________________
પા. ૪ સૂ. ૧૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૩૫
હોવાથી) શ્રોત્રનો વિષય બની શકે નહીં. બાકીનું સુગમ છે.
હવે વિજ્ઞાનવાદી બૌદ્ધનો મત પ્રસ્તુત કરે છે, “નાસ્યર્થો વિજ્ઞાનવિસહચર” વગેરેથી, જો ભૂતો અને ભૌતિક પદાર્થો વિજ્ઞાન માત્રથી ભિન્ન હોય તો એમની ઉત્પત્તિનું કારણ પ્રધાન પણ એવું જ્ઞાનરહિત (જડ) કલ્પવું જોઈએ. હકીકતમાં તેઓ વિજ્ઞાનથી અતિરિક્ત (ભિન્ન) નથી. તો પ્રધાનની કલ્પના શા માટે કરવી જોઈએ? અને શા માટે ગ્રહણરૂપ ઇન્દ્રિયો અહંકારના પરિણામે ઉત્પન્ન થાય છે એવી કલ્પના કરવી જોઈએ ? એટલે કે જડ પદાર્થ સ્વયંપ્રકાશ નથી, માટે પદાર્થ વિજ્ઞાન સાથે અસહભાવી નથી. સાહચર્ય સંબંધ છે. એનો અભાવ એટલે વિસહચરત્વ. અહીં “વિ” અભાવના અર્થમાં પ્રયોજયો છે. વિજ્ઞાન સાથે અસંબદ્ધ નથી, માટે એ વ્યવહારયોગ્ય બને છે. પરંતુ જ્ઞાન પદાર્થથી વિસહચર, અસહભાવી છે. જ્ઞાન સ્વયંપ્રકાશ છે. માટે પોતાના અસ્તિત્વના વ્યવહાર માટે જડ પદાર્થની અપેક્ષા રાખતું નથી. આનાથી વેદ્યત્વ-જ્ઞેયપણું-અને સતોપલંભ નિયમ (સાથે જ ઉપલબ્ધિ થાય એવો નિયમ) વિજ્ઞાનવાદીએ સૂચવ્યાં. આ વિષે નીચે મુજબના બે અનુમાન પ્રયોગો થાય :
“જે વસ્તુ જે જ્ઞાનવડે જણાય એ એનાથી ભિન્ન નથી, જેમ જ્ઞાનનો આત્મા. ભૂતો અને ભૌતિક પદાર્થો જાણવામાં આવે છે, તેથી તેઓ જ્ઞાનથી વ્યાપ્ત છે અને જ્ઞાન વ્યાપક છે. તેથી વિરુદ્ધ એવા વ્યાપ્તની ઉપલબ્ધિ થાય છે. એ નિષેધ કરવા યોગ્ય ભેદથી વિરુદ્ધ વડે વ્યાપ્ત વેદ્યત્વ જણાય છે, એ પોતાના વ્યાપક એવા અભેદને ઉપસ્થિત કરીને એનાથી વિરુદ્ધ એવા ભેદનો તિરસ્કાર કરે છે.” અને
“જે વસ્તુ જેની સાથે નિયતપણે ઉપલબ્ધ થાય એ એનાથી ભિન્ન હોતી નથી. જેમ એક ચંદ્રથી બીજો ચંદ્ર (ભિન્ન હોતો નથી). પદાર્થ નિયમિત રીતે જ્ઞાન સાથે ઉપલબ્ધ થાય છે, માટે વ્યાપકથી વિરુદ્ધ ઉપલબ્ધિ છે. નિષેધ કરવા યોગ્ય ભેદ, વ્યાપકના નિયમથી વિરુદ્ધ છે. આ નિયમ અનિયમિતને નિવૃત્ત કરી, એનાથી વ્યાપ્ત ભેદને નિવૃત્ત કરે છે.”
ભલે, પણ પદાર્થ જ્ઞાનથી ભિન્ન ન હોય તો ભિન્ન હોય એમ શાથી દેખાય છે? જવાબમાં “કલ્પિતમ્” વગેરેથી કહે છે કે કલ્પનાને કારણે એવો ભેદ જણાય છે. બૌદ્ધો કહે છે :
નીલ અને નીલબુદ્ધિ સાથે ઉપલબ્ધ થતાં હોવાથી એ બેનો સતોપલભ નિયમ છે, તેથી એ બેમાં અભેદ છે. પણ ભ્રાન્તિ જ્ઞાનથી એક ચંદ્ર બે દેખાય એમ આ બે માં ભેદ જણાય છે.”
જ્ઞાનપરિકલ્પના” વગેરેથી કલ્પિતપણાને વધારે સ્પષ્ટ કરે છે. “તે...”