________________
‘દાદા ભગવાન' કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક ક્લાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘ આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ?'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ ક્લાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો, ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટક્ટ !!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન ' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.'
આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક - પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. - પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાતિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.
સંપાદકીય આ જગતમાં પોતે બંધાયેલો છે શાનાથી ? દુ:ખ કેમ ભોગવવા પડે છે ? શાંતિ કઈ રીતે મળી શકે ? મુક્તિ કઈ રીતે પમાય ? તો આ જગતમાં બંધન પોતાને પોતાની ભૂલોથી જ છે, પોતાને જગતમાં કોઇ વસ્તુએ બાંધ્યા નથી. નથી ઘર-બાર બાંધતું, નથી બૈરી-છોકરાં બાંધતા, નથી ધંધા-લક્ષ્મી બાંધતા કે નથી દેહ બાંધી શક્તો. પોતાની બ્લેડર્સ અને મિસ્ટેકથી બંધાયા છે ! અર્થાત્ નિજ સ્વરૂપની અજ્ઞાનતા એ સર્વ ભૂલોનું મૂળ છે અને પછી પરિણામે અનંતી ભૂલો, સૂક્ષ્મતમથી લઈને સ્થૂળતમરૂપે ભૂલો સર્જાયા જ કરે છે.
અજ્ઞાનતાથી દ્રષ્ટિ દોષિત થઇ છે અને રાગ-દ્વેષ થાય છે ને નવા કર્મ બંધાયા કરે છે. સ્વરૂપ‘જ્ઞાન’ પ્રાપ્તિ થયે દ્રષ્ટિ નિર્દોષ પમાય છે. પરિણામે રાગ-દ્વેષ ક્ષય થઇ, કર્મબંધનથી મુક્ત થઇ વીતરાગ થવાય છે. ભૂલોનું સ્વરૂપ શું ? પોતાની જાતને સમજવામાં મૂળ ભૂગ્લ થઇ છે, પછી પોતે નિર્દોષ છે, કરેક્ટ જ છે એમ મનાય છે અને સામેવાળાને દોષિત મનાય છે, નિમિત્તને બચકાં ભરવા સુધી પણ ગુનાઓ થયા કરે છે.
અત્રે પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષ એવી જ સમજણ આપે છે કે જેથી પોતાની ભૂલ ભરી દ્રષ્ટિ છૂટે, નિર્દોષ દ્રષ્ટિ પ્રગટે. પરમ પૂજ્ય દાદાશ્રી વારંવાર કહેતા આ જગત કઈ રીતે નિર્દોષ છે, તેનાં એમને હજારો પૂરાવા હાજર થઇ જાગૃતિ રહે છે. પણ જે પૂરાવા તેઓશ્રીના જ્ઞાનમાં અવલોકન થયા તે કયા હશે ? તે અત્રે સુજ્ઞ વાચકને એક પછી એક પ્રાપ્ત થયા કરે છે. પ્રસ્તુત સંકલન જો ઝીણવટભરી રીતે ‘સ્ટડી’ કરવામાં આવે તો વાચકને નિર્દોષ દ્રષ્ટિના અનેક દ્રષ્ટિકોણ સંપ્રાપ્ત થાય તેમ છે ! જે પરિણામે નિર્દોષ દ્રષ્ટિના પંથે પોતાને પણ લઇ જશે. કારણ કે જેઓની સંપૂર્ણ દ્રષ્ટિ નિર્દોષ થઇ છે તેમની આ વાણી વાચકને અવશ્ય તે દ્રષ્ટિની સમજ પ્રાપ્ત કરાવશે જ !
બીજાના દોષો જોવાથી, દોષિત દ્રષ્ટિથી સંસાર ખડો છે અને નિર્દોષ દ્રષ્ટિથી સંસાર વિરમે છે ! એ પોતે સંપૂર્ણ નિર્દોષ થાય. નિર્દોષ સ્થિતિ પામવી કઇ રીતે ? બીજાનાં નહીં પણ પોતાના જ દોષ જોવાથી. પોતાના દોષો કેવા કેવા હોય છે, તેની સૂક્ષ્મ સમજ અત્રે અગોપિત થાય છે. ખૂબ જ ઝીણી ઝીણી દોષ દ્રષ્ટિને ખુલ્લી કરી નિર્દોષ દ્રષ્ટિ બનાવવાની પરમ પૂજય દાદાશ્રીની કળા અને સુજ્ઞ વાચકને જીવનમાં ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે.
નિમિત્તને આધીન, સંજોગો, ક્ષેત્ર, કાળને આધીન નીકળેલી વાણીના પ્રસ્તુત સંકલનમાં ભાસિત ક્ષતિજોરૂપી દોષને ક્ષમ્યગણી તે પ્રત્યે પણ નિર્દોષ દ્રષ્ટિ રાખી મુક્તિમાર્ગનો પુરુષાર્થ આદરી સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ પમાય એ જ અભ્યર્થના !
- ડૉ. નીરુબહેન અમીન