________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૬૧
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાજી ! ઘરમાં એક દહાડો મતભેદ ન થવો જોઈએ. આ મતભેદ કરે છે એ બુદ્ધિ ઓછી એટલે. બુદ્ધિથી વિચાર કરે, તો મતભેદ કરવાની જરૂર જ નથી. પણ બુદ્ધિ ઓછી હોય તો એ મતભેદ કરે અને પોતાની જાતને બુદ્ધિશાળી માનતો હોય. બુદ્ધિશાળી એનું નામ કે ઘરમાં સેફસાઈડ કરે, બહાર સેફસાઈડ કરે, સેફસાઈડ વધારે એનું નામ બુદ્ધિશાળી. ઘરમાં આનંદ કરાવડાવે એનું નામ બુદ્ધિશાળી કે ડાચું ચઢેલું હોય એનું નામ બુદ્ધિશાળી ?
પ્રશ્નકર્તા બુદ્ધિશાળી જો વિવેક કરીને કામ કરે એને બુદ્ધિશાળી કહેવાય ?
દાદાશ્રી : હં. વિવેકપૂર્વક બધાંને સુખ વધે એવું ખોળી કાઢે, સુખ ઘટે એવું ના ખોળી કાઢે. આ તો ઘેર આવીને ડખો કરે મૂઆ, આખું ઘર બગાડે. એવી લાઈફ કેમ હોવી જોઈએ ! આપણી લાઈફ ફેરવી શકીએ છીએ આપણે આપણા વિચારો ફેરવી શકીએ છીએ.
આપણે નક્કી કર્યું કે, ઘરમાં મતભેદ નથી પાડવો. એવું નક્કી કરીને બીજા જોડે ભાંજગડ કરેને, તોય મતભેદ પડે નહીં. પણ આપણે એ ચાવી માર્યા વગર જ કરીએ છીએ, તેથી ભાંજગડ થઈ જાય છે. અમે પહેલેથી ચાવી મારીને પછી કરીએ.
મતભેદ એટલે ટગ ઑફ વૉર,
છો'રાં દેખે અનફીટ યુ આર ! તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ? પ્રશ્નકર્તા : એમને વધારે પડે છે.
દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન
ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ?
પ્રશ્નકર્તા : તૂટી જાય.
દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એના કરતાં આખી રાખીએ, એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું.
પ્રશ્નકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ?
દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમેધીમે, ધીમેધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરે તો ધીમેધીમે છોડી દઉં. નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું? હવે છોડી દેતા આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ? દોરડું તો પાછું ચલાવવું જ પડે ને ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, કરવું જ પડે.
દાદાશ્રી : હં. એટલે છોડી દેવું અને તે પાછા પડી ના જાય એવી રીતે ! પછી એમના મનમાં હિંમત આવશે કે આ આટલી મોટાઈ રાખે છે તો હુંય મોટાઈ રાખું, એવું મન થાય એમને.
પ્રશ્નકર્તા : કોઈ નથી રાખતું, એકેય નમતું આપતા જ નથી.
દાદાશ્રી : એ તો ડાહ્યો હોય તે છોડી દે. નહીં તો એક ફેરો ગાંઠ પડ્યા પછી ગાંઠ નહીં જાય માટે દોરી ઘરમાં એવી રીતે રાખો, ગાંઠ પાડવી ના પડે. તૂટે નહીં એવી રાખો. તો એ ના સમજવું જોઈએ ?
પ્રશ્નકર્તા : સમજવું જોઈએ.