________________
જીવન જીવવાની કળા
તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધાં જ ખુલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ખુલાસા થાય. આ વ્યવહારિક ખુલાસા થાય તોય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખુલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે ! અને તે એમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઈટસેફ', આ વર્લ્ડ ઈટસેલ્ફ પઝલ થયેલું છે.
જો “કમ્પ્લીટ' જીવન જીવવાની કળા શીખેલા હોયને તો લાઈફ ઈઝી રહે. લોકોને વ્યવહારધર્મ પણ એકલો ઊંચો મળવો જોઈએ કે જેથી લોકોને જીવન જીવવાની કળા આવડે. જીવન જીવવાની કળા આવડે એને જ વ્યવહારધર્મ કહ્યો છે. કંઈ તપત્યાગ કરવાથી એ કળા આવડે નહીં. જેને જીવન જીવવાની કળા આવડી, તેને આખો વ્યવહારધર્મ આવડી ગયો અને નિશ્ચય ધર્મ તો ‘ડેવલપ’ થઈને આવે તો પ્રાપ્ત થાય અને આ અક્રમ માર્ગે તો નિશ્ચય ધર્મ તો જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઈ જાય છે ! ‘જ્ઞાની પુરુષ' પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળા હોય ! એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત કરે.
‘જ્ઞાની પુરુષ' આ સંસારજંજાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે અને રસ્તા પર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા !
દાદાશ્રીની વ્યવહારિક વાતો ! દરેકના વ્યવહાર જીવનને આદર્શ બનાવવા એક સુંદર પુસ્તક પ્રકાશિત કરવા પૂજ્યશ્રીએ વર્ષો પહેલાં સંકેત કરેલો. પૂજ્યશ્રીના જ શબ્દોમાં અત્રે તે જોવા મળે છે.
એક વ્યવહારિક જ્ઞાનની ચોપડી બનાવો. તે લોકોનો વ્યવહાર સુધરે તોય બહુ થઈ ગયું. અને મારા શબ્દો છે તે એનું મન ફરી જશે. શબ્દો મારાં ને મારાં રાખજો. શબ્દો મહીં ફેરફાર ના કરશો, વચનબળવાળા શબ્દો છે, માલિકી વગરનાં શબ્દો છે. પણ એને ગોઠવી, ગોઠવણી કરવાની તમારે.
મારું આ જે વ્યવહારિક જ્ઞાન છેને, તે તો ઓલ ઓવર વર્લ્ડમાં દરેકને કામ લાગે, આખી મનુષ્યજાતિને કામ લાગે.
અમારો વ્યવહાર બહુ ઊંચો હતો, એ વ્યવહાર શીખવાડું છું ને ધર્મય શીખવાડું છું. સ્થૂળવાળાને શૂળ, સૂક્ષ્મવાળાને સૂક્ષ્મ પણ દરેકને કામ લાગે. માટે એવું કંઈક કરો કે લોકોને હેલ્પફુલ થાય. મેં બહુ પુસ્તકો વાંચ્યા, આ લોકોને મદદ થાય એવા. પણ કશું ભલીવાર હતો નહિ, થોડું ઘણું હેલ્પ થાય. બાકી જીવન સુધારે એવા હોય જ નહિ ! કારણ કે એ તો મનનો ડૉક્ટર હોય તો જ થાય ! તે આઈ એમ ધી ફુલ ડૉક્ટર ઓફ માઈન્ડ !
-દાદાશ્રી