________________
૩૮
ત્રિમંત્ર
ત્રિમંત્ર
ઊંધે રસ્તે ના જાય, બસ એટલું જ. અને જૂનાં કર્મો હોય તો જરાક શમી જાય.
એટલે અડચણ આવે તો જ વધારે બોલવાનું. નહીં તો રોજ તો બોલવાનું જ, સવાર-સાંજ પાંચ-પાંચ વાર !
આ ત્રણે મંત્રો એવાં છે કે અણસમજણવાળો બોલે તોય ફાયદો થાય અને સમજણવાળો બોલે તોય ફાયદો થાય. પણ સમજણવાળાને વધુ ફાયદો થાય અને અણસમજણવાળાને મોઢે બોલ્યો તે બદલનો જ ફાયદો થાય. એક ફક્ત આ રેકર્ડ બોલે છે, તેને ફાયદો ના થાય. પણ જેમાં આત્મા છેને, એ બોલ્યો તો એને ફાયદો કરે જ !
આ જગતનું એવું છે કે શબ્દથી જ આ જગત ઊભું થયું છે. અને ઊંચા માણસનો શબ્દ બોલો તો તમારું કલ્યાણ થઈ જાય અને ખોટા માણસના શબ્દ બોલો તો અવળું થાય. એટલા માટે આ બધું સમજવાનું છે.
લક્ષ તો ખપે મોક્ષનું જ ! કંઈ પૂછવું હોય તો પૂછજો બધું, હં. બધું પૂછાય. મોક્ષે જવું છેને? તો મોક્ષમાં જવાય એવું બધું પૂછાય પૂછવું હોય તો ! મનનું સમાધાન થાય તો મોક્ષે જવાય ને ! નહીં તો શી રીતે મોક્ષે જવાય ?! ભગવાનના શાસ્ત્રો તો બધા છે, પણ શાસ્ત્રની ગેડ બેસવી જોઈએ ને ?! એ અનુભવી જ્ઞાની પુરુષના સિવાય ગેડ બેસે જ નહીં અને ઊલટો ઊંધે માર્ગે ચાલ્યો જાય.
નવકારમંત્ર તો મદદકર્તા છે, મોક્ષે જતાં. અને નવકારમંત્ર વ્યવહારથી છે, કંઈ નિશ્ચયથી નથી.
એ નવકાર મંત્રને શાથી ભજવાનો ? આ પાંચ પરમેષ્ટિ ભગવંતો જ મોક્ષનું સાધન છે. આ જ તારો ધ્યેય રાખજે. આ લોકોની પાસે ભજના કરજે. આ લોકોની પાસે બેસી રહેજે અને મરું તોય અહીં મરજે. હા, બીજી જગ્યાએ ના મરીશ. માથે પડે તો આમને માથે પડજે. આ અક્કરમીઓને માથે પડીએ, તો શુંનું શું થાય ?! અને આ પાંચેપાંચ સર્વશ્રેષ્ઠ પદ છે.
મંત્ર આપતારતી યોગ્યતા ! પ્રશ્નકર્તા: આજના યુગમાં મંત્ર સાધના જલ્દી ફળતી નથી કેમ ? મંત્રમાં ખામી છે કે સાધકની ખામી છે ?
દાદાશ્રી : મંત્રમાં ખામી નથી. પણ મંત્રોની, એની ગોઠવણીમાં ખામી છે. એ મંત્રો બધાં નિષ્પક્ષપાતી હોવા જોઈએ. પક્ષપાતી મંત્રો ફળ નહીં આપે. નિષ્પક્ષપાતી મંત્રો ભેગા હોવા જોઈએ. કારણ કે મન પોતે જ નિષ્પક્ષપાતને ખોળે છે. તો જ એને શાંતિ થાય. ભગવાન નિષ્પક્ષપાતી હોય. એટલે મંત્રોની સાધના તો જ ફળે કે એ મંત્ર આપનાર માણસ શીલવાન હોવા જોઈએ. મંત્ર આપનાર ગમે તેવા, ગમે તે માણસ ના હોવો જોઈએ. લોકપૂજ્ય હોવા જોઈએ. લોકોના હૃદયમાં બેઠેલા હોવા જોઈએ.
પ્રશ્નકર્તા : નવકારમંત્રના જાપ કયા લક્ષથી કરવાનાં ?
દાદાશ્રી : એ તો મોક્ષના લક્ષથી જ. બીજું કોઈ લક્ષ, હેતુ ના હોવો જોઈએ. ‘મારા મોક્ષ માટે કરું છું’ એવાં મોક્ષના હેતુ માટે કરોને તો બધું મળે. અને સુખના હેતુ માટે કરો તો સુખ એકલું મળે, મોક્ષ ના મળે.
તો મંત્રથી આત્મશુદ્ધિ શક્ય ? પ્રશ્નકર્તા : સંસારમાં નવકાર મંત્ર સાથ આપે કે નહીં ? દાદાશ્રી : નવકાર મંત્ર સાથ આપે જ ને ! એ તો સારી વસ્તુ છે. પ્રશ્નકર્તા : એ બોલવાથી આત્માની ધીમે ધીમે શુદ્ધિ કરે ?