________________
ગુરુ-શિષ્ય
૫૩
જો ઉપાધિઓ, આખો દહાડો ઉપાધિઓ ! ને ગુરુને કહેતા ય નથી કે ‘સાહેબ, મારી ઉપાધિઓ લઈ લો તમે.’ હા, એમેય પૂછાય કે, ‘સાહેબ, ચિડાવ છો શું કરવા, મોટા માણસ થઈને તમે ?!’
પ્રશ્નકર્તા : પણ આપણાથી ગુરુને પૂછાય કેવી રીતે ?! આપણે તો પૂછી ના શકીએ ને, ગુરુને ?!
દાદાશ્રી : ગુરુને પૂછીએ નહીં, ત્યારે ગુરુને શું કરવાના ! શિષ્ય જોડે મતભેદ પડતો હોય, તો ના સમજીએ કે તમારે શિષ્ય જોડે મતભેદ પડે છે, તો શાના ગુરુ તમે ?! જો એક શિષ્ય જોડે પાંસરા નથી રહેતા તો તમે દુનિયા જોડે ક્યારે રહેશો તે ?! આમ બધાને સલાહ આપે કે ‘ભાઈ, ઝઘડો કશું ના કરશો.' પણ તમારે તો કોઈ સગું નથી, વહાલું નથી, એકલા છો, તો ય આ શિષ્યની જોડે શું કરવા, શેને માટે તમારે કકળાટ છે ?! તમારે પેટે અવતાર તો લીધો નથી, તો તમારે બેને શાના કષાય છે ?! કષાય તો આ વ્યવહારવાળા લોકોને હોય. પણ આ તો બહારથી આવીને બિચારો શિષ્ય થયો છે, ત્યાં ય કષાય કર્યા કરો છો ?!
પુસ્તક આડુંઅવળું મૂકાઈ ગયું હોય તો ગુરુ શું બોલે ? કેટલાં લપકાં કરે કે ‘તારામાં અક્કલ નથી. તને ભાન નથી.’ ત્યારે શિષ્ય શું કહે ? ‘પુસ્તક હું ખાઈ ગયો હોઈશ ?! અહીં ને અહીં પડ્યું હશે. તમારી
ઝોળીમાં નહીં હોય તો ખાટલા નીચે હશે.’ પણ શિષ્ય ‘ખાઈ ગયો હોઈશ ?!’ એવું બોલે ! આનાં કરતાં તો ઘરમાં ભાંજગડ સારી. એનાં કરતાં બૈરીના શિષ્ય થવું, તો વઢે પણ પછી પાછાં ભજિયાં ખવડાવે ને ?! કંઈક સ્વતંત્રતા જોઈએ ને ?! આવા ગુરુ મળે, આટલી આટલી ચાકરી કરીએ તો ય ગાંડું બોલે તો શું થાય ?
પ્રશ્નકર્તા : બાઈડી સ્વાર્થનું વઢતી હોય અને પેલો ગુરુ નિઃસ્વાર્થપણે વઢતા હોય, એ બેમાં ફેર નહીં ?
દાદાશ્રી : ગુરુનું નિસ્વાર્થ હોય નહીં. જગતમાં નિઃસ્વાર્થી માણસ કોઈ હોય નહીં. એ નિઃસ્વાર્થી દેખાય ખરો, પણ જ્યાંથી ને ત્યાંથી સ્વાર્થ કરી અને બધું આમ તૈયારી જ કરતાં હોય. એ બધા સ્વાર્થી, પોલમ્પોલ
૫૪
ગુરુ-શિષ્ય
છે બધું. એ તો જરા સમજણમાં બેસે જેને, તે ઓળખી જાય.
બાકી, શિષ્ય ને ગુરુ એ બે વઢતા જ હોય, બેને જામેલી જ હોય આખો દહાડો. આપણે ગુરુને જરા મળવા જઈએ ને કહીએ કે ‘કેમ, આ શું છે ?!’ ત્યારે એ કહે, ‘પેલો સારો નથી. શિષ્ય એટલો બધો ખરાબ મળ્યો છે !’ આપણે એ વાત શિષ્યને જણાવી ના દેવી. અને પછી શિષ્યને આપણે
પૂછવું કે, ‘કેમ ભઈ, આ શું હતું ?!’ ત્યારે એ કહે, ‘આ ગુરુ રાશી મળ્યા છે, એવા ખરાબ મળ્યા છે !' આમાં કોની વાત સાચી ?! આમાં એમનો દોષ નથી. કારણ કે કાળ એવો આવ્યો છે. તે કાળને લઈને આ બધું ઊભું થયું છે. પણ આવો કાળ આવે તે દહાડે જ્ઞાની પુરુષ પાકે !
શિષ્યને ગમે એટલું આવડતું હોય, પણ આ ગુરુઓ બધા એવા મળવાના ને ! કળિયુગના ગુરુઓ કેવા હોય ? શિષ્ય હોય તે કહે કે ‘હું તો અજ્ઞાની છું, હું કશું જાણતો નથી' તો ય પેલા છે તે આ બિચારાને માર માર કરે, આગળ ના વધવા દે. એ ગુરુઓ મરતાં સુધી ભૂલ કાઢે ને શિષ્યને હેરાન હેરાન કરી નાખે, તેલ કાઢી નાખે. છતાં ય શિષ્યને મહીં જાળવી રાખનારા કોઈક હોય છે. પણ છેવટે દારૂખાનું માનવાનું, છેવટે એક દહાડો ફોડ્યા વગર રહે જ નહીં.
આ કાળમાં શિષ્યોની સહનશક્તિ નથી, ગુરુમાં એવી ઉદારતા નથી. નહીં તો ગુરુમાં તો બહુ ઉદારતા જોઈએ, બહુ ઉદાર મન જોઈએ. શિષ્યનું બધું ચલાવી લેવાની ઉદારતા હોય.
આમ ધર્મ વગોવાઈ ગયો !
શિષ્યો ગાળો દે તો ય સમતા રાખે, એનું નામ ગુરુ કહેવાય. શિષ્ય તો નબળો છે જ પણ ગુરુ કંઈ નબળો થાય ?! તમને કેમ લાગે છે ? ગુરુ તો નબળો ના હોય ને ?! કો'ક દહાડો શિષ્યની ભૂલ થઈ જાય ને કંઈ અવળું બોલી ગયો તો ગુરુ ફેણ માંડે, તો પછી શિષ્ય તો શી રીતે આજ્ઞામાં રહે ?! શિષ્યની ભૂલ થાય ને ગુરુ ભૂલ ના કરે ત્યારે શિષ્ય આજ્ઞામાં રહે. આ તો ગુરુની ભૂલ થાય, તો શિષ્ય શી રીતે આજ્ઞામાં રહે ?! ગુરુની એક જ ભૂલ દેખે ને, તો શિષ્ય આજ્ઞામાં ના રહે. પણ તો ય જો ગુરુની આજ્ઞામાં રહ્યો તો થઈ ગયું કલ્યાણ !