________________
વાણીનો સિદ્ધાંત
૪૨૫
વગોણું કોઈ દહાડો કર્યું નથી. અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. આને (જડને) અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે ? ત્યારે કહે, બીજો પડઘો તમને જ પડે છે અને પ્રકૃતિ થોડી જીવતી છે, મિશ્રચેતન, એટલે થોડો ઓછો પડઘો પડે. એટલે અપમાન તો ન કરાય.
[૪]
વિતાડતી વાણી વખતે, સમાધાન !
વિષમ વાણી વખતે, સમભાવ ! હું જે બોલું છું, તે પૂર્વે સાંભળ્યું નહીં હોય કોઈ કાળે. અપૂર્વ વાણી છે આ. પૂર્વે કયારે ય સાંભળી ના હોય, વાંચી ના હોય અને શાસ્ત્રની ય વાત ના હોય. હવે ધીમે ધીમે એક એક વાત પૂછતા જાવ ને ! દાદા બેઠા છે, ટાઈમ છે અત્યારે. તો કાંઈ ઉકેલ આવે ને !
પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?
દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જભ્યો જ નથી કે જે તમારામાં શું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે. પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે.