________________
કર્મનું વિજ્ઞાન
૪૩
કર્મનું વિજ્ઞાન
સોદો ના કરવો હોય તો ના કરશો. તેથી પુણ્ય ને પાપ હેય (ત્યજવા યોગ્ય) ગણ્યું.
પ્રશ્નકર્તા : આ પહેલાં આપેલું હોય અને અત્યારે પાછું લઈએ, એટલે હિસાબ ચૂકતે થયો. એટલે એને તો લોન પર લીધેલું ના કહેવાય ને ?
દાદાશ્રી : અત્યારે જે સુખો ચાખો છો, એ બધાં પાછાં આવેલાં નથી, પણ ચાખો છો આ બધાં. તે પેમેન્ટ કરવું પડશે. હવે પેમેન્ટ તે કેવી રીતે કરવું પડે ? કેરી સરસ ખાધી, તો તે દહાડે ખુશ થઈ ગયાં અને સુખ ઉત્પન્ન થયું આપણને. આનંદમાં દિવસ ગયો. પણ બીજી વખતે કેરી ખરાબ આવશે, તે એટલું જ દુ:ખ આવશે. પણ જો આમાં સુખ ના લો, તો એ દુઃખ નહીં આવે.
પ્રશ્નકર્તા : એમાં મૂર્છા ન હોય તો ? દાદાશ્રી : તો પછી કેરી ખાવામાં વાંધો નહીં.
સાધો સાસુ સાથે સુમેળ ! પ્રશ્નકર્તા : સાસુ સાથે મારે ખૂબ અથડામણો થાય છે, તેનાથી શી રીતે છૂટવું ?
- દાદાશ્રી : એકે એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ, કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યા છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં, પછી એને તો કોઈ શું કરે ? સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે !
આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલા છે. આ આપણાં ઘરે ભેગાં કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા
ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો ય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર ! બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?
પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !
દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો છું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં.
અમે કોઈના દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જયારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકુ સમજી જાવને, તો ય બધું બહુ કામ લાગે.
જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ આપણો હિસાબ છે. કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. ‘જ્ઞાની” તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુક્ત થયા, જ્યારે અજ્ઞાની ધક્કા મારે ને નવા કર્મ બાંધે. સામો ગાળો ભાંડે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્ત માત્ર છે. એવી જાગૃતિ રહે તો નવું કર્મ ના બંધાય. દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે. ઉદયકર્મમાં રાગ-દ્વેષ ના કરવા, એનું નામ ધર્મ.
પોતે જ પાડ્યાં અંતરાયો ? પ્રશ્નકર્તા: આપણે સત્સંગમાં આવીએ છીએ તો ત્યાં કોઈ માણસ અવરોધ કરે છે. તે અવરોધ આપણા કર્મને લીધે છે ?