________________
એટલે એને ય પણ જાણનારો ઉપર છે. હવે ઉપરીને ‘જોવું પડે નહીં.' એને ‘સહેજે દેખાયા જ કરે.”
‘જોવું પડે છે’ એ વચલો ઉપયોગ અને એને પણ જાણનારો છેક છેલ્લી દશામાં ! અરીસામાં આપણે બધાં દેખાઈએને, એના જેવું ! એવું આત્મામાં આખું જગત ઝળકે ! એ વચલો ઉપયોગ પ્રજ્ઞાનો. પ્રજ્ઞાના ઉપયોગમાં આવી જવાય એટલે આગળ કોઈની જરૂર ના રહી.
મહીં વિચાર આવે, ગુસ્સો આવે તે ખબર પડે ને ? એ પ્રજ્ઞાને પહોંચે છે. એ વચગાળાનું જ્ઞાન છે, એ મૂળ જ્ઞાન નથી. મૂળને પછી પહોંચે. મૂળ સુધી પહોંચવાનું સાધન કયું ? દાદાશ્રીની પાંચ આજ્ઞા !
પહેલું ઈન્દ્રિયજ્ઞાનથી દેખાય, પછી બુદ્ધિથી દેખાય, પછી પ્રજ્ઞાથી દેખાય, અને છેલ્લે આત્માથી દેખાય. કેવળજ્ઞાન થતાં સુધી પ્રજ્ઞા જ કામ કરે. પછી તે ખલાસ !
આ ઝાડ-પાન બધાંને જોવા-જાણવાની પાવર ચેતનની ક્રિયા થઈ એ અને આત્માના પ્રકાશમાં શેયો બધાં ઝળકે એમાં શું ફેર ? આત્માના પ્રકાશમાં શેયો ઝળકે એટલે ત્યાં પછી જોવું-જાણવું એ શબ્દ જ નથી.
કેવળજ્ઞાન થાય એટલે શું ? તમામ વાદળાં ખસી ગયાં એટલે આખું દેખાય !
આત્મા સ્વને જાણે છે ને પરને ય જાણે છે ! જાણનાર કોણ ? સ્વ કોણ ? બધું જ જાણે !