________________
આયુષ્યકર્મ
૨૪૭
તિયમ આયુષ્ય બંધતો !
પ્રશ્નકર્તા: આયુષ્યનો બંધ પડે પછી જ આગલા ભવનો અવતાર નક્કી થાય છે ?
દાદાશ્રી : આયુષ્યનો બંધ તો એવું છે ને, એક માણસને એક્યાસી વર્ષનું આયુષ્ય હોય એમ માનોને, સપોઝ (ધારો કે) એક્યાસી વર્ષ માણસ જીવવાનો છે, તો વીતરાગોના મતે શું કહેવાય છે ? એણે ચોપન વર્ષ સુધી કશું ગમે તેવાં તોફાન ગાંડાં-ઘેલાં કરે, ત્યાં સુધી રખડપાટમાં, તોફાનમાં કાઢે તો ય એનો કંઈ ધણી-ધોરી નથી. ગમે તે કર્યું હશે તે ચાલ્યું જશે. પણ જો છેલ્લાં સત્યાવીસ વર્ષ પાંસરાં કાઢયા તો કામ થઈ ગયું. કારણ કે છેલ્લા સત્યાવીસ વર્ષનું ત્યાં આગળ વધારે જમા થાય છે. એનું આગલું ઊડી જાય છે.
એટલે ચોપન વર્ષ પછી એણે પહેલામાં પહેલું ચેતી જવું જોઈએ કે હવે આયુષ્ય બંધાવાનો વખત થયો છે. ચોપન વર્ષે આયુષ્ય બંધાય જ. અત્યાર સુધી ભઈએ શું કર્યું ? ચોપન વર્ષ સરવૈયું આવે અને તે ઘડીએ કંઈ માંદગી આવીને ઊભી રહેશે ને આયુષ્યનો બંધ પડશે, માંદગી નહીં હોય તો ય આયુષ્યનો બંધ પડશે. અને ચોપન વર્ષે તો એનો પહેલો ફોટો પડી જાય. જો દુનિયામાં ખરાબ વ્યવહાર કરતો હોય ને, તો એ માણસનો, જાનવરનો કે ભેંસનો કે ગાયનો કે ગધેડાનો ફોટો પડી જાય અંદર ! તેનો મહીં પડઘો પડે ! હવે પહેલી વખતે જાનવરનું આયુષ્ય બંધાયું, કારણ કે જવાનીમાં બધા ખરાબ ગમે તેવાં કર્મ કરેલાં, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરેલાં એટલે ચોપન વર્ષે આ થયું. આયુષ્ય બંધાઈ હઉ જાય. તે ઘડીએ જો મરી જાય તો તે તિર્યંચ યોનિમાં જાય. એટલે આયુષ્ય બંધાવાની શરૂઆત થયા પછી જે ક્રિયા હોય છે, તે ક્રિયાનું સરવૈયું આવે છે. માટે છેલ્લાં વર્ષોમાં માણસે બહુ જાગૃત રહેવું જોઈએ. એટલે આ શાસ્ત્રો શું કહે છે કે ચાલીસ વર્ષ સુધી તમારું બધું અજ્ઞાનતામાં ગયું પણ ચાલીસ વર્ષ પછી તમે વિચારો સારા રાખો, નહીં તો ફોટો ખરાબ પડશે. કારણ કે પછી આયુષ્ય બાંધવાની શરૂઆત થાય છે.
૨૪૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પછી રહ્યાં સત્યાવીસ વર્ષ, પછી કંઈક સારા સત્સંગમાં જોડાઈ ગયો અને પછી બધો ફેરફાર થયો. તે અઢાર વર્ષમાં સત્સંગમાં આવતો થયો એટલે પેલો ગધેડાનો ફોટો ભૂંસાઈ ગયો અને સરસ રાજાનો ફોટો પડ્યો. એટલે બોતેર વર્ષે ફરી બંધાયું. બોંતેર વર્ષ પછી નવ વર્ષ બાકી રહ્યાં ને છ વર્ષ ગયા પછી ઇદ્યોતેરમે વર્ષે, છ વર્ષમાં એણે શું કર્યું, ફરી પાછો એણે સત્સંગ ખૂબ જમાવ્યો. ફરી દેવગતિનો ફોટો પડ્યો. પાછલો પેલો ફોટો ભૂંસાઈ ગયો. હવે ત્રણ વર્ષ રહ્યાં ને ? તે પાછાં જો ઉલ્લાસભેર પરિણામ હતાં ને તે મંદ પડ્યા. શરૂ શરૂમાં બહુ ઉલ્લાસમાં હોય ને, તે ઘડીએ સારું આયુષ્ય બંધ થઈ જાય પછી પાછું મંદ થાય તે એંસી વર્ષે પાછું મનુષ્યનું આયુષ્ય બંધાયું.
હવે એક વર્ષ રહ્યું, છેલ્લું વર્ષ. એનાં એંસી વર્ષના આઠ મહિના થયા કે પાછું ફરી બંધાય. હવે ચાર મહિના રહ્યા. સિલકમાં એકસોવીસ દિવસ રહ્યા તેમાં પછી ચાલીસ દિવસ બાકી રહ્યા અને ફરી બંધાય. પાછાં ચાલીસ દિવસ રહ્યા તેમાંથી છવ્વીસ દિવસ જાય ને પાછું ત્રીજું આયુષ્ય બંધાય, ફરી બત્રીસ કલાક રહ્યા. બત્રીસ કલાકમાં, બાવીસ કલાક જાય ને પાછું ફરી આયુષ્ય બંધાય, એમ કરતાં ત્રણ કલાક છેલ્લા રહ્યા. તેમાં પાછાં બે કલાક જાય ને ફરી બંધાય. ચાલીસ મિનિટ થાય ને ફરી બંધાય. તેર મિનિટ થાય ને ફરી બંધાય.
હવે એક જ મિનિટ રહી છે, એણે દીવો સળગાવે છે. હવે એક જ મિનિટ રહી છે, તો મિનિટની તો સાઇઠ સેકન્ડ થઈ. પાછી ચાલીસ સેકન્ડ થાય કે પાછો ફરી બંધાય. હજુ વીસ સેકન્ડ બાકી છે, તેમાંથી તેર સેકન્ડ જાય ને ફરી બંધાય. એ પછી છેલ્લો એક બંધ બંધાય, આવી રીતે આયુષ્ય બંધાય. ફોટાઓ પડ્યા જ કરે. એક ફેરો મનુષ્યનો હોય, એક ફેરો દેવનો હોય, એક ફેરો ગધેડાનો હોય, કૂતરાનો હોય, ફોટો બદલાયા જ કરે અને છેલ્લે પડ્યો એ સાચો. તે મરતાં પહેલાં આગલે દહાડે તો નર્યા બહુ જ ફોટા બંધાય બંધાય કરે છે પણ એ બધા બંધાયેલા તો ફોટા ખોટાં, છેલ્લો ફોટો કયો પડ્યો, તે સાચો. આવું આ સાયટિફિક છે, એઝેક્ટ સાચું છે.