________________
૩૦૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એ બધો મનનો સ્વભાવ છે. તમારે બધાંએ તો રોજ ભેગા મળીને એકાદ કલાક બ્રહ્મચર્યસંબંધી સત્સંગ રાખવો. આપણે તો મોક્ષ સાથે કામ છે ને ? અને તમારે પૈણવું એમ જબરજસ્તી ય અમે ના કરીએ. અમારે કોઈ જાતનો આગ્રહ ના હોય. કારણ કે તમારે ગયા અવતારમાં બ્રહ્મચર્યનો ભાવ ભરેલો હોય તો “પૈણો” એવું દબાણ પણ અમારાથી કરાય નહીં ને ! એટલે અમારે તો ‘આમ જ કરો' એવું કશું બોલાય નહીં. તમારી મજબૂતી જોઈએ. અમે વારે ઘડીએ તમને વિધિ કરી આપીશું અને અમારું વચનબળ કામ આપશે, હેલ્પ કરશે ! એટલે આમ જવું હોય તો આમ, એ નક્કી તમારે કરવાનું.
પ્રશ્નકર્તા : એ નક્કી તો કરી જ લીધું છે.
દાદાશ્રી : હા, નક્કી કર્યું છે અને વ્રતે ય લીધું છે. પણ વ્રતમાં ભંગ થયો હોય તો આપણે પશ્ચાત્તાપ લેવો પડે. આપણે અહીં એક-એક કલાક પ્રતિક્રમણ કરે છે. મનનો સહેજ ફેર થયો હોય, મોઢા પર નહીં પણ વિચારથી, અને બીજું કશું કર્યું ના હોય પણ વર્તનમાં સહેજ ટચ થયો હોય અને ટચનો આનંદ થયો હોય, આમ હાથ અડાડવામાં એવું થાય તો તમારે એક કલાક એનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે આવું તેવું બધું કરશો તો આમ આગળ ફાવશો અને જો આમાંથી તરી પાર ઊતર્યા અને ૩૫-૩૭ વર્ષ થઈ ગયા તો તમારું કામ થઈ ગયું. એટલે આ દસ-પંદર વર્ષ દુકાળનાં કાઢવાનાં છે ! અને આ આપણું જ્ઞાન છે, તેથી આ બધું કહું ને ! નહીં તો બ્રહ્મચર્ય પાળવાનું કોઈને ય ના કહું. આ બ્રહ્મચર્ય તો કળિયુગમાં કરવા જેવી ચીજ ન હોય. આ કળિયુગમાં બધે જ્યાં ને ત્યાં વિચારો જ મેલા અને તમારું તો ટોળું જ જુદું એટલે ચાલે. તમે બધાં તો એક વિચારનાં અને તમે બધાં જોડે રહો તો તમને બધાને એમ જ લાગે કે આપણી દુનિયા આ આટલી, બીજી આપણી દુનિયા ન હોય, પૈણનારી દુનિયા આપણી ન હોય. આ દારૂડિયા બે-ત્રણ હોય, તે જોડે બેસીને પીવે ને પછી આપણે તો ત્રણ જ છીએ, હવે કોઈ છે જ નહીં, એવું બધું જાણે ! જેમ જેમ પોતાને ચઢતો જાય ને તેમ તેમ પછી શું બોલે ? હું, તું, તું આપણે ત્રણ જ જણ; બસ, આ દુનિયાના માલિક જ આપણે બધા.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૦૫ જ્ઞાતી મટાડે અનંતકાળતા રોગો તમે ચોખ્ખા છો તો કોઈ નામ દેનાર નથી ! આખી દુનિયા સામી થશે તો ય હું એકલો છું. મને ખબર છે કે તમે ચોખ્ખા છો, તો હું ગમે તેને પહોંચી વળું એવો છું. મને સો ટકાની ખાતરી થવી જોઈએ. તમારાથી તો જગતને ના પહોંચી વળાય, એટલે મારે તમારું ઉપરાણું લેવું પડે છે. માટે મનમાં કશું ય ગભરાશો નહીં, જરા ય ગભરાશો નહીં. આપણે ચોખ્ખા છીએ, તો દુનિયામાં કોઈ નામ દેનાર નથી ! આ દાદાની વાત દુનિયામાં ગમે તે કોઈ કરતું હશે તો આ દાદો દુનિયાને પહોંચી વળે. કારણ કે બિલકુલ ચોખ્ખો માણસ છે, જેનું મન સહેજ પણ બગડેલું નથી. આપણે ચોખ્ખા રહેવું. આપણે ચોખ્ખા છીએ તો તમારે માટે આ દાદા દુનિયાને પહોંચી વળશે. પણ તમે મહીં મેલા હોય, તો હું કેમ કરીને પહોંચી વળું ? નહીં તો પછી પૈણો. બેમાંથી એક ડિસીઝન તમારી મેળે લઈ લો ! હું આમાં વચ્ચે હેલ્પ કરીશ ને પૈણશો તો એમાં ય તમને હેલ્પ કરીશ. હેલ્પ કરવી એ મારી ફરજ છે. પછી જો તમારો નિશ્ચય નહીં ડગી જાય એવું હશે તો હું તમને વાણીનું વચનબળ આપીશ. આ સત્સંગમાં રહેશો તો તમે પહોંચી વળશો, એની સો ટકાની ગેરન્ટી !
દાદા છે ત્યાં સુધીમાં બધા જ રોગ નીકળી જશે ! કારણ કે દાદામાં કોઈ રોગ નથી ! માટે જેને જે રોગ કાઢવા હોય તે નીકળશે. મારામાં પોલ હોત તો તમારું કામ ના થાત ! વિષયદોષ થવો એ મોટામાં મોટી જોખમદારી છે ! બધા અણુવ્રત, બધા મહાવ્રત તૂટે છે !! કરોડો અવતારે ય વિષય છુટે એવો નથી. આ તો એક જ્ઞાની પુરુષ પાસે એમની આજ્ઞામાં રહેવાથી છૂટે તેમ છે. અને અમને જો વિષયનો જરાક વિચાર આવતો હોય તો ય તમારો વિષય ના છુટે. પણ જ્ઞાની પુરુષને વિષયનો વિચાર પણ ક્યારે ય નથી આવતો. માટે જેવું બ્રહ્મચર્ય પાળવું હોય એવું પાળી શકાશે. સાચો ભાવ છે ને ! સાચું નિમિત્ત અને સાચો ભાવ, એ બે જો ભેગા થાય તો આ જગતમાં કોઈ એને તોડનાર નથી.
ભયંકર કૃપાને પાત્ર થવાય એવું છે. તમે તમારે ઘેર રહો અને દાદા એમને ઘેર રહે, તો ય તમારે કૃપા રહ્યા કરે એવું જ છે, પણ તાર જોડતાં