________________
સંપાદકીય જે મૃત્યુ મનુષ્યોને કેટલો બધો ભય પમાડે છે, કેટલો બધો શોક ઉત્પન્ન કરાવડાવે છે અને નર્યા દુઃખમાં ડુબાડી રાખે છે. અને દરેકને જીવનમાં કોઈને કોઈ મરણના સાક્ષી બનવાનું થાય છે. તે સમયે સેંકડો વિચારો મૃત્યુ વિશે આવી જાય છે કે મૃત્યુના સ્વરૂપની વાસ્તવિકતા શી હશે ? પણ તેનું રહસ્ય નહીં ઉકેલાતાં ત્યાં ને ત્યાં જ એ અટકી જાય છે. આ મૃત્યુના રહસ્યો જાણવા દરેક ઉત્સુક હોય જ. અને તેના વિશે ઘણું ઘણું સાંભળવામાં કે વાંચવામાં આવે છે, લોકવાયકાથી વાતો જાણવા મળે છે. પણ તે માત્ર બુદ્ધિથી અટકળો જ છે.
મૃત્યુ હશે ? મૃત્યુ પહેલાં શું હશે ? મૃત્યુ સમયે શું હોય ? મૃત્યુ પછી શું ? મૃત્યુના અનુભવો કહેનારો કોણ ? જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શકતો નથી. જે જન્મ પામે છે તે તેની આગળની અવસ્થા સ્થિતિ જાણતો નથી. આમ જન્મ પહેલાં ને મૃત્યુ પછીની અવસ્થા કોઈ જાણતો નથી. તેથી મૃત્યુ પહેલાં, મૃત્યુ સમયે ને મૃત્યુ પછી કઈ દશામાંથી પસાર થવું પડે છે તેનું રહસ્ય અકબંધ રહી જાય છે. દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં જોઈને આ સર્વ રહસ્યો જેમ છે તેમ યથાર્થપણે ખુલ્લા કર્યા છે જે અત્રે સંકલિત થયા છે !
મૃત્યુનું રહસ્ય સમજાતાં જ મૃત્યુનો ભય ઊડી જાય છે !
પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું ? આપણી સાચી ફરજ શું ? એની ગતિ કઈ રીતે સુધારવી ? પ્રિય સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું ? આપણે કઈ સમજણે સમતામાં રહેવું ?
અને લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ સરાવવું. સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ.વિ.ની સત્યતા કેટલી ? મરનારને શું શું પહોંચે ? એ બધું કરવું કે નહીં ? મૃત્યુ પછી ગતિની સ્થિતિ, આદિ તમામ ફોડ અત્રે સ્પષ્ટ થાય છે.
એવા ભયભીત રાખનારાં મૃત્યુનાં રહસ્યો જ્યારે ખુલ્લા થઈ જાય છે ત્યારે માણસને તે પ્રસંગોમાં, એના જીવનકાળ દરમ્યાનના વ્યવહારમાં એવા અવસરે અચૂક સાંત્વના સાંપડે જ.
જ્ઞાની પુરુષ એટલે જે દેહથી, દેહની સર્વ અવસ્થાઓથી, જન્મથી, મૃત્યુથી જુદાં જ રહ્યાં છે. એનાં નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે, ને અજન્મા અમર આત્માની અનુભવ દશામાં વર્તે છે તે !! જીવન પર્વેની, જીવન પશ્ચાતની ને દેહની અંતિમ અવસ્થામાં, અજન્મા અમર એવા આત્માની સ્થિતિની હકીક્ત શી છે, તે જ્ઞાની પુરુષ જ્ઞાનદ્રષ્ટિએ ખુલ્લંખુલ્લા કહી જાય છે.
આત્મા તો સદાકાળ જન્મ-મરણથી પર જ છે, એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છે. જન્મ-મરણ આત્માને નથી જ ! છતાં બુદ્ધિથી, જન્મ-મરણની પરંપરા સર્જાયા કરે છે તે મનુષ્યોને અનુભવમાં આવે છે. ત્યારે સ્વાભાવિકપણે મૂળ પ્રશ્ન ઉદ્ભવે કે જન્મ-મરણ કેવી રીતે બને છે ? તે વખતે આત્મા અને જોડે જોડે કઈ કઈ વસ્તુઓ હોય છે. તે બધાનું શું થાય છે ? પુનર્જન્મ કોનો થાય છે ? કેવી રીતે થાય છે ? આવન-જાવન કોના ? કાર્યમાંથી કારણ અને કારણમાંથી કાર્યની પરંપરા શી રીતે સર્જાય છે ? તે શી રીતે અટકે ? આયુષ્યના બંધ કેવી રીતે પડે છે ? આયુષ્ય શેના આધારે હોય છે ? આવાં સનાતન પ્રશ્નોની સચોટ-સમાધાની વૈજ્ઞાનિક સમજ જ્ઞાની પુરુષ વિના કોણ આપી શકે ?
અને એથી આગળ ગતિઓમાં પ્રવેશવાના કાયદાઓ શું હશે ? આપઘાતના કારણો ને પરિણામો કયા ? પ્રેતયોનિ શું હશે ? ભૂતયોનિ છે ? ક્ષેત્ર ફેરફારના કાયદાઓ શું છે ? ભિન્ન ભિન્ન ગતિઓનો આધાર શો છે ? ગતિઓમાંથી મુક્તિ કઈ રીતે મળે ? મોક્ષગતિને પામેલો આત્મા ક્યાં જાય ? સિદ્ધગતિ શું છે ? તે સર્વ વિગતો અત્રે ખુલ્લી થાય છે.
આત્મ સ્વરૂપ અને અહંકાર સ્વરૂપની ઝીણવટભરી સમજ જ્ઞાની વિના કોઈ સમજાવી ના શકે !
મૃત્યુ પછી ફરી મરવું ન પડે, ફરી જન્મવું ન પડે, તે દશાને પ્રાપ્ત થવા તમામ ફોડની અત્રે સૂક્ષ્મતાએ સંકલના થઈ છે, જે વાચકને સંસાર વ્યવહારમાં તેમ જ આધ્યાત્મિક પ્રગતિ માટે હિતકારી થઈ પડશે.
- ડૉ. નીરુબહેન અમીન