________________
૩૦૭ પડે. જ્યાં રાગ-દ્વેષ ના થાય તે ભાગ બધો નોકર્મ. આવો હિસાબ છે. ક્રોધમાન-માયા-લોભ થાય એ બધાં ભાવકર્મ અને બીજા બધાં નોકર્મ. ભાવકર્મ છે તે એમાં સંયોગો ના હોય બહુ. એક કે બે, તેય નૈમિત્તિક કારણ હોય. અને આ સંયોગના આધારે થાય એ નોકર્મ.
અક્રમ વિજ્ઞાનમાં નોકર્મ તો ગણતરી જ નથી રાખી અમે. નહીંતર કોઈને કહેવાય કે ભઈ ? આ સંસારી લોકો, એમને મુક્તિનું જ્ઞાન અપાય ? કેટલાં દહાડા રહે ? પણ અક્રમ વિજ્ઞાન છે તો બાધક નથી નોકર્મ. નહીંતર ક્રમમાં નોકર્મ જ બાધક. કેટલી બધી મુશ્કેલી અને આ છે તમારે છે કશી મુશ્કેલી ? હેય... નિરાંતે બપોરે થાળીમાં ચટણીઓ-બટણીઓ જમીને અને
ઓફિસમાં જવાનું તો ય દાદા વઢે નહીં. ત્યારે શું ખોટું ? દાદાની આજ્ઞામાં રહેવાનું એટલું જ ! ત્યારે આજ્ઞાય કંઈ અઘરી નથી ને ? છે કંઈ આજ્ઞા અઘરી ?
હવે સમભાવે ફાઈલોનો નિકાલ કરવાનો. દાતણ આવ્યું તો ય ફાઈલ આવી. ફલાણું આવ્યું તોય ફાઈલ આવી. ઊંઘની યે ફાઈલ. એટલે બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો તો એ નોકર્મ. ભાવકર્મને ઉડાડી દીધું છે, આખુંય.
પ્રશ્નકર્તા: નોકર્મ એટલે આ બધા ફળ ?
દાદાશ્રી : આ ફળ બધું. એટલે મીઠું લાગે, કડવું લાગે. તે બેઉ સમતાથી નિકાલ કરવો. એટલે ચોખ્ખું થવા માંડે.
પ્રશ્નકર્તા : દરેક સ્થળે ? દરેક સમયે ? દરેક બાબતમાં એ પરિસ્થિતિ બધું ધ્યાનમાં લેવું પડે ને ?
દાદાશ્રી : પણ તમારે એવું નથી. કારણ કે તમે અક્રમ વિજ્ઞાનમાં બેઠાં છો. એ ક્રમિકવાળાને તો દરેકમાં કરવું પડે. એ કહે કે આજ વેઢમી સારી થઈ કે ચોંટ્યું બા અને આ શાક ખરાબ છે એ ય ચોંટ્ય બા. અને તમે સારું-ખોટું બોલો તો તમને ચોંટે નહીં.
પ્રશ્નકર્તા : અમે તો બોલીએ જ નહીં હવે.
૩૦૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : પણ એ બોલે તો ય વાંધો, તમને ચોંટે નહીં. કારણ કે આ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ છે એટલે જીવંત વ્યક્તિનું નથી આ. બેટરીમાં સેલ ડિસ્ચાર્જ થયા કરે, તેમાં કશું કરવું પડે આપણે ? મહીં ભરેલું હશે એટલો વખત ડિસ્ચાર્જ થશે, પછી ખાલી થઈ જાય.
પ્રશ્નકર્તા : નિકાલ થઈ ગયો એનો પણ, જ્ઞાન લીધા પછી મેથડ બદલાઈ ગઈ, ન બોલ્યામાં નવ ગુણ.
દાદાશ્રી : હા, બોલ્યા તો ય ‘જોવું’ અને ના બોલ્યા તોય ‘જોવું'. પેલા કહે કે તમે કશું બોલતાં નથી તે ય ‘આપણે’ ‘જોવું'.
તો કષાયતી સમજ ! નો કષાય એ સાપેક્ષ શબ્દ છે કે જો ‘તેં' જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો આ કષાય તને અડે નહીં અને પ્રાપ્ત ન કર્યું હોય તો અડશે, એટલે નો બોલ્યા છે સાપેક્ષ તરીકે બહુ સમજવા જેવું, આ વીતરાગનું તો એક વાક્ય જો સમજે ને તો મોક્ષે જાય. એક વાક્ય જો મહીં પચી જાય તો મોક્ષે જાય.
પ્રશ્નકર્તા: ત્યાં આગળ નો કષાયનો અર્થ એવો કરે છે, કે જે કષાય નથી, પણ કષાય જેવા છે, કષાય કરવા માટે નિમિત્ત રૂપ છે.
દાદાશ્રી : એ બરોબર છે. એ અર્થ ખોટો નથી. જ્યાં સુધી જ્ઞાન નથી તે બધા કંઈ નિમિત્ત જ છેને કષાય કરવામાં. મશ્કરી કરી પેલાએ, એટલે પેલો ચિઢાયો, ફરી પાછું નિમિત્ત ઊભું થઈ જાય ને ! અને તમે તો મશ્કરી કરો તો ય બંધનમાં નથી આવતા, તમારે ફક્ત પેલાને ખરાબ લાગ્યું તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું અને તે ય તમારે કરવાનો અધિકાર નહીં, ‘ચંદુભાઈને કહેવાનું ને, ‘કેમ તે આવું કર્યું, તને શરમ નથી આવતી, આટલી ઉંમર થઈ હવે ! પ્રતિક્રમણ કરો.’ આપણે કહેવાનું, ‘ઉંમર થઈ હવે, દાદો થયો તો ય તમે આવું કરો તે !' એવું કહેવાય ‘આપણા'થી, ના કહેવાય ?!
પ્રશ્નકર્તા : કહેવાય.