________________
પ્રશ્નકર્તા : લક્ષ્મી આવી એટલે પછી એની પાછળ ધ્યાન આપવું પડે, વ્યવસ્થા કરવી પડે.
દાદાશ્રી : ના, એમ નહીં. એની વ્યવસ્થા માટે નહીં. વ્યવસ્થા તો લોકો કહેશે કે ‘અમે કરી લઈશું.' પણ આ લક્ષ્મીની હાજરી છે ત્યાં ધર્મ એટલો કાચો ! કારણ કે મોટામાં મોટી માયા, લક્ષ્મી અને વિષયવિકાર ! આ બે મોટામાં મોટી માયા !! એ માયા છે ત્યાં ભગવાન ના હોય અને ભગવાન હોય ત્યાં માયા ના હોય !!!
અને એ પૈસો પેઠો, એટલે કેટલો પેસી જાય એનું શું ઠેકાણું ?! અહીં કોઈ કાયદા છે ? માટે પૈસો બિલકુલ જડમૂળથી ના હોવો જોઈએ. ચોખ્ખા થઈને આવો ! મેલું કરશો નહીં, ધર્મમાં !
ધર્મતી શી દશા આજે !
પાછાં ફી રાખે છે બધાં, જાણે નાટક હોય એવું ! નાટકમાં ફી રાખે એવી પાછાં ફી રાખે છે. મહીં સેકડે પાંચ ટકા સારા ય હોય છે. બાકી તો સોનાના ભાવ વધી ગયા એવા આ ‘એમના’ ય ભાવ વધી જાયને ?! તેથી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે જ્યાં પૈસાની લેવડદેવડ છે ત્યાં ભગવાન નથી અને ધર્મ ય નથી. જ્યાં પૈસાની લેવડદેવડ નથી, વેપારી બાજુ જ નથી, ત્યાં ભગવાન છે ! પૈસો, લેવડદેવડ એ વેપારી બાજુ કહેવાય.
બધે ય પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા ! બધે ફી, ફી ને ફી છે !!! હા, ત્યારે ગરીબોએ શો ગુનો કર્યો બિચારાએ ? અને ફી રાખો તો ગરીબને માટે એમ કહો કે, ‘ભઈ, ગરીબની પાસે ચાર આના લઈશું, બહુ થઈ ગયું.' તો તો ગરીબથી ય ત્યાં જવાય. આ તો શ્રીમંતો જ લાભ લે. બાકી, જ્યાં ફી આવે ત્યાં કશો ધર્મ જ નથી. અમારે અહીં પૈસો ય લેવાનો નહીં. અહીં ફી રાખી હોય તો શી દશા થાય ? એક ફેરો ‘જ્ઞાન’ લેવા માટે તો તમે ખર્ચી નાખો, પણ પછી કહેશો, ‘જ્ઞાન મજબૂત રીતે પાળીશું પણ હવે ફરી ફી ના આપીએ.’
આ તો આપણે કોઈનું નામ લેવું એ ખોટું કહેવાય. આ તો તમને
રૂપરેખા આપું છું કે આ ધર્મની શી દશા થઈ છે અત્યારે. ગુરુ જે વેપારી તરીકે થઈ બેઠા છે એ બધું ખોટું. જયાં પ્રેક્ટિશ્નર હોય છે, ફી રાખે છે, કે ‘આજે આઠ-દશ રૂપિયા ફી છે, કાલે વીસ રૂપિયા ફી છે’ તો એ બધું નકામું.
જ્યાં પૈસાનો વેપાર છે ત્યાં ગુરુ ના કહેવાય. જ્યાં ટિકિટો છે, એ તો બધું રામલીલા કહેવાય. પણ લોકોને હમણે ભાન નથી રહ્યું, એટલે બિચારાં ટિકિટવાળાને ત્યાં જ પેસે છે. કારણ કે ત્યાં આગળ જૂઠું છે ને આ પોતે પણ જૂઠો છે, એટલે બન્ને એડજસ્ટ થઈ જાય છે ! એટલે સાવ જૂઠું ને સાવ પોલપોલ ચાલી રહ્યું છે તદન.
આ તો પાછાં કહેશે, ‘હું નિસ્પૃહ છું, હું નિસ્પૃહ છું.’ અરે, એ ગા ગા શું કરવા કરે છે તે ?! તું નિસ્પૃહી છે, તો તારી પર કોઈ શંકા રાખનાર નથી અને તું સ્પૃહાવાળો છો, તો તું ગમે એટલું કહીશ તો ય તારી પર શંકા કર્યા વગર છોડવાના નથી. કારણ કે તારી સ્પૃહા જ કહી આપશે, તારી દાનત જ કહી આપશે.
આમાં ખામી ક્યાં ?
આ તો બધાં ભીખને માટે નીકળેલા છે. એમનું પેટ ભરવા નીકળ્યા છે, સહુ સહુનું પેટ ભરવા માટે નીકળ્યા છે. અગર તો પેટ ના ભરવાનું હોય તો કીર્તિ કાઢવી હોય. કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ ! જો ભીખ વગરનો માણસ હોય તો એની પાસે જે માગો તે પ્રાપ્ત થાય. ભીખવાળા પાસે આપણે જઈએ તો એ પોતે ય સુધરેલો ના હોય ને આપણને ય સુધારે નહીં. કારણ કે દુકાનો ચાલુ કરી છે લોકોએ અને આ ઘરાકો મળી આવે છે નિરાંતે !
એક જણ મને કહે છે કે, એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ ?” મેં કહ્યું, ઘરાકનો દોષ ! દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે. આપણે ના સમજીએ ? આટલો લોટ ટાંકણીમાં ચોપડીને ઘાલે છે અને પેલો મચ્છીમાર એને તળાવમાં નાખે છે, તેમાં મચ્છીમારનો દોષ કે એ ખાનારનો દોષ ? જેને આ લાલચ છે તેનો દોષ છે કે મચ્છીમારનો ? જે પકડાય એનો દોષ ! આ આપણા માણસો બધા