________________
૧૩૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૫૧
થાય છે. એ ચિત્ત એ બેના સંસ્કારોવાળું છે. અને નિરોધ સંસ્કાર તો તાજો (હમણાં) જ ઉત્પન્ન થયો. આવા નિરોધસંસ્કારો હોવા છતાં પણ ચિત્ત સાધિકાર નથી. પુરુષાર્થજનક ચિત્ત સાધિકાર કહેવાય છે, અને શબ્દ વગેરેનો ભોગ તેમજ વિવેકખ્યાતિ પુરુષાર્થો છે. પરંતુ ફક્ત સંસ્કાર શેષ હોય ત્યારે એમનો આશ્રય બુદ્ધિ પ્રતિસંવેદી પુરુષ હોતો નથી, એટલે એવો શેષ રહેલો સંસ્કાર પુરુષ માટે હોતો નથી. (તેથી નિરોધ સંસ્કાર શેષ રહે તો પણ પુરુષ સ્વરૂપ પ્રતિષ્ઠ, કેવલ અને મુક્ત કહેવાય છે.) વિદેહ અને પ્રકૃતિલય યોગીઓનું ચિત્ત નિરોધ ભાગીપણાને લીધે સાધિકાર નથી હોતું, પણ ક્લેશવાસનાઓથી વાસિતપણાને લીધે સાધિકાર હોય છે, એવું “યસ્માત્' વગેરેથી કહ્યું. (તેથી નિરોધભાગી યોગીઓ મુક્ત થાય છે પણ વિદેહ અને પ્રકૃતિલયો મુક્ત થતા નથી.) બાકીનું સુગમ છે. ૫૧
યોગનું લક્ષ્ય અને એના સ્વરૂપની સમજણ, અને એના અનુષ્ઠાન માટે વૃત્તિનું લક્ષણ તેમજ યોગના ઉપાયો અને ભેદો આ પાદમાં વર્ણવ્યા છે.
इति वाचस्पति मिश्रविरचितायां पातञ्जलयोगसूत्रभाष्य व्याख्यायां तत्त्ववैशारद्यां प्रथमः समाधिपादः ॥ १ ॥
આમ વાચસ્પતિ મિશ્રે રચેલી પાતંજલ યોગસૂત્ર ભાષ્યની તત્ત્વ વૈશારદી નામની વ્યાખ્યાનો પહેલો સમાધિપાદ સમાપ્ત થયો. ૧