________________
ધર્મ થઈ શકે નહીં. સંસારીઓ માટે નહીં, પણ જે ઉપદેશકો હોય છે ને, જેમના ઉપદેશના આધારે ચાલીએ, ત્યાં આ ના હોવું જોઈએ. નહીં તો આ સંસારીઓને ત્યાં ય એ જ છે અને તમારે ત્યાં ય એ જ ?! એવું ના હોવું જોઈએ. અને ત્રીજું કયું ? સમ્યષ્ટિ હોવી જોઈએ.
એટલે લક્ષ્મી ને સ્ત્રી સંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લિકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલે ય લિકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તો ય વાંધો નથી, પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તેનો વાંધો નથી, કે ‘બાપજી, બાપજી' કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્રનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર !
પ્રશ્નકર્તા : લક્ષ્મી અને સ્ત્રી એ સાચી ધાર્મિકતાની વિરુદ્ધમાં છે. પણ સ્ત્રીઓ તો વધારે ધાર્મિક હોય છે, એવું કહેવાય છે.
દાદાશ્રી : સ્ત્રીમાં ધાર્મિકતા હોય તેનો સવાલ નથી, ધર્મમાં સ્ત્રીઓ નો વાંધો નથી, પણ કુદ્રષ્ટિ માટે વાંધો છે, કુવિચાર માટે વાંધો છે. સ્ત્રીને ભોગનું સ્થાન માનો છો એ વાંધો છે. એ આત્મા છે, એ ભોગનું સ્થાન નથી.
બાકી, જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, વેરા તરીકે લેવામાં આવે છે, ભેટ તરીકે લેવામાં આવે છે ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય ને ધર્મ હોય ત્યાં પૈસો ના હોય. એટલે સમજાય એવી વાત છે ને ? જ્યાં વિષય ને પૈસા હોય ત્યાં એ ગુરુ પણ નથી. ગુરુ યે હવે સારા પાકશે. હવે બધું જ બદલાવાનું. સારા એટલે ચોખ્ખા. હા, ગુરુને પૈસાની અડચણ હોય તો આપણે પૂછવું કે આપને પોતાને નિભાવણી માટે શું જરૂર છે ?! બાકી, બીજું કંઈ એમને ના હોવું જોઈએ અગર તો ‘મોટાં થવું છે, ફલાણા થવું છે’ એવું ના હોવું જોઈએ.
એવું નામ જ જુદાઈ !
આ કંઈ સુખી લોકો છે ? મૂળ તો દુઃખી છે લોકો અને એની પાસે રૂપિયા લો છો ?! દુઃખ કાઢવા માટે ત્યાં ગુરુ પાસે જાય છેને ? ત્યારે
તમે એના પચ્ચીસ રૂપિયા લઈને એનું દુઃખ વધારો છો ! એક પઈ ના લેવાય કોઈની પાસેથી. એક રુપિયો ય ના લેવાય. બીજા પાસે કંઈ પણ લેવું, એનું નામ જુદાઈ કહેવાય. અને તેનું નામ જ સંસાર ! એમાં એ જ ભટકેલો છે, જે લેનાર માણસ છે એ ભટકેલો કહેવાય. એને પારકો જાણે છે, માટે એ પૈસા લે છે.
આ દુનિયાની કોઈ પણ ચીજ, એક રૂપિયો પણ જો હું વાપરું તો હું એટલો નાદારીમાં જઉં. ભક્તોની એક પઈ પણ ના વપરાય. આ વેપાર જેણે કાઢ્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે, એટલે જે કંઈ એની આ સિદ્ધિ પ્રાપ્ત છે એ ખોઈને જતા રહેશે. જે થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ, તેના આધારે માણસો બધાં ભેગા થતા હતા. પણ પછી સિદ્ધિ ખલાસ થઈ જાય ! કોઈ પણ સિદ્ધિનો દુરૂપયોગ કરો તો સિદ્ધિ ખલાસ થઈ જાય. સર્વ દુઃખોથી મુક્તિ માગવી, કે....
કેટલાંક લોકો અહીં આવીને પૈસા મૂકે છે. અલ્યા, અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માગવાના હોય. અહીં મૂકવાનું હોતું હશે ?! જ્યાં બ્રહ્માંડનો માલિક બેઠેલો છે, ત્યાં તો મૂકવાનું હોતું હશે ?! આપણે માગવાનું હોય કે મને આવી અડચણ છે તે કાઢી આપજો. બાકી, પૈસા તો કોઈ ગુરુને મૂકજે. એમને કંઈ લૂગડાં જોઈતાં હોય, બીજું કશું જોઈતું હોય. જ્ઞાની પુરુષને તો કશું જ જોઈતું હોય નહીં.
એક મિલના શેઠિયાએ, સાંતાક્રુઝ અમે રહેતા ત્યાં આવડી આવડી ત્રણ પેટીઓ મજૂર સાથે ઉપર મોકલાવી. પછી શેઠિયો ઉપર મળવા આવ્યો. મેં કહ્યું, ‘શું છે આ બધું શેઠ ?” ત્યારે શેઠ કહે છે, ‘કુછ નહીં, ફૂલ નહીં પણ ફૂલની પાંખડી.....' મેં કહ્યું, ‘શેને માટે આ પાંખડી લાવ્યા છો ?' ત્યારે એ કહે છે, ‘કુછ નહીં, કુછ નહીં સાહેબ.’ મેં કહ્યું, ‘તમને કશું દુઃખ કે અડચણ છે ?’ ત્યારે એ કહે છે, ‘શેર મટ્ટી ચાહિએ.’ અલ્યા, શેર મટ્ટી કયા અવતારમાં નહોતી ?! કૂતરામાં ગયો ત્યાં ય બચ્ચાં, ગધેડામાં ગયો ત્યાં ય બચ્ચાં, વાંદરામાં ગયો ત્યાં ય બચ્ચાં, જ્યાં ગયો ત્યાં બચ્ચાં !! અલ્યા, કયા અવતારમાં ન્હોતી આ મટ્ટી ?! હજુ શેર મટ્ટી જોઈએ છે ? ભગવાન તમારા પર રાજી થયા ત્યારે તમે પાછાં મટ્ટી ખોળો છો ?! પાછાં