________________
વાણીનો સિદ્ધાંત
૫૨૭
પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાય ને !
દાદાશ્રી : ના, પણ એ ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે. પણ અમારે તો કરવાં પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ ટેપરેકર્ડ નીકળેને, તે પછી ઝાંખી નીકળે.
પ્રશ્નકર્તા : તમારે પ્રતિક્રમણ તો ઓન ધ સ્પોટ થઈ જતાં હશે ને ?
દાદાશ્રી : હા. એમાં મારા ભાવ ખરાબ નહીં, પણ તો ય એ હાસ્ય નામનો કષાય કહેવાય છે, મશ્કરી કરતા નથી ! પેલો બિચારો ભોળો છે ત્યારે એને ગોદા માર માર કરો છો ? તે અમને ય જરા ગમ્મત પડે.
ગોદા મારીએ ત્યારે ગમ્મત પડે જરા. પણ આ લોકો મજબૂત તો થશે એવું અમે જાણીએ, એટલે ‘હઉ થશે’ કરીને અમે ગમ્મત કરીએ. પણ અમે પ્રતિક્રમણ કરીએ.
પ્રશ્નકર્તા : પણ આ ભાઈને માટે જે હાસ્ય કર્યું, તો એના પ્રતિક્રમણ, એ કેવું ?!
દાદાશ્રી : હા. એ કરુણાના પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. આ બીજા અમને રોજ કહે કે ‘અમને કેમ કશું કહેતા નથી ?’ મેં કહ્યું, ‘તમને ના કહેવાય.’ એ વધારવા જેવા છે નહીં, એની મેળે જ વધે એવા છે. એ ડહાપણથી ગ્રાસ્પિંગ કરી શકે એમ છે. પણ પ્રતિક્રમણ અમારે કરવું પડે ! એ અજાયબી જ છે ને ?
એમ કરતાં કરતાં વાત હસતા હસતા કરીએને, તો આ યાદ રહે મહીં. નહીં તો પેસે નહીં ને એમ ને એમ સૂનમૂન મોઢું ચઢાવીને, ‘એમ છે, એમ છે’ કરીએ તો ખલાસ થઈ ગયું ! એ તો મહીં હસવું પડે. પણ અમારાથી કોઈની મશ્કરીથી ના કરાય. કારણ કે મશ્કરી તો ભયંકર કર્મ બંધાય. અમે કેવું કરીએ, બધાને હસવા જેવું કરીએ. પણ કોઈને આરોપ ના કરીએ. મશ્કરી તે કેવી, નિર્દોષ મશ્કરી કરીએ. એમ કરીને હસાવડાવીએ. હસવાનું જોઈએ કે ના જોઈએ ? એમ ને એમ સૂનમૂન મોઢું ચઢેલું, જાણે દિવેલ પીને આવ્યા હોય !
પદ
વાણીનો સિદ્ધાંત
મશ્કરીનાં જોખમ તો જાણો !
મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈની ય ના થાય.
પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ, તો શો વાંધો ? દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને !
બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો બધાંની, સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડોકટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની
છે.
પ્રશ્નકર્તા : મને તો હજુ ય મશ્કરી કરવાનું મન થયા કરે છે.
દાદાશ્રી : મશ્કરી કરવામાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમે ય એટલું જ છે પછી. એટલે અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.
પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતનાં જોખમ આવે ?
દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી
નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી
ત્યાં આગળ ભગવાન કહેશે, ‘આને બુદ્ધિ નથી, તેનો આ લ્હાવો લે છે ?’