________________
એક દ્રષ્ટિ
ડૉ. નીરુબહેન અમીત વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ સમજવાથી માંડીને ઠેઠ બ્રહ્મચર્યનું સ્વરૂપ, તેમ જ તેની યથાર્થ અખંડ પ્રાપ્તિ સુધીની ભાવનાવાળા ભિન્ન ભિન્ન સાધકોની સંગાથે, પ્રગટ આત્મવીર્યવાન જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની નીકળેલી, માત્ર વૈરાગ્યને જન્માવનારી જ નહીં કિંતુ વિષયબીજને નિર્મૂળ કરી નિગ્રંથકારી અદ્ભુત વાણી જે વહી છે, તેનું અત્રે સંકલન થયું છે. સાધકોની દશા, સ્થિતિ ને સમજની ગહેરાઈને આધારે નીકળેલી વાણીને એવી ખૂબીપૂર્વક સંકલન કરવામાં આવી છે કે જેથી કરીને જુદા જુદા ‘લેવલે” નીકળેલી વાત પ્રત્યેક વાચકને અખંડિતપણે સંપૂર્ણ પહોંચે, એવા ‘આ’ ‘સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય' ગ્રંથને પૂર્વાર્ધઉત્તરાર્ધમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
પૂર્વાર્ધના ખંડ : ૧માં વિષયનું વિરેચન કરાવનારી જોરદાર, ચોંટદાર ને શબ્દ શબ્દ વૈરાગ્ય નીપજાવનારી વાણી સંકલિત થઈ છે. જગતમાં સમાન્યપણે વિષયમાં સુખની વર્તતી ભ્રાંતિને ભાંગી નાખનારી, એટલું જ નહીં પણ “દિશા કઈ ? ને ચાલી રહ્યા ક્યાં ?!!” એનું સંપૂર્ણ ભાન કરાવનારી હૃદયસ્પર્શી વાણીનું સંકલન થયું છે.
ખંડ : ૨માં બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાનીશ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે. ને જ્ઞાની પુરુષનો યોગ સાધી સત્સંગ સાન્નિધ્ય, પ્રાપ્ત થતા મનવચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણિઓ સર કરાવી નિગ્રંથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!!
- જય સચ્ચિદાનંદ