________________
પા ૧ રૂ. ૨૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૭૩
જ્ઞાનનો પણ સંગ્રહ સમજી લેવો જોઈએ. જેમ વાયુપુરાણમાં કહ્યું છે :
“સર્વજ્ઞતા, સંતોષ, અનાદિ જ્ઞાન, સ્વતંત્રતા, અલુપ્ત નિત્યશક્તિમત્તા, અને અનંત શક્તિ. ભગવતત્ત્વને જાણનારા આ છને મહેશ્વરનાં અંગો તરીકે વર્ણવે છે.” – વાયુપુરાણ, ૧૨.૩૩
“જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, તપ, સત્ય, ક્ષમા, ધૃતિ, સૂછત્વ, આત્મજ્ઞાન, અને અધિષ્ઠાતૃત્વ (સ્વામિત્વ) એ દસ અવ્યયો શંકરમાં નિત્ય રહે છે.” - વાયુપુરાણ, ૧૦.૬૫-૬૬
આ ગુણો પોતાના માટે તૃષ્ણાનો સંભવ ન હોવાથી અત્યંત વૈરાગ્યવાળા, નિત્યતૃપ્ત ભગવાનમાં સંભવે છે. પરંતુ એમણે કરુણાથી નિરંતર સુખ અનુભવતાં પ્રાણીઓ સર્જવાં જોઈએ, કારણ કે દુઃખી જીવો સર્જવા એ એમના જેવા દયાળુ માટે અયોગ્ય છે. વળી બુદ્ધિશાળી ક્યારે પણ પ્રયોજનવિના પ્રવૃત્તિ કરતો નથી. તેથી જ્ઞાનક્રિયાશક્તિયુક્ત ઈશ્વરે જગત સર્યું હોય એમ જણાતું નથી. આ શંકાના જવાબમાં “તસ્યાત્માનુગ્રહાભાવેડપિ”... વગેરેથી કહે છે કે ઈશ્વરને પોતાનું કોઈ પ્રયોજન ન હોવા છતાં, પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે, એટલે કે શબ્દ વગેરે વિષયોનો ભોગ અને વિવેકજ્ઞાન રૂપ પોતાનું કર્તવ્ય પૂરું કરીને ચરિતાર્થ (કૃતકૃત્ય) * બનેલું ચિત્ત નિવૃત્ત થતાં બધા પુરુષો કેવલી થાય, એ પ્રયોજન માટે કરુણાસાગર
ભગવાન વિવેકખ્યાતિનો ઉપાય મુમુક્ષુઓને બતાવે છે. અને અચરિતાર્થ ચિત્તવાળાં પ્રાણીઓને પોતાનાં પુણ્ય-પાપ અનુસાર સુખદુઃખનો અનુભવ કરાવનાર ઈશ્વર કરુણારહિત નથી. “જ્ઞાન અને ધર્મના ઉપદેશથી પ્રાણીઓનો ઉદ્ધાર કરીશ' એ શબ્દોથી અનુગ્રહના કારરૂપ વિવેકખ્યાતિનો ઉપાય બતાવે છે. જ્ઞાન અને ધર્મનો ઉપદેશ એટલા માટે કે એ બેના સહયોગથી વિવેકખ્યાતિરૂપ ફળ મેળવીને પ્રાણીઓ કૃતકૃત્ય બને છે.
- કલ્પપ્રલય એટલે બ્રહ્માના દિવસનો અંત, જ્યારે સત્યલોક સિવાયના બધા લોકો (આખું જગત) લય પામે છે. મહાપ્રલયમાં સત્યલોક સાથે બ્રહ્માનો પણ અંત થાય છે. ત્યારે સંસારી જીવો પોતાની કારણાવસ્થામાં લીન થાય છે. આમ મરણના દુઃખને અનુભવતા અને કલ્પ દરમ્યાન પોતાનાં કર્મોના પરિપાકરૂપે જન્મમરણ વગેરેથી સંબંધિત દુઃખોનો અનુભવ કરતા પુરુષોનો (જીવોનો) ઉદ્ધાર કરીશ, એવા ઈશ્વરના સંકલ્પથી સમજાય છે કે કૈવલ્ય પ્રાપ્ત કરી બધા પુરુષો ઊગરી જાય છે. આવો કારુણ્યપૂર્ણ જ્ઞાનધર્મોપદેશ કપિલમતાનુયાયીઓને પણ માન્ય છે. કારણ કે પંચશિખાચાર્યે પરમર્ષિ ભગવાન કપિલને આદિવિદ્વાન્ કહ્યા છે. એમનું એ વચન પોતાની પરંપરાના શિષ્યોના ગુરુવિષેનું છે, અનાદિમુક્ત પરમ ગુરુ (શિવ) વિષેનું નથી. આદિમુક્તો અને ક્યારેક મુક્ત થતા જ્ઞાનીઓમાં