________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નિરાંતે. દહીંવડા ખાજો, બધું ખાજો. આ બધામાં સ્વાદ લાગે છે. જ્ઞાનીને સ્વાદ સમજાય, પણ એમને આ સ્વાદમાં સારું-ખોટું ના હોય કે ના હોય તો જ મારે ચાલશે. વિષયનો તો જ્ઞાની પુરુષને સ્વપ્ન ય વિચાર ના આવે. એ તો પાશવી વિદ્યા છે. મનુષ્યમાં ખુલ્લી પાશવતા કહેવામાં આવે તો આટલી જ છે. મનુષ્યપણું તો મોક્ષને માટે જ હોવું જોઈએ.
અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
મને કેટલાંક માણસો કહે છે કે, “આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષયસુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે ?” મેં કહ્યું કે, આ મરી ગયેલાં જ છે. બધાં, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે !! આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો અને બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે. એટલે આ વિષયમાં તો એક દહાડો ય બગાડાય નહીં. એ તો જંગલી અવસ્થા કહેવાય.
મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે તો કેવું સરસ મનોબળ રહે, કેવું સરસ વચનબળ રહે ને કેવું સરસ દેહબળ રહે ! આપણે ત્યાં ભગવાન મહાવીર સુધી કેવો વ્યવહાર હતો ? એક-બે બચ્ચાં સુધી ‘વ્યવહાર’ કરવો. પણ આ કાળમાં એ વ્યવહાર બગડવાનો, એવું ભગવાન જાણતા હતા, તેથી એમને પાંચમું મહાવ્રત ઘાલવું પડ્યું.
આ ઝેરને ઝેર જાણ્યું? વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું? કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.
ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ? ચેતતા રહીએ છીએ ને ? જેમ વાઘની વાત આવે, ત્યારે એ ભય આપણે ના રાખવો હોય તો ય એનો ભય લાગે છે ને ? તેમ વિષયની વાત આવે ને ભય લાગવો જોઈએ. ભય હોય ત્યાં ખાવાનું મોજથી જમે ? ના. એટલે ભય હોય ત્યાં મોજ ના હોય. જગત આ વિષયો ભયથી ભોગવતા હશે ? ના. આ તો લોકો મોજથી ભોગવે છે. ભય હોય ત્યાં ભોગવટો જ ના હોય.
કોઈ કહેશે કે જલેબી ખાઉં? તો હું કહું કે એ સારી છે, ખાજો
પરવશતાઓ શીદને પોષાય ? મોક્ષની ઇચ્છા તો બધી બહુ છે, પણ મોક્ષનો રસ્તો મળતો નથી. એટલે અનંત અવતારથી રઝળપાટ જ કર્યો છે અને અવલંબન વગર જીવાતું નથી. એટલે સ્ત્રી જોઈએ છે, બધું જોઈએ છે. પણે છે, તે ય આધાર ખોળે છે. તેથી પૈણે છે ને ?! માણસ નિરાધાર રહી શકે નહીં ને ?! નિરાલંબ રહી શકે નહીં ને !!! જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ નિરાલંબ રહી શકે નહીં, અવલંબન ખોળે જ કશું !
આ કરોળિયો જાળું વટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેંડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલે જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળોસાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ...... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેંડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, “ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!” એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ, કેટલી બધી પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં.