________________
વાણીનો સિદ્ધાંત
૩૮૯
૩૦
વાણીનો સિદ્ધાંત
જોઈએ. ‘એ ય નાલાયક.’ હવે ‘એ ય’ શબ્દ નુકસાનકારક નથી. પણ ‘નાલાયક' શબ્દ બહુ નુકસાનકારક છે.
‘તારામાં અક્કલ નથી” એમ કહ્યું વાઈફને, એ શબ્દ સામાને દુઃખદાયી છે અને પોતાને રોગ ઊભો કરનાર છે. ત્યારે પેલી કહે, ‘તમારામાં ક્યાં બરકત છે ! તો બેઉને રોગ ઊભાં થાય. આ તો પેલી બરક્ત ખોળે છે અને પેલો આમની અક્કલ ખોળે છે. આની આ દશા બધી ! ફોરેનમાં ‘બરકત, બરકત’ ના કરે. અને ‘યુ યુ” કરીને વઢમ્વઢા કરે, ભસે સામાસામી. એવાં ભસે, એવાં ભસે, તે દાંત તોડી નાખે. પછી છૂટા પડતા વારે ય નહીં. ત્યાં ટીક ના હોય અને આ તો ટીકવાળા. આ તો પાછા ધણી સમજી જાય કે જો આ વેશ થઈ જશે તો પેલી પિયર જતી રહેશે, તો ખાધા વગર રહેશું. માટે કળા કરે પાછો.
માટે આપણી સ્ત્રીઓ જોડે કશું ના થાય. અને સ્ત્રીઓએ પુરુષો જોડે વઢવાડ ના કરવી જોઈએ. કારણ કે બંધનવાળા છે. માટે નિવેડો લાવવો જોઈએ.
આ બધા ભેગા શેને લીધે થયા ? આપણને ના ગમતું હોય તો ય જોડે શાથી પડી રહેવું પડે ? એ કર્મ કરાવડાવે છે. ભાઈને ના ગમતી હોય તો ય પણ ક્યાં જાય ? પણ એણે મનમાં સમજી જવું કે “મારા કર્મનાં ઉદય છે.’ એમ માનીને શાંતિ પકડવી જોઈએ. વાઈફનો દોષ ના કાઢવો જોઈએ. શું કરવાનું દોષ કાઢીને ? દોષ કાઢીને કોઈ સુખી થયો ? કોઈ સુખી થાય ખરું ?
અને મન બૂમ પાડે ‘કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું એ થઈ ગયું.” ત્યારે કહે, ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે’ કહીએ. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલાં છે ?
ધન્ય છે એ આર્ય સત્તારીને ! એ બેનને તો મેં પૂછયું, ‘ધણી જોડે માથાફોડ-વઢવાડ થાય છે કે ? કકળાટ થાય છે કે ?” ત્યારે એ કહે છે, “ના, કોઈ દહાડો નહીં.' મેં કહ્યું, ‘વર્ષ દહાડામાં કકળાટ જ નહીં ?” ત્યારે એ કહે છે, “ના.' હું તો આ સાંભળીને અજાયબ થઈ ગયો કે હિન્દુસ્તાનમાં આવાં ઘર છે ! પણ એ બેન એવી હતી. એટલે પછી મેં આગળ પૂછયું કે, “કંઈક તો થાય. ધણી છે એટલે કંઈક થયા વગર ના રહે.” ત્યારે એ કહે છે, “ના, કો'ક દહાડો ટોણો મારે.” ગધેડાને ડફણું મારવાનું ને આ સ્ત્રીને ટોણો મારવાનું. સ્ત્રીને ડફણું ના મરાય, પણ ટોણો મારે. ટોણો તમે જોયેલો ? ટોણો મારે ! ત્યારે મેં કહ્યું, એ ટોણો મારે, તો તમે શું કરો ?” ત્યારે પેલાં બેન કહે છે, ‘હું કહું કે તમે ને હું કર્મનાં ઉદયે આપણે ભેગાં થયાં, કર્મનાં ઉદયે લગ્ન થયું. તમારા કર્મ તમારે ભોગવવાનાં ને મારા કર્મ મારે ભોગવવાનાં.” મેં કહ્યું, “ધન્ય છે બેન તને !' અમારાં હિન્દુસ્તાનમાં આવી આર્ય સ્ત્રીઓ હજુ છે. એને સતી કહેવાય.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બઈએ ઘા પાડ્યા, ધણીએ ઘા પાડ્યા, બધાએ ઘા પાડ પાડ કર્યા ! તે બધા ઘા પાડેલા બધા રૂઝાઈ ગયા, એ એવા હસે છે બધા દાંત દેખાય ! કેવા ઘા પડતા’તા નહીં ? અરે, ટોણાં મારે !! આ પાછાં મેણા જુદા. આ અમેરિકનોને મેણા-ટોણાં ના આવડે. આ અક્કલના કોથળાઓને બહુ મેણા-ટોણાં આવડે. તમે મેણાં-ટોણાં સાંભળેલા ? પિયરમાં શું દુ:ખો પડ્યા, સાસરીમાં શું દુઃખો પડ્યા, એ બધું પોતાની પાસે નોંધ હોયને ? એ ઘા જલદી રૂઝાય નહીંને જલદી ?! અને જ્ઞાનીપુરુષ પાસે તો અહીં દુ:ખ હોય જ નહીં ને ! દુ:ખ હોય તો ય જતું રહે ! ઘા બધા રૂઝાઈ જાય.
ટોણો તો બહુ મોટો ભારે હોય ને ? હવે આ ટોણાંનું અંગ્રેજી કરવું હોય તો વેશ થઈ પડે ને ?
પ્રશ્નકર્તા : ટોન્ટ.
દાદાશ્રી : ના. ટોન્ટ ના સમાય. ટોન્ટનો તો હિસાબ જ નહીં. ટોન્ટ તો ફોરેનમાં ય મારે છે. આ તો ટોણો ! એ તો ફોરેનમાં હોય જ નહીં ને ! આ ટોણો તો કાળજે ઘા લાગે એવો હોય.