________________
૩૯૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫ર
જ્ઞાનના સાધનરૂપ સંયમને કહે છે. “યથા” વગેરેથી દાખલો આપીને ક્ષણ શબ્દનો અર્થ કહે છે. જેમ ઢેખાળાના વિભાગો કરતાં કરતાં, જે અવયવમાં અલ્પતાનો છેડો આવે, એ અંતિમ ભાગને પરમાણુ કહે છે, એમ કાળના અંતિમ ભાગને ફણ કહે છે. પહેલાં અને પછી એવા ભાગવિનાની કાળની કળા ક્ષણ છે. “યાવતા વા”.. વગેરેથી ક્ષણને બીજી રીતે વર્ણવે છે. પરમાણુ જેવડા દેશનું અતિક્રમણ જેટલા સમયમાં થાય એ એક ક્ષણ છે. “તવાહ...” વગેરેથી ક્રમ શબ્દનો અર્થ કહે છે. “ત” શબ્દથી ક્ષણનો ઉલ્લેખ કરે છે. આવો ક્રમ વાસ્તવિક નથી. પણ કાલ્પનિક છે. “ક્ષણતત્કમયો.વગેરેથી કહે છે કે જુદી જુદી ક્ષણોમાં જણાતો સમાહાર (સંઘાત) વાસ્તવિક છે, એ વાત વિચાર કરતાં ટકી શકે એવી નથી. ક્રમ એકીસાથે ઉત્પન્ન ન થતી ક્ષણોના ધર્મવાળો હોવાથી, ક્ષણોનો સંઘાત અવાસ્તવિક છે. આ કારણે ક્ષણ અને એના ક્રમનો સહભાવ પણ અવાસ્તવિક છે. પંડિતો જેવી બુદ્ધિની નૈસર્ગિક સૂક્ષ્મતા વિનાના, પ્રતિક્ષણ વ્યસ્થિત દર્શનવાળા અને બ્રાન્ત લોકો આવા કાળને વાસ્તવિક માને છે.
તો શું ક્ષણ પણ અવાસ્તવિક છે ? જવાબમાં ના કહે છે. ક્ષણ તો વસ્તુપતિત કે વાસ્તવિક છે. આ વાસ્તવિક ક્ષણને અવલંબતો ક્રમ કાલ્પનિક છે, એવો અર્થ છે. “ક્રમશ્ચ ન કયોઃ સહભુવોઃ અસંભવાત” વગેરેથી ક્રમ ક્ષણનું અવલંબન શાથી કરે છે, એ હેતુ જણાવે છે. “ન ચ...” વગેરેથી ક્રમની અવાસ્તવિકતાનો હેતુ કહે છે. અહીં “ચ” હેતુના અર્થમાં પ્રયોજયો છે. જે ભિન્ન જાતિની હોવાથી સહભાવ માને છે, એના પ્રત્યે “ક્રમશ્ચ ન દયો ..” વગેરેથી કહે છે કે બે ક્ષણોનો સહભાવ અસંભવિત હોવાથી એમનો ક્રમ બનતો નથી. અસંભવ કેમ છે? એના જવાબમાં “પૂર્વમા...” વગેરેથી કહે છે કે અસ્તિત્વ ધરાવતી પહેલી ક્ષણ સાથે પછીની ક્ષણ જોડાય એ ક્રમ કહેવાય. (એવો ક્રમ અહીં અસંભવ છે). “તસ્મા” વગેરેથી ઉપસંહાર કરે છે. (વર્તમાન ક્ષણ જ સત્ય છે).
તો પહેલાંની અને પછીની ક્ષણો સસલાના શીંગડા જેવી છે? જવાબમાં “યે તુ..” વગેરેથી ના કહે છે. (વસ્તુના વર્તમાન ક્ષણના પરિણામ સાથે ભૂત અને ભાવી ક્ષણો અનુગત છે). અન્વિત-અનુગત-એટલે સમાનપણે સર્વ અવયવોમાં રહેલી, એવો અર્થ છે. “તેન...” વગેરેથી ઉપસંહાર કરે છે કે એક વર્તમાન ક્ષણમાં સંપૂર્ણ લોક પરિણામ અનુભવે છે. વર્તમાન ક્ષણ જ પદાર્થોમાં પોતાને યોગ્ય પ્રયોજનવાળી ક્રિયા કરવામાં સમર્થ છે. પર