________________
(૧૧) પુદ્ગલ ભાવ !
જડ ભાવો છે, અચેતન છે, આપણને છેતરી લે, પણ એને સાંભળવાનું જ નહીં, જાણવાનું એટલું જ. એ તો એની મેળે કૂદાકૂદ કર્યા જ કરવાના. ધમાલ ધમાલ ધમાલ માંડે. અમને હઉ આવું થાય.
પ્રશ્નકર્તા : આપને હઉં થાય ?
૩૭૯
દાદાશ્રી : હા, પણ અમે તો જડ ભાવો ઓળખી ગયેલા. એટલે એના તરફ ધ્યાન જ ના આપીએ. ચેતન ભાવ હોય એટલું જ ધ્યાન આપવાનું.
પ્રશ્નકર્તા : એટલે આપ ચેતન ભાવને એટેન્ડ કરો, બીજાને નહીં. દાદાશ્રી : બીજા સાથે લેવાદેવા નહીં. આપણે ચેતન થઈ ગયા, શુદ્ધાત્મા થયા પછી બીજાને ને આપણે શું લેવાદેવા ? આખું જગત જડ ભાવથી મૂંઝાય છે. એને ખબર નથી કે આપણે ચેતન છીએ ને આ જડ છે, એવી ખબર નથી.
આપણે ભેદ પાડી નાખ્યા, નહીં તો એ જડ ભાવો બધા હેરાન કરી નાખે. ‘કોણ કહેનારા બધા ? નવા કંઈથી આવ્યા મારી વિરુદ્ધ ? પુરાવો કોણ આપનારા તમે ? દાદાની પાસે દસ્તાવેજ હું કરનારો ને તમે વળી નવા કોણ આવ્યા ?' કહીએ. તેં જાતે જ દસ્તાવેજ કર્યા, પછી તારો માલિક કોણ ? માલિકનો માલિક કોઈ ખરો ?
પ્રશ્નકર્તા : વચમાં આવું થયું પછી મેં એમને કહ્યું કે ‘દાદાની પાસે કહેવાયું છે, પછી તમે કોણ છો ? ગેટ આઉટ', છતાંય આવે છે.
દાદાશ્રી : હા, તો એ જડ ભાવો છે. એનું તો સંભળાય જ નહીં, બિલકુલેય ! જડ ભાવો આમથી આમ દેખાડે, આમથી આમ દેખાડે. શાને માટે ભડકે છે મૂઆ, નહોય તારું. બહુ માણસને હેરાન કરી નાખે. આપણે સહી કરી હોય ને તેય કહેશે, ‘ફાડી નાખો.’ એવું હઉ કહે. મૂઆ, અમારી જાતનેય ખરાબ કરી નાખવી છે તારે ? કોણ છું તું તે ?” એ જડ ભાવો કહેવાય. તારે આવે છે ને ?
પ્રશ્નકર્તા : બહુ જ આવે છે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : બહુ જ આવે છે, નહીં ? આ ભાઈને તો એના ઘર સામે એક બાઈ બળીને મરી ગઈ. એ બળતાં એણે જોઈ. તે ચિત્રપટ જ નથી જતું. બોલો હવે, એ એની મુશ્કેલી શું થાય ?
૩૮૦
પ્રશ્નકર્તા : પાછા એ વિચારો એમ આવ્યા કરે કે હું મરી જઈશ તો મારા બૈરાં-છોકરાનું શું થશે ?
દાદાશ્રી : બળતી હોય, જે બૂમાબૂમ કરતી હોયને, જે લ્હાય વ્હાય થતી હોયને એ સીન એણે જોઈ લીધો, એના ભાગે આવ્યો. તે પુણ્યશાળીના ભાગે આવે છે ને ! કંઈ દરેકને ભાગે આવે ? એનો હિસાબ હશે એટલે તો ભાગે આવ્યો. પણ આપણે ડરવાની જરૂર નથી, દાદાનું જ્ઞાન છે આપણી પાસે.
છોને દેખાય બધું અને દેખાવાનો કાળ હોય કે ભઈ, બેથી ત્રણ વાગ્યા સુધી, એની મેળે અમુક ટાઈમમાં આવી જાય. પછી પાછું ચાર વાગ્યા પછી કશું જ ના હોય. કોઈ દહાડો ત્રણ કલાક હોય, કોઈ દહાડો બે કલાક હોય, તે આવે. આ તો આખો દહાડોય ન હોય. આખો દહાડો હોય છે ?
પ્રશ્નકર્તા ઃ ના.
દાદાશ્રી : એટલે જડ ભાવો છે. હવે એને તો ગભરામણ થાય. કારણ કે દેખાયા જ કરે ને કે જાણે હમણાં જ બળતું ના હોય ! બૂમાબૂમ કરતી હોયને, અકળામણ કરતી હોય, એ બધું દેખાય એને. જેવું જોયું હતું એવું જ દેખાયા કરે. બોલો, એ ભડકાટ જાય શી રીતે ? જતાં વાર લાગે ને ? તારે તો એવું કશું છે નહીં.
પ્રશ્નકર્તા : પણ દાદા માથે છે છતાંય થોડું થોડું હાલી જવાય છે. દાદા માથે છે, પછી મારે તો મજબૂત થઈ જવું જોઈએ ને ?
દાદાશ્રી : તો શું થઈ ગયું ? વાત તું જાણીશને આ, એટલે મજબૂત થઈ જશે. આ વાત આજે જ નીકળી ને ! મને લાગે કે નહીં જાણે શેના વિચાર આવ્યા કરે છે ? વિચાર આવા તે હોય નહીંને !