________________
આપ્તવાણી-૨
૪૬૧
૪૬૨
આપ્તવાણી-૨
સુધીમાં તો કયાં ય દૂર પહોંચી ગયા હોય ! એનું શું કારણ ? રઘવાટ, રઘવાટ. સંડાસ જતાં રઘવાટ ને પેશાબ કરતાં ય રઘવાટ, ચાલતાં રઘવાટ, ખાતાંપીતાં રઘવાટ; બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ, રઘવાટ ! એના કરતાં તો આ લાડવા ખાઇને રહે, પેટ ઉપર હાથ-બાથ ફેરવે શાંતિથી, તો આપણને એમ લાગે કે આમનાં દર્શન કરો બિચારાનાં, ને આ રઘવાટિયાનાં તો દર્શન કરવાનું ય મન ના થાય. આ પ્રમાદ કાઢતાં રઘવાટ પેઠો, એના કરતાં પ્રમાદ સારો હતો. જે ભૂત પહેલાંનું હતું તે સારું હતું, આપણા પરિચયવાળું તો ખરું ! આ રઘવાટનું તો અપરિચયવાળું ભૂત પેઠું ! હવે પ્રમાદને સમજતાં નથી ને ઠોકાઠોક બધું કરે છે.
રઘવાટનું કારણ શું ? તો કે' પ્રમાદ છોડયો છે એમણે. અલ્યા, દેહનો પ્રમાદ નથી છોડવાનો, દેહનો પ્રસાદ તો રાખવાનો છે. નિરાંતે પલંગમાં બેસવાનું છે, પલંગ કચકચ કરે તો ય બેસવાનું. છો ને કચકચ કરે, એ પલંગ છે, કંઇ જીવ છે એ ? કોઇ જીવ દબાયો હોય તો આપણે ઊભા થઇ જઇએ, પણ પલંગ છો ને કચકચાટ કરે. બેસી જશે તો આપણે બીજો લાવીશું. પણ કહેશે, “ના, પ્રમાદ થઇ જાય એટલે બેસે તો ય નિરાંત વાળીને ના બેસે; રઘવાટિયો રઘવાટિયો રહ્યા કરે ! અને તમે કશી વાત પૂછવા જાવને તો તે ય રઘવાટમાં ને રઘવાટમાં ચિઢાઇ જાય, એ ‘કીટ, ડીટ’ કરે. આવું શોભે ?! ભગવાને આવું નથી કહ્યું. ભગવાન વીતરાગો આવા હશે ? આ લોકો ઘડીવારમાં કયાંના કયાં જતા રહે છે, તે મહાવીર આવું ચાલતા હશે ? એ તો એ ય.... આરામથી, આરામ કરતાં કરતાં ચાલે, આ તો મહીં જ આકુળ-વ્યાકુળ થઇ જાય તો બહાર ય આકુળ-વ્યાકુળ થઇ જાય, મહીં રઘવાટ થયો કે બહાર રઘવાટ, પછી આ ઝાડો-બાડો બધું એને હાલતું દેખાય, ના હાલતા હોય તો ય દેખાય; કારણ કે રઘવાટિયો પોતે છે!
આ મુસ્લિમોના ઓલિયા હોય છે એમને રઘવાટ-બઘવાટ કંઇ નહીં, નિરાંત હોય. આપણે કહીએ કે, “અલ્યા, આકાશ ગિરનેવાલા નહીં ?” તો કહેશે કે, ‘નહીં સા'બ, ગિરનેવાલા નહીં. અલ્લાને બનાયા હે ને ! વો તો અલ્લાને બનાયા હૈ, કેસે ગિરેગા ?’ અને આ લોકો તો
‘મારું જ કરેલું ને મારે જ ભોગવવાનું.’ એટલે આકાશ પડે તો શું થાય? આ સવળી સમજણ અવળી થઇ ગઇ ને તેનાં ફળ કડવાં આવ્યાં, નહીં તો આવું તે હોતું હશે ?
હંમેશાં રઘવાટી માણસ જ્ઞાન પામે, તો ય ઉપયોગ શુદ્ધ એને રહે નહીં, ‘શુદ્ધ ઉપયોગ” આપીએ તો ય રઘવાટિયા પાસે રહે નહીં, કારણ કે રઘવાટિયો છે ને ! તમે આ ખાવ, પીઓ, હરો-ફરો પણ ઉપયોગપૂર્વક કરો. આ રઘવાટિયો જાણે કે, ‘આમાં તો શુદ્ધ ઉપયોગ જતો રહે જ.’ ના, એ તો શુદ્ધ ઉપયોગ રહે જ. ચા સારી છે કે ખોટી છે, કડક છે કે મીઠી છે, તેમાં આપણો શુદ્ધ ઉપયોગ જ રહે.
પ્રમાદ શબ્દ મારી નાખ્યા છે. આ પ્રમાદ શબ્દને સમજયા જ નથી. આટલો રઘવાટ કરે છે, ચાર વાગ્યે ઊઠે છે તો ય જો કદી મહાવીરને પૂછે તો કહેશે, ‘આ બધા પ્રમાદી છે, સંપૂર્ણ પ્રમાદી છે, એક અંશ પણ પ્રમાદ ગયો નથી.’
પ્રમાદ શું છે ? આ જગતમાં કોણ પ્રમાદમાં છે ? આખું જગત જ પ્રમાદમાં છે. એ પ્રમાદ કયારે જાય ? આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય. મદ તો ચઢયો છે ને આ પાછો પ્રમાદ, એક તો આરોપિત ભાવ છે, ‘હું ચંદુલાલ છું' માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ. જે અવસ્થા હોય એ સારી હોય તે ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ, આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કહ્યો.
હવે આ લોકો, વહેલો ઊઠતો નથી તેને પ્રમાદ કહે છે, પણ એ તો આળસ કહેવાય. વહેલો ઊઠતો નથી એ તો આળસુ માણસનું વિટામિન છે. એક તો ઊઠે મોડો અને છેલ્લી ઘડીએ ગાડી આવે ત્યારે એવો દોડે ! એટલે એ આળસુ માણસનું વિટામિન છે.
હવે સાધુઓ એમની ભાષામાં પ્રમાદનો અર્થ લઇ ગયા અને ભગવાને જુદું કહ્યું, ભગવાનની ભાષા આપણને કામની. જ્ઞાનીની સંજ્ઞાએ ચાલવું, એ ધૃવકાંટો બરોબર છે, એમનું જ્ઞાન ખરી ઉત્તર દિશા બતાવે.