________________
૩૧૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૫
ઉત્પન્ન કરે છે. લોહી સીંચવાથી દાડમનાં ફળ તાડનાફળ જેવડાં થાય છે. “એવમ્..” વગેરેથી ઉપસંહાર કરે છે. આમ બધું પૃથ્વી, પાણી વગેરે બધા રસોરૂપે પરિણમે છે. એનો હેતુ “જાત્યનુચ્છેદન” વગેરેથી કહે છે. જલત્વ, ભૂમિત્વની જાતિ એમનાં બધાં પરિણામોમાં અનુગત છે એવું જાણી શકાય છે.
જો સર્વ સર્વરૂપ હોય તો બધાની બધા સમયે, બધી જગાએ, અને બધી રીતે ધ્યાતિ હોવાથી એક સમયે બધા પદાર્થો અભિવ્યક્ત થવા જોઈએ, કારણ કે દોષરહિત કારણ હાજર હોય, તો કાર્ય ઉત્પન્ન થવામાં વિલંબ ન થવો જોઈએ. આના જવાબમાં “દેશકાલાકાર.” વગેરેથી કહે છે કે બધાં કારણો બધારૂપ છે, છતાં જે પદાર્થનો જે દેશ હોય ત્યાં જ એ ઉત્પન્ન થાય. દાખલા તરીકે કેસરનો દેશ કાશ્મીર છે. પાંચાલ વગેરે પ્રદેશોમાં પણ કારણો હાજર છે, છતાં ત્યાં એ કાર્ય ઉત્પન્ન કરી શકતાં નથી, માટે ત્યાં કેસર ઉત્પન્ન થતું નથી. ડાંગર ઉનાળામાં ઉત્પન્ન થાય નહીં, કેમકે એ કાળે એનાં કારણો કાર્યરત બની શકતાં નથી. એમ મૃગી મનુષ્યને જન્મ આપતી નથી. કારણ કે મૃગીમાં મનુષ્યનો આકાર ઉત્પન્ન થઈ શકે નહીં. પુણ્ય વિનાનો માણસ સુખ ભોગવી શકતો નથી, કારણ કે એના વિષયમાં પુણ્યનું નિમિત્ત કાર્યકારી બનતું નથી. આમ દેશ, કાળ, આકાર અને નિમિત્તોની મર્યાદાના કારણે એક સમયે પદાર્થો પ્રગટ થતા નથી.
“ય એતેષ” વગેરેથી ધર્મોનું વિભાજન કરી, તેઓમાં ધર્મી અનુગત છે, એમ કહે છે. ધર્મી સામાન્યરૂપ છે. ધર્મો વિશેષરૂપ છે. તદાત્મક એટલે બંનેરૂપ. “યસ્ય તુ” વગેરેથી અનુભવસિદ્ધ અનુગત ધર્મી સિદ્ધ કરીને, એના અસ્તિત્વને નકારતા વૈનાશિકના-ચિત્ત ક્ષણિક વિજ્ઞાન માત્ર છે, એવા-મતમાં અગાઉ દર્શાવેલું અનિષ્ટ યાદ કરાવતાં કહે છે કે વસ્તુની સ્મૃતિ રહે છે, માટે સ્થિર, અનુગત ધર્મી અવશ્ય સ્વીકારવો જોઈએ. દેવદત્ત જે જોયું હોય એનું સ્મરણ યજ્ઞદત્ત કરતો નથી. દેવદત્ત એનો અનુભવ અને એનું સ્મરણ કરનાર છે. ૧૪
क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ॥१५॥
પરિણામનો ભેદ ક્રમના ભેદને કારણે છે. ૧૫