________________
પા. ૧ સૂ. ૨]
વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૧૩
પ્રસંખ્યાન” એ પારિભાષિક શબ્દ યોજે છે. સત્ત્વ અને પુરુષના વિવેકવાળા ચિત્તને ધ્યાનનિષ્ઠ યોગીઓ ધર્મમેઘ પર્યંત સર્વોચ્ચ વિચાર કરવા માટે સમર્થ કહે છે. ધ્યાનનું અધિકરણ (આશ્રય) ચિત્ત છે, તેથી ધ્યાનરૂપ ધર્મ અને ધર્મ ચિત્તમાં અભેદ છે એમ સમજવું જોઈએ. “ચિતિશક્તિરપરિણામિની...” વગેરેથી વિવેકખ્યાતિનો ત્યાગ અને ચિતિશક્તિનો સ્વીકાર કરવામાં હેતુભૂત નિરોધસમાધિનું સ્વરૂપ રજૂ કરવા માટે ચિતિશક્તિની સાધુતા અને વિવેકખ્યાતિની અસાધુતા દર્શાવે છે.
સુખ, દુઃખ અને મોહનો અનુભવ અશુદ્ધિ છે. વિવેકી માટે સુખ અને મોહ પણ દુ:ખરૂપ છે, તેથી દુઃખની જેમ ત્યાજ્ય છે. એ રીતે અત્યંત સુંદર પણ અંતવાળી વસ્તુ દુઃખદાયક છે, તેથી વિવેકીએ એનો પણ ત્યાગ કરવો જોઈએ. ચિતિશક્તિરૂપ પુરુષમાં આવી અશુદ્ધિ અને અંત નથી, એ વાત “શુદ્ધા ચાનન્તા ચ' કહીને સ્પષ્ટ કરી છે.
પરંતુ સુખ, દુ:ખ, મોહરૂપ શબ્દ વગેરેને પ્રકાશિત કરવા, એમના આકારો ધારણ કરતી ચિતિશક્તિ શુદ્ધ કેવી રીતે કહેવાય ? અને એમના આકારનો સ્વીકાર અને ત્યાગ કરતી એ અનંત કેવી રીતે કહેવાય ? એ શંકા નિવારવા “દર્શિતવિષયા’ એમ કહ્યું. શબ્દ વગેરે વિષયો જેને દર્શાવવામાં આવે છે, એવી ચિતિશક્તિ પણ બુદ્ધિની જેમ વિષયાકારે પરિણમતી હોય તો ઉપર કહી એવી શંકા થઈ શકે. પણ ફક્ત બુદ્ધિ જ વિષયાકારે પરિણમી, તેના આકારવાળી દેખાતી ચિતિશક્તિસમક્ષ વિષયોનું નિવેદન કરે છે. આ કારણે પુરુષ (વિષયોને) જાણે છે, એમ કહેવાય છે.
વિષયાકાર બુદ્ધિપર આરૂઢ થયા વિના ચિતિશક્તિ વિષયને કેવી રીતે જાણી શકે ? એ રીતે આરોહણ કરે તો એનો આકાર ધારણ કરતી નથી એમ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં કહે છે : “અપ્રતિસંક્રમા' એકથી બીજા વિષયપર જતી નથી. પ્રતિસંક્રમ એટલે સંચરણ. એ ચિતિમાં નથી એવો અર્થ છે. એ એમાં કેમ નથી ? એના જવાબમાં કહે છે : “અપરિણામિની'. એમાં ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપી ત્રિવિધ પરિણામ નથી. તેથી ક્રિયારૂપમાં પરિણમી બુદ્ધિના સંયોગથી પરિણામવાળી બનતી નથી. સંચરણ કે ગતિરહિત ચિતિ વિષયને કેવી રીતે જાણે છે, એ વાત આગળ કહેવાશે. આમ ચિતિશક્તિ શુભ છે એમ સિદ્ધ થયું. વિવેકખ્યાતિ બુદ્ધિસત્ત્વરૂપ હોવાથી અશુભ છે, અને ચિતિશક્તિ એનાથી વિપરીત છે. જો વિવેકખ્યાતિ પણ ત્યજવાયોગ્ય હોય, તો અનેક દોષોવાળી બીજી વૃત્તિઓની તો વાત જ શું કરવી ? એવો ભાવ છે. ‘અતસ્તસ્યાં વિરક્ત ચિત્તમ્” વગેરેથી એ હેતુ સિદ્ધ કરવા નિરોધસમાધિ માટે વધુ અભ્યાસ કરવો યોગ્ય છે, એમ કહે છે. “તદવસ્થ” વગેરેથી બધી વૃત્તિઓનો નિરોધ થયો હોય એવું ચિત્ત કેવું હોય એ