________________
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
સહજતા
કરતા હતા અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય.
સમજ સમાવે બુદ્ધિનો ડખો પ્રશ્નકર્તા : તો બુદ્ધિ ખલાસ કરી આપો. બુદ્ધિનો પનો ટૂંકો પડે છે, આપ્તવાણી સમજવા માટે.
દાદાશ્રી : એટલે બુદ્ધિ જોડે થોડી સમજણ લાવવાની છે. જે જ્ઞાન કહેવાય નહીં અને બુદ્ધિ કહેવાય નહીં, એવી સમજણ લાવી આપો. બુદ્ધિમાં કહેવાય નહીં અને જ્ઞાન કહેવાય નહીં, સમજણ. એ સમજણ પૂરી થાય, એને જ્ઞાન કહેવાય છે.
બુદ્ધિની ડખલે આવરાયો આનંદ બુદ્ધિ ગયા પછી આનંદ ખૂબ વધતો જાય. આ આનંદનું ધામ જ છે પણ બુદ્ધિ ડખલ કરે છે વચ્ચે.
પ્રશ્નકર્તા : આ આનંદનું ધામ છે એ શું ?
દાદાશ્રી : મેં જે આપ્યું છે એ આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. બુદ્ધિ આવે એટલે ડખલ કરે. જે બુદ્ધિ સંસારમાં હેલ્પ કરતી'તી...
પ્રશ્નકર્તા : એટલે રિએક્શનરી જે આનંદ છે તે એવો આનંદ થતો નથી પણ એનાથી ઊંચો આનંદ થાય છે એમ ?
દાદાશ્રી : ના, ઊંચો એટલે મૂળ આનંદ સ્વરૂપ જ છે. આનંદ જ આપેલો છે તમને, પણ એમાં આ બુદ્ધિ જે સંસારમાં મોટા બનાવતી'તી. જે બુદ્ધિ આપણને મજબૂત રીતે મોટો ધંધો દેખાડતી'તી, તે બુદ્ધિ અત્યારે નડી રહી છે. પણ જેટલા બુદ્ધિશાળી, બુદ્ધિના ધર્મ છે અહીંયાં હિન્દુસ્તાનમાં, એમાં કોઈ મોક્ષનો માર્ગ નથી. બુદ્ધિ એટલે મોક્ષથી છેટા અને મોક્ષમાં ક્યારેય ના જવા દે, એનું નામ બુદ્ધિ.
પ્રશ્નકર્તા : બુદ્ધિ એ વધારે બંધાવાનો માર્ગ છે.
દાદાશ્રી : સંસારમાં રૂપાળું કરી આપે, બહુ ફર્સ્ટ કલાસ રૂપાળું કરી આપે પણ ત્યાં ના જવા દઉં, કહે છે. એટલે આ બાજુ બુદ્ધિની ખેંચ છે ને, આ બાજુ પ્રજ્ઞાની ખેંચ છે. પ્રજ્ઞા કહેતી હોય, હાર્ટિલી માણસ હોય, તેને હું હેલ્પ કરીશ, ઉપર લઈ જઈશ, ઠેઠ લઈ જઈશ, મોક્ષે લઈ જઈશ. અમારામાં બુદ્ધિ જતી રહી તેથી અમારું હાર્ટ આટલું બધું પ્યૉર હોય ને, યૉર જ. મને કહેતા'તા કે હાર્ટિલી વાણી...
પ્રશ્નકર્તા: ‘હૃદય સ્પર્શી સરસ્વતી, આ વાણી લ્હાવો અનોખો છે.” એવું છે કે વાણીની એવી અસર છે કે બુદ્ધિ જે પઝલ ઉકેલી ના આપે, તે આ વાણી ઉકેલી નાખે. દાદાશ્રી : પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય આ વાણી.
ઉપાધિ ઊભી વિપરીત બુદ્ધિથી ભાવ-નો-દ્રવ્યના જાળાં ખંખેરી જાણ, જો અબુધ અધ્યાસે !
અબુધ અધ્યાસ થાય તો એ જાળાં ખંખેરાશે, બુદ્ધિથી એ જાળાં પડી નહીં જાય. બુદ્ધિ તો એનું કામ કર્યા કરશે, પણ એને વાપરવાની નથી. આ તો સાપ હોય ત્યાં બુદ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને ‘વ્યવસ્થિત’ કહે છે, “જાને તું તારે, કોઇ કશુંય કરડવાનું નથી !' તો નિરાકુળતા રહે. બુદ્ધિ તો સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઇ જાય છે, પણ આ તો વિપરીત બુદ્ધિ વાપરે છે. કે વખતે સાપ કરડી જશે તો ! એ જ ઉપાધિ કરાવે છે. સમ્યક્ બુદ્ધિથી સર્વ દુ:ખ કપાય અને વિપરીત બુદ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ (આમંત્રિત) કરે.
બુદ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય, પણ આ તો દુરુપયોગ કરે છે, તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી. બુદ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી. સહજાસહજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે. આ તો ભોગવતાં નથી આવડતું, નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે; પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં (સંપર્કમાં) આવેલાં બધાં જાનવરોય દુ:ખી થયાં છે. બીજા કરોડો જીવો છે છતાં દુખિયા એકલા