરેથી આ સિદ્ધાન્ત બીજા મતમાં પણ સ્વીકારાયો છે, એમ કહે છે. પંચશિખાચાર્યનું સૂત્ર છે “એક જ દર્શન (જ્ઞાન) છે, ખ્યાતિ જ દર્શન છે.”
પરંતુ જ્ઞાન એક કેવી રીતે હોઈ શકે? કારણ કે બુદ્ધિની શબ્દ વગેરે વિષયોને જાણતી અને વિવેક કરતી વૃત્તિ પ્રાકૃત હોવાથી જડ તરીકે અનુભવાય અને એનાથી વિપરીત પુરુષનું ચૈતન્યના અનુભવરૂપ જ્ઞાન ચેતન તરીકે અનુભવાય; આમ આ બે જ્ઞાન ભિન્ન હોવાં જોઈએ. આના જવાબમાં “ખ્યાતિ જ જ્ઞાન છે.” એમ કહે છે. ઉદય અને અસ્ત થવાના સ્વભાવવાળી બુદ્ધિની વૃત્તિરૂપ ખ્યાતિના