________________
દાન
૩૪
દાન
પ્રશ્નકર્તા : શઠ રહ્યા.
દાદાશ્રી : છતાં આપણાથી બોલાય નહીં ! આવી દશા થઈ છે. કેવા જગડુશા ને બધા શેઠિયા થતા હતા ! એ શેઠિયા કહેવાતા હતા.
જેવો ભાવ, તેવું ફળ ! ઘણોને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય અને વાણીમાં બોલે, મારે આપવું છે અને વર્તનમાંય રાખે ને આપે. પણ મનમાં ના આપવું હોય એટલે ફળ ના થાય.
પ્રશ્નકર્તા : દાદા, એ કેમ થાય એવું ?
દાદાશ્રી : એક માણસ મનમાં આપે છે, એની પાસે સાધન નથી, એટલું અને વાણીથી બોલે છે કે મારે આપવું છે પણ અપાતું નથી, એનું ફળ આવતા ભવમાં મળે. કારણ કે એ આપ્યા બરાબર છે. ભગવાને સ્વીકાર્યું. અરધો લાભ તો થઈ ગયો.
દેરાસરમાં જઈને એક માણસે એક જ રૂપિયો મૂક્યો અને બીજા શેઠિયાએ એક હજારની નોટો મહીં ધર્માદામાં નાખી, એ જોઈને આપના મનમાં થયું કે અરે, મારી પાસે હોત તો હું આપત. એ તમારું ત્યાં આગળ જમે થાય. નથી માટે તમારાથી નથી અપાતું. અહીં તો આપ્યાની કિંમત નથી, ભાવની કિંમત છે. વીતરાગોનું સાયન્સ છે.
અને આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું ? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો ! અત્યારે તો બધાં કહેશે, ફલાણા ભાઈને લીધે મારે આપવું પડ્યું, નહીં તો હું ના આપત. ફલાણા સાહેબે દબાણ કર્યું એટલે મારે તો આપવા પડ્યા. એટલે ત્યાં
આગળ જમે પણ એવું જ થાય, હં. એ તો આપણે મનથી, રાજીખુશીથી આપેલું કામનું. એવું કરે ખરાં લોકો ? કો'કના દબાણથી આપે ?
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : અરે, કેટલાંક તો રોફ રાખવા હારુ આપે. નામ, પોતાની આબરૂ વધારવા માટે. મહીં મનમાં એમ હોય, બધું આપવા જેવું નથી પણ આપણું નામ ખોટું દેખાશે, ત્યારે એવું ફળ મળે. જેવું આ બધું ચીતરે છે એવું ફળ મળે. અને એક માણસ પાસે ના હોય અને “મારી પાસે હોત તો હું આપત’ એમ કહે તો કેવું ફળ મળે ?
સ્થૂળકર્મ સૂક્ષ્મકર્મ એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યો. તે તેના મિત્રે તેને પૂછયું, “આટલા બધા રૂપિયા આપી દીધા ?” ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસો ય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યા.’ હવે આનું ફળ ત્યાં શું મળે? પચાસ હજાર દાન કર્યું તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો ‘વાહ વાહ’ બોલાવે, કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે, “એક પૈસો ય આપું તેવો નથી.’ તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસો ય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય
?
ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, “મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા ય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા ય આપી દેત !” આમ દીલથી કહે. હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે.