________________
(૨) ઘરમાં ક્લેશ
તો નકામું મનમાં માથે બોજો લઈને ફર્યા કરે છે. હું કંઈક કરું છું. હું ફલાણા ધર્મનો છું, વળી ફલાણા સંપ્રદાયનો છું. અલ્યા મૂઆ, ઘરમાં તો ક્લેશ બહુ
છે. તમારાં મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે. જ્યાં ધર્મ હોય ત્યાં મોઢાં ઉપર દિવેલ હોય ? પેલું મહીં કૈડ્યા કરે છે. તે આ ધર્મ સમજ્યા નથી એટલે !
૩૩
ક્લેશ ને ધર્મ બે સાથે ચાલતા હોય તો ક્લેશ ઓછો થતો જવો જોઈએ. જો ઓછો થતો જાય તો જાણવું કે ધર્મની અસર થાય છે. પણ ઓછો જ ના થતો હોય તો શું ? અને જ્યાં ક્લેશ થાય ત્યાં અધર્મ જ છે. કમ્પલીટ અધર્મ, ધર્મના નામે તે અધર્મ જ કરી રહ્યા છે. તોય આવી દુનિયા ચાલે છેને !
એવું છે ને કે આ દુનિયામાં ક્લેશ અને કંકાસ એને લઈને આ દુનિયા ઊભી રહી છે. એ ક્લેશ ને કંકાસ બંધ થઈ જાય આપણા ઘરમાં તો પછી દુનિયાનો કંઈ નિવેડો આવી જાય. ક્લેશ-કંકાસ, તે આપણા મહાત્મા, ઘણા મહાત્માઓને ઘેર તપાસ કરી, બધાને પૂછી આવ્યો. ત્યારે કહે, અમારે ત્યાં ક્લેશ-કંકાસ હવે રહ્યો નથી. થોડો-ઘણો જરા સળગતા સળગતા પહેલાં ઓલવી નાખીએ છીએ. તે કોઈને ખબર ના પડે કે થઈ ગયો.
એક મહિનામાં બે દહાડા જ ક્લેશ થાય તોય બહુ થઈ ગયું. ક્લેશકંકાસ દુનિયામાં હોવો ના જોઈએ. અમદાવાદમાં પૂછી જોઈએ તો કેટલાંય ઘરો નીકળશે, ક્લેશ-કંકાસ વગરનાં આપણા મહાત્માઓનાં !
પહેલાં તો હેંડતા-ચાલતાંય બહાર કોઈકની જોડે વઢીને આવ્યો હોય, અગર બોસે એને ટૈડકાવ્યો હોય તો અહીં ઘેર આવીને બૂમો પાડે. અલ્યા, સારું સારું જમવાનું છે તે જમી લે ને પછી બોલ. પણ ના, આ પહેલાં જ પગ પછાડે મૂઓ. તે મૂઆ વાંકો જ છે ને ! તમે જોયેલા કે નહીં એવા કોઈ જગ્યાએ ?
પ્રશ્નકર્તા : એ તો જોયેલા, બધે જોયેલા મેં. પોતાનુંય જોયેલું. સહુને ત્યાં વાસણ ખખડે જ ને !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : એ મને એ બહુ કંટાળો આવે કે બળ્યું જીવનમાં ખાઓપીઓ ને આ શું ? ઘરનું ખાઈને ઘરમાં ચકચ કરવી.
૩૪
અમારા મોટાભાઈ, તે અમારાં ભાભી છે તે સ્ટવ સળગાવવા ગયાં, મહેમાન આવેલા. તે ભાઈને કંઈ સહેજ ઉતાવળ હશે, એટલે ચા જલદી મુકાવી. ભાભી સ્ટવમાં પીન નાખે અને કંઈ ભરેલું હશે એટલે નીકળ્યો નહીં કચરો. મહીં ફૂંકાચૂંક કરે, પણ તે દહાડે સ્ટવ બરોબર ચાલ્યો નહીં. આ તો સાઈઠ વર્ષ (પહેલાં)ની વાત કરું છું. પછી અમારા ભઈએ શું કર્યું ? એ તો ગુસ્સે થઈને સ્ટવ ને બધું બહાર ફેંકી દીધું, હડહડાટ ! સળગતો સ્ટવ ફેંકી દીધો અને કપરકાબીય ફેંકી દીધા. બધા મહેમાન તો અંદર બેઠેલા, તે મેં કહ્યું, ‘હવે શું કરશો ?” ત્યારે કહે, “શું કરીશું હવે ચાનું પેલું ?” તો ચા પાછલે બારણેથી જઈને લઈ આવ હૉટલમાંથી, ક્યાંકથી. મેં કહ્યું, ‘હૉટલમાંથી ના લાવું અહીં, સ્ટવ લઈ આવું છું જોડેવાળાનો. પણ આ કપરકાબી ફોડી નાખી તે ના ફોડી નાખત તો ચાલત જ ને !' આવું બધું કર્યું. બધાં કપરકાબી નાખી દીધાં. શું આમને શોભે ? અને ભાભી, એય શું કરે તે ? સ્ટવ ખરાબ હોય તો શું કરે ?
પ્રશ્નકર્તા : પણ એ સમજે નહીંને !
દાદાશ્રી : ના, પણ એવા કેવા મહેમાન, કે ભગવાન કરતાંય મોટાં ? મહેમાનને કહી દઈએ, કે ભઈ સ્ટવ સળગતો નથી. કોઈ હોશિયાર છો, મને જરા સળગાવી આપોને ! અલ્યા, કંઈ ગોઠવી નાખ ને ! આપણો ભાવ છે એને ચા પાવાનો. મહેમાન આગળ આબરૂ જાય, તે આબરૂ સ્થિર કરવા શું ઘરમાં ક્લેશ કરવો ?
આ નકશા એમ કંઈ ભૂલી જઉં ઓછો ? આ નકશા કંઈ ભૂલી જવાય ? આ બધા નકશા જોયેલા હોયને ?
પ્રશ્નકર્તા : જોયેલા હોય.
દાદાશ્રી : તે સળગતો સ્ટવને બહાર પડેલો જોયેલો. ને કપરકાબીને ફૂટી ગયેલાં જોયેલાં !