________________
સંપાદકીય
સત્યને સમજવા, સત્યને પામવા પ્રત્યેક પરમાર્થી તનતોડ પુરુષાર્થ કરતો હોય છે. પણ સત્ય-અસત્યની યથાર્થ ભેદરેખા નહીં સમજાવાથી ગુંચવાડામાં જ અટવાઈ જાય છે. સતું, સત્ય અને અસત્ય એમ ત્રણ રીતે ફોડ આપી આત્મજ્ઞાની સંપૂજ્ય દાદાશ્રીએ તમામ ગુંચવાડા સરળતાથી ઉકેલી નાખ્યા છે.
સત્ એટલે શાશ્વત તત્ત્વ આત્મા. અને સત્ય - અસત્ય એ વ્યવહારમાં છે. વ્યવહાર સત્ય સાપેક્ષ છે, દ્રષ્ટિબિંદુના આધારે છે. જેમ માંસાહાર કરવા એ હિન્દુઓ માટે ખોટું છે, જ્યારે મુસ્લીમો માટે સારું છે. આમાં ક્યાં સત્ આવ્યું ? સત્ સર્વને સ્વીકાર્ય હોય. એમાં ફેરફાર ના હોય.
બ્રહ્મ સત્ય અને જગતે ય સત્ય. બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત રિલેટીવ સત્ય છે. આ સિદ્ધાંત આપી પૂજ્યશ્રીએ કમાલ કરી નાખી છે. આ જગતને મિથ્યા માનવા કોઈનું મન માનતું નથી. પ્રત્યક્ષ અનુભવમાં આવતી વસ્તુને મિથ્યા કઈ રીતે મનાય ?! તો સાચું શું ? બ્રહ્મ અવિનાશી સત્ય છે ને જગત વિનાશી સત્ય છે ! ને સમાધાન અહીં થઈ જાય છે.
મોક્ષમાર્ગમાં ‘સત્ય'ની અનિવાર્યતા કેટલી ? જ્યાં પુણ્ય-પાપ, શુભઅશુભ, સુખ-દુ:ખ, સુટેવો-કુટેવો જેવા તમામ દ્વન્દ્રોનો અંત આવે છે, જ્યાં રિલેટિવને સ્પર્શતું એક પરમાણુ પણ રહેતું નથી, એવી દ્વન્દાતીત દશામાં, ‘પરમ સત્ સ્વરૂપ'માં, જગતે માનેલાં ‘સત્ય” કે “અસત્ય” કેટલી અપેક્ષાએ ‘સાચા’ ઠરે છે ? જ્યાં રિયલ સત્ છે ત્યાં વ્યવહારનાં સત્ય કે અસત્ય ગ્રહણીય કે યજ્ય ન બનતાં, નિકાલી બને છે, જોય સ્વરૂપ બને છે !
સંસાર સુખની ખેવના છે ત્યાં સુધી વ્યવહાર સત્યની નિષ્ઠા ને અસત્યની ઉપેક્ષા જરૂરી છે. ભૂલથી અસત્યનો આશરો આવી જાય તો ત્યાં ‘પ્રતિક્રમણ’ રક્ષક બને છે. પણ જ્યાં આત્મસુખ પ્રાપ્તિની આરાધના શરૂ થાય છે, પોતાના પરમ સત્ સ્વરૂપની ભજના શરૂ થાય છે, ત્યાં વ્યવહાર સત્ય-અસત્યની ભજના કે ઉપેક્ષા પૂરી થાય છે, ત્યાં પછી વ્યવહાર સત્યનો આગ્રહ પણ અંતરાયરૂપ બની જાય છે !
વ્યવહાર સત્ય પણ કેવું હોવું ઘટે ? હિત, પ્રિય ને મીત હોય તો જ તે સત્યને સત્ય કહેવાય. વાણી, વર્તન ને મનથી પણ કોઈને કિંચિત્માત્ર દુ:ખ ન દેવું એ મૂળ સત્ય, પણ વ્યવહાર સત્ય છે !
આમ ‘જ્ઞાની પુરુષ’ વ્યવહાર સત્યને ઉવેખ્યા વિના, તેમને તેમનાં યથાસ્થાને પ્રસ્થાપિત કરી યથાર્થ સમજણ આપે છે ! જે સત્, સત્ય ને અસત્યનાં તમામ રહસ્ય. અત્રે પ્રસ્તુત સંકલનમાં અગોપિત થાય છે, જે જીવનના પંથમાં હાશ કરાવે છે !
- ડૉ. નીરુબહેન અમીન