________________
પા. ૧ સૂ. ૪૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧૭
એક શબ્દ તન્માત્રાથી ઉત્પત્તિ. આ સૂક્ષ્મભૂતોનું નિમિત્ત કે કારણ છે, અને એ દેશ, કાળ અને નિમિત્તોના અનુભવ (જ્ઞાન)થી મર્યાદિત છે. જે વિશેષ્યોનાં વિશેષણો અનુભવ્યાં (જાણ્યાં) ન હોય, એમાં બુદ્ધિ પ્રવેશતી નથી. સવિચારની સવિતર્ક સાથે કઈ સમાનતા છે? એના જવાબમાં “તત્રાપિ એક બુદ્ધિનગ્રાહ્યમ્...” વગેરેથી કહે છે કે પાંચ તન્માત્રાઓના પ્રચય (સમૂહ) રૂપ પૃથ્વીનો પરમાણુ “એક છે”, એમ બુદ્ધિથી ગ્રહણ કરાય છે. આ રીતે જળ વગેરેના પરમાણુઓ ચાર, ત્રણ, બે અને એક તન્માત્રા રૂપ હોવા છતાં બુદ્ધિથી એક એમ ગ્રહણ કરાય છે, એમ જાણવું જોઈએ. ઉદિત એટલે વર્તમાન ધર્મ, એનાથી વિશિષ્ટ છે એમ કહ્યું, તેથી આ સમાપત્તિમાં (શબ્દ) સંકેત, સ્મૃતિ, આગમ, અનુમાન અને વિકલ્પનો અનુવેધ (સંબંધ) સૂચવ્યો છે. પ્રત્યક્ષથી સ્થૂલ પદાર્થ દેખાય ત્યારે પરમાણુઓ પ્રકાશિત થતા (દખાતા) નથી, પણ આગમ અને અનુમાનથી જાણી શકાય છે. તેથી આ (સવિચાર સમાપત્તિ)નું સંકીર્ણપણું યોગ્ય છે.
“યા પુનઃ...” વગેરેથી નિર્વિચાર સમાપત્તિ કહે છે. સર્વથા એટલે નીલ, પીળું વગેરે પ્રકારોથી. સર્વતઃ એટલે બધા દેશ, કાળ, નિમિત્તના અનુભવોથી (રહિત) એવો અર્થ છે. “સર્વતઃ”માં “તસિ” પ્રત્યય બધી વિભક્તિઓ દર્શાવે છે. આનાથી પરમાણુઓ સ્વરૂપે કાળથી મર્યાદિત નથી એમ દર્શાવ્યું. “શાન્ત...” વગેરેથી એમના વડે આરબ્ધ ધર્મથી પણ નહીં, એમ કહ્યું. શાન્ત એટલે ભૂતકાળના, ઉદિત એટલે વર્તમાન અને અવ્યપદેશ્ય એટલે ભવિષ્યના ધર્મોથી મર્યાદિત ન થતા (પરમાણુઓ હોય છે). પરમાણુઓ ધર્મોથી મર્યાદિત નથી, તો શું એમનાથી અસંબદ્ધ જ રહે છે ? એના જવાબમાં “સર્વધર્માનુપાતિષ.” વગેરેથી કહે છે કે તેઓ બધા ધર્મોના આશ્રય છે. પરમાણુઓ કયા સંબંધથી ધર્મોના આશ્રય બને છે. એના જવાબમાં “સર્વધર્માત્મકેષ..” વગેરેથી કહે છે કે એમનાથી ઉત્પન્ન થયેલા ઘડા વગેરે ધર્મો, પરમાણુઓથી થોડા ભિન્ન અને થોડા અભિન્ન છે, એવો અર્થ છે. આ સમાપત્તિ એમને શાથી વિષય બનાવે છે? એના જવાબમાં “એવું સ્વરૂપ હિ”... વગેરેથી કહે છે કે સૂક્ષ્મ ભૂતોનું આવું સ્વરૂપ છે, તેથી એ સ્વરૂપથી અવલંબન બનીને સમાધિપ્રજ્ઞામાં પ્રગટ થાય છે. સમાપત્તિ વસ્તુતત્વને ગ્રહણ કરનારી હોવાથી, તત્ત્વ ન હોય એમાં પ્રવર્તતી નથી, એવો અર્થ છે.
પ્રજ્ઞા ચેતિ”થી નિર્વિચાર સમાપત્તિનો વિષય કહીને, એનું સ્વરૂપ કહે છે. “તત્ર"વગેરેથી સંકલન કરીને બંનેના સ્વરૂપભેદની ઉપયોગી વાત કરે છે. “એવમુભયો...” વગેરેથી કહે છે કે બંને એટલે કે પોતાનામાં અને નિર્વિચાર સમાપત્તિમાં વિકલ્પનો અભાવ સમજાવ્યો. ૪૪