________________
વાણીનો સિદ્ધાંત
૧૨૯
૧૩)
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હવે આ રૂમ જ ઉપાશ્રય ! અહીં કોઈ બંધન નહીં ને ! અહીં અમારા ધંધાની વાત કરવા આવે ને જાય, પણ બંધન નહીં ને કશું ! એ તો બીજા કોઈ એવી ધંધાની વાત કરી શકે. એ તો ઋણાનુબંધ છે, પણ બંધન નહીં ને, કશું !
એટલે અત્યારે સત્સંગ બહુ ઊંચો નીકળે, પહેલાં જેવો. કારણ કે નિર્મળ દેખાય ને ! અને કશીક વ્યવહારિક વાતચીત આવી કે નિર્મળમાં એ થઈ જાય, ઝાંખું દેખાય. એટલે જેવું જોઈએ એવું ફળ આપે નહીં. મને પોતાને મારો આનંદ ઓછો ના થાય. પણ બીજો સામાને લાભ ના થાય, જેવો જોઈએ તેવો સામાને લાભ કરવો હોય તો અમને નિર્મળ રાખવા પડે. વ્યવહારથી આમ છેટા ને છેટા રાખવા પડે. તે તો કુદરતે છેટા રાખ્યા ને, ઘરથી છેટા રાખ્યા ને ! જો પગે ફ્રેકચર કરીને કુદરતે છેટા રાખ્યા ને ! અને હીરાબા ય કહે છે કે “તમે તમારી તબિયત સચવાઈ રહે, એવી રીતે તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં રહેવાનું.”
એ તો શબ્દ જ નીકળે પછી, ઠેઠની વાણી નીકળે. વાણી બહુ ઊંચી જાતની નીકળી છે. આ બધી અત્યારે જે વાણી નીકળી છે, તે ગજબની વાણી નીકળી છે. એક એક વાક્યમાં તો કેટલાંય લોકોનાં કામ થઈ જાય તેવી !
વૈજ્ઞાનિક ઢબ, તીર્થોતી ! તીર્થકરો એટલે બહુ જ વૈજ્ઞાનિક રીતે એમની ઢબ છે. મારી આટલી વૈજ્ઞાનિક છે, તો એમની કેટલી ઢબ હશે, કેવી સરસ ઢબ હશે ? નાપાસ થયેલાની જો આટલી બધી વેજ્ઞાનિક છે, તો પાસ થયેલાની કેવી વૈજ્ઞાનિક હોય ? તમને કેમ લાગે છે ? એક કલાકમાં તો મારી પાસે આટલો બધો ફેરફાર થઈ જાય છે માણસમાં, તો એ તો કેવા ડાહ્યા હશે !? અને આ એમની જ વાત છે. મારો આમાં કોઈ જાતનો માલ છે નહીં. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરે છે ને હું સાંભળ્યા કરું છું.
બોલે કોણ ? સાંભળે કોણ ? એક માણસ કહે છે કે “કલાકથી વધારે માણસ બોલી શકે નહીં,
ને તમે કેટલા કલાક બોલ બોલ કરો છો !” મેં કહ્યું, ‘આ ટેપરેકર્ડ છે એટલે વાગે છે, નહીં તો બોલનારો તો થાકી જાય.’ ‘હું બોલું છું” કહું તો થાકી જાય કે ના થાકી જાય ? અને આ તો ટેપરેકર્ડ વાગ્યા જ કરે એની મેળે !!
પ્રશ્નકર્તા : આપ જે બોલો છો, તે મહેનત વગર બોલો છો.
દાદાશ્રી : તેથી હું ટેપરેકર્ડ કહું છું ને. લોકો મને કહે છે કે તમે કેમ કરીને આટલું બધું બોલ બોલ કરો છો ? આ તો ટેપ બોલે છે, એટલે મને આમાં મહેનત નથી. હું બોલતો જ નથી. એટલે મારી ફ્રેશનેસ જતી નથી !
પ્રશ્નકર્તા : ઘણીવાર વિચાર કરીએ કે કલાક અમે બોલીએ, બહુ ત્યારે બે કલાક, તો કોઈ વચ્ચે બ્રેક પાડે. પછી ઊભા થઈ જઈએ. બીજે આંટા મારી આવીએ. જ્યારે અહીંયા સતત રીતે આવું ચાલે છે.
દાદાશ્રી : અને તે ઘણાં વખત તો દસ-દસ કલાક સુધી વાણી નીકળ્યા જ કરે છે. એક જ જગ્યાએ સ્થિર બેસી રહે અને એ ય કુદરતી બળ પાછળ હશે ને? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! આ ગમ્યું હોય. ઘણાં લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આવું ઉત્પન્ન થાય. નહીં તો આવું ઉત્પન્ન થાય નહીં ને ?
આ દેહમાં એટલી બધી શક્તિ છે કે તે અત્યારે રાતના ત્રણ વગાડો તો ય કશી બૂમ ના હોય. સત્સંગ હોવો જોઈએ. સત્સંગ કરનારા હોવા જોઈએ. તો બૂમ કશું ના હોય. અને મનમાં એમે ય થાય નહીં કે ચાલો, હવે સૂઈ જઈએ. ઊલટું વધારે ફ્રેશ થાય. જેમ જેમ સત્સંગ કરે ને, તેમ ફ્રેશ થાય. પૂર બહારમાં ખીલે. કારણ કે અંદર ભાવના છે કે કોઈ પણ વસ્તુ લોકો પામો. લોક પામે છે અને પછી અહોભાવ અનુભવે છે બિચારા. અત્યાર સુધી ગૂંચાયેલો હતો. તે ગૂંચવાડો છુટી ગયો એટલે અહોભાવને પામે ને ! નહીં તો લાખ રૂપિયા આપીએ તો ય કોઈનાં દુ:ખો જાય નહીં. એ તો ફરી વધારે ગૂંચવાડો ઊભો કરીને રહે. ગુંચવાડો જાય તો દુઃખ જાય. એટલે ધન તો વીતરાગોનું જ. એની કિંમત બહુ ને ! એ વીતરાગ વાણી રૂપી ધન આપીએ, એનાથી કામ નીકળી જાય. તે અહીં ઘણાં ય લોકોએ લાભ લીધો.