________________
ઓહોહો ! હમણે અપમાન કરીએ તો ખબર પડી જાય કે માનની ભીખ છે કે નહીં તે !
વખતે સ્ત્રી સંબંધમાં બ્રહ્મચારી થયો હોય, લક્ષ્મી સંબંધી ય ભીખ છોડી હોય, પણ આ બીજી બધી કીર્તિની ભીખો હોય. શિષ્યની ભીખ હોય, નામની ભીખ હોય, બધી પાર વગરની ભીખો હોય ! શિષ્યની ય ભીખ ! કહેશે, ‘મારે શિષ્ય નથી.” ત્યારે શાસ્ત્રોએ શું કહેલું ? જે આવી પડે, ખોળ્યા વગર એની મેળે આવી પડે એ શિષ્ય !!
ભીખથી ભગવાત છેટા !
ધ્યેય ચૂકાયો તે પેઠી ભીખ ! આ ભીખ જતી નથી. માનની ભીખ, કીર્તિની ભીખ, વિષયની ભીખ, લક્ષ્મીની ભીખ..... ભીખ, ભીખ ને ભીખ ! ભીખ વગરના જોયેલા ખરા ? છેવટે દેરાં બંધાવાની ય ભીખ હોય, એટલે દેરાં બંધાવવામાં પડે ! કારણ કે કશો ધંધો ના જડે ત્યારે કીર્તિ માટે બધું કરે ! અરે, શેના હારું દેરાં બાંધો છો ? હિન્દુસ્તાનમાં ક્યાં દેરાં નથી ?! પણ આ તો દેરાં બંધાવવા હારું પૈસા ભેગા કર કર કરે. ભગવાને કહ્યું હતું કે દેરાં બાંધનાર તો એના કર્મના ઉદય હશે તો બંધાવશે. તું શું કરવા આમાં પડે છે ?!
હિન્દુસ્તાનનો મનુષ્યધર્મ ફક્ત દેરાં બાંધવા માટે નથી. ફક્ત મોક્ષ જવા માટે જ હિન્દુસ્તાનમાં જન્મ છે. એક અવતારી થવાય, એ બાજુનો ધ્યેય રાખીને કામ કરજે તો પચાસ અવતારે, સો અવતારે કે પાંચસો અવતારે ય પણ ઉકેલ આવી જાય. બીજો ધ્યેય છોડી દો. પછી પૈણજેકરજે, છોકરાંનો બાપ થજે, ડૉક્ટર થજે, બંગલા બંધાવજે, એનો સવાલ નથી. પણ ધ્યેય એક જગ્યાએ જ રાખ, કે હિન્દુસ્તાનમાં જન્મ થયો છે તો મૂક્તિને માટેનું સાધન કરી લેવું છે. આ એક ધ્યેય ઉપર આવી જાવ તો ઉકેલ આવે !
બાકી, કોઈ જાતની ભીખ નહીં હોવી જોઈએ. આમ ધર્માદા લખાવો, ફલાણું લખાવો, એવી અનુમોદનામાં હાથ ઘાલવો ના જોઈએ. કરવું, કરાવવું ને અનુમોદવું ત્યાં ના હોય. અમે તો સર્વ ભીખથી મુક્ત થઈ ગયેલા છીએ. દેરાં બાંધવાની ય ભીખ નથી. કારણ કે અમારે આ જગતમાં કોઈ ચીજ જોઈતી નથી. અમે માનના ભિખારી નથી, કીર્તિના ભિખારી નથી, લક્ષ્મીના ભિખારી નથી, સોનાનાં ભિખારી નથી, શિષ્યોનાં ભિખારી નથી. વિષયોના વિચાર ના આવે, લક્ષ્મીનો વિચાર ના આવે. વિચાર જ જ્યાં ઉત્પન્ન ના થાય પછી ભીખ શેની રહે તે ?! માનની. કીર્તિની, કોઈ જાતની ભીખ નહીં.
અને આ બધાં મનુષ્ય માત્રને કીર્તિની ભીખ હોય, માનની ભીખ હોય. આપણે પૂછીએ ‘તમારામાં કેટલી ભીખ છે, એ તમને ખબર પડે ? તમને કોઈ પણ જાતની ભીખ ખરી ?” ત્યારે કહેશે, “ના, ભીખ નહીં.”
એટલે ‘ભીખ’ શબ્દ હું લખું. બીજા લોકો લખે નહીં. ‘તૃષ્ણા’ લખે. અલ્યા, ભીખ લખને ! તો એનું ભિખારીપણું છૂટે બળ્યું. તૃષ્ણાનો અર્થ શું છે ? તૃષ્ણા એટલે તરસ. અલ્યા, તરસ તો લાગી કે ના લાગી, તેમાં શું વાંધો ?! અલ્યા, આ તો તારી ભીખ છે. જ્યાં ભીખ હોય ત્યાં આગળ ભગવાન કેમ ભેગા થાય ?! આ ‘ભીખ” શબ્દ એવો છે કે વગર ફાંસીએ ચર્ચે ફાંસી લાગે !
સંપૂર્ણ ભીખ ગયા પછી જ આ જગત “જેમ છે તેમ' દેખાય. મારામાં ભીખ હોય ત્યાં સુધી મને બીજા ભિખારા લાગે નહીં. પણ પોતાનામાં ભીખ ગઈ એટલે બધા ય ભિખારા જ લાગે.
જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટે, તેને જ્ઞાનીનું પદ મળે. જ્ઞાનીનું પદ ક્યારે મળે ? તમામ પ્રકારની ભીખ ખલાસ થઈ જાય. લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ, કોઈ જાતની ભીખ ના રહે ત્યારે આ પદ પ્રાપ્ત થાય !
ભીખ ના હોય તો ભગવાન જ છે, જ્ઞાની છે, જે કહેશો તે છે. ભીખને લઈને જ આ આવો થયો છે. કાલાવાલા તેથી કરે ને ? એક ભીખ
ક્યાં રાખવાની છે ? જ્ઞાની પુરુષ પાસે ! જ્ઞાની પુરુષ પાસે જઈને કહેવું. કે “બાપજી, પ્રેમની પ્રસાદી આપજો.’ એ તો આપતા જ હોય, પણ આપણે માગીએ ત્યારે વિશેષ મળે. જેમ ગાળેલી ચા ને ગાળ્યા વગરની ચામાં ફેર પડે ને ? એટલો ફેર પડી જાય. ગાળેલી ચામાં કચો ના આવે પછી.