________________
આપ્તવાણી-૨
૩૬૬
આપ્તવાણી-૨
છતાં મારાથી ચિંતા થઈ જાય છે તો શું કરવું? મારી તો દ્રઢ ઇચ્છા છે કે એક પણ ચિંતા ના કરાય. માટે હે ભગવાન, એવી કંઇક કૃપા કરો, એવી શક્તિ આપો કે ચિંતા ફરીથી ના થાય.’ આમ છતાં ય જો ફરી ચિંતા થાય તો ફરીથી ભગવાનને આમ વિનંતિ કરજો. આમ કર્યું જ જાવ, પછી કશી જ ચિંતા નહીં થાય, આ આપણે કૃષ્ણને દોરડું બાંધ્યું ! અને જાવ, અમને યાદ કરીને, અમારું નામ દઇને કૃષ્ણ ભગવાનને રોજ સવારમાં પાંચ વખત કહેજો, પછી જો ચિંતા થાય તો અમારી પાસે આવજો. જો આપણી દાનત ચોખ્ખી હોય, કૃષ્ણના સાચા ભક્ત હોઇએ તો પછી ચિંતા શાની થાય ? કૃષ્ણને આપણે ચોખ્ખું ચોખ્ખું કહેવામાં શો વાંધો છે ? સાચી ભાવનાવાળો તો ભગવાનને પણ ગાળો દઇ શકે. ભગવાનને કોણ ગાળ દઇ શકે ? જે સાચો પુરુષ હોય તે જ ભગવાનને ગાળ દઇ શકે ! આમાં ડરવાની કયાં વાત છે ? ભગવાનને કહેવાય કે, ‘અમારે ચિંતા નથી કરવી, અમારી મરજી બિલકુલ તમારી આજ્ઞામાં જ રહેવાની છે, છતાં પણ ચિંતા થઇ જાય છે, તો અમે શું કરીએ ? અમે તો તમારા શરણમાં રહીએ છીએ અને તમને ગાળ પણ આપીશું.’
આવું અમે એક જણને શીખવાડેલું, તે ભઇ તો પાકો નીકળ્યો. આઠ દહાડા આવું રોજ કર્યું ને નવમે દિવસે આવીને કહેવા લાગ્યો કે, ‘દાદા, મારી પર ભગવાન પ્રસન્ન થયા, મને એક પણ ચિંતા થઇ નથી.’ ‘જ્ઞાની પુરુષ'નાં વચનમાં વચનબળ હોય, તે જો પાળે તો તો તેનું કામ જ થઇ જાય. એક બહેન ઔરંગાબાદમાં આવેલાં, તેમણે અમારાં દર્શન કર્યો, બે મિનિટ ‘શ્રીકૃષ્ણ શરણં મમ” બોલ્યાં ને તરત જ તેમને સાક્ષાત્ કૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં !
કૃષ્ણને ગોપીભાવે ભજજો, પણ કેમનો ગોપીભાવ રહે ? કૃષ્ણને ઓળખ્યા વગર ગોપી ય શાની થવાય ને ભાવે ય શાનો આવે ? કૃષ્ણ ભગવાનનાં બે સ્વરૂપ : એક બાળ સ્વરૂપ અને બીજું યોગેશ્વર સ્વરૂપ. યોગેશ્વર કણને કોઇ ઓળખે જ નહીં, એટલે બાળકૃષ્ણની ભક્તિમાં લોક પડયા. તેમાં પરસાદ, રમકડાં. ઘોડિયું-પારણું હોય, પણ તેથી કંઇ વળે? પુષ્ટિધર્મ તે બાળમંદિર કહેવાય, આ તો નાગોડિયા કણનો ધર્મ, ખરો ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો છે. બાલકૃષ્ણ ધર્મ એ તો બાળમંદિર છે, એમાં
જયાં સુધી સ્લેટની લંબાઇ પહોંચે ત્યાં સુધી એકથી દસ સુધી લખવાનું. ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો જોઇએ. યોગેશ્વર કૃષ્ણનો ધર્મ એ જ્ઞાનમંદિર કહેવાય. મોક્ષ માટે યોગેશ્વરને ભજો ને સંસારમાં રહેવું હોય તો બાળકૃષ્ણને ભજો. કૃષ્ણ તો નરમાંથી નારાયણ થયેલા, જ્ઞાની હતા. એટલે હવે મંદિરમાં કયાં ભગવાન રહ્યા છે ? અગાઉ દસ હજાર વર્ષ ઉપર એક પુસ્તકમાં લખાયું છે કે કળિયુગમાં ભગવાન પેદા થશે, તે અનંત જાતની અનંત કળાઓવાળા હશે ! નહીં તો કળિયુગના મનુષ્યો પાંસરા થશે નહીં, તે ભગવાન જાતે આવ્યા છે. અહીં તો જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ક્રાઇસ્ટ બધા ધર્મનો સંગમ છે. “અમે' સંગમેશ્વર ભગવાન છીએ. કુષ્ણવાળાને કૃષ્ણ મળે અને ખુદાવાળાને ખુદા મળે, કેટલાય અમારી પાસેથી કૃષ્ણ ભગવાનનાં દર્શન કરી ગયા છે. અહીં નિષ્પક્ષપાતી ધર્મ છે.
આ તો કેવું છે કે એક ઘોર ખોદે ને બીજું પૂરે. એક અવતારમાં હિન્દુને ત્યાં જન્મે ત્યારે મસ્જિદ તોડે ને પાછો મુસલમાનમાં જાય ત્યારે મંદિર તોડે, તેમ દરેક ભવમાં ભાંગફોડ જ કરે. વૈષ્ણવને ત્યાં જન્મે ત્યારે જૈનોને વગોવે ને જૈનમાં જન્મે ત્યારે વૈષ્ણવોને વગોવે. તીર્થકરો, રામ, કૃષ્ણ, સહજાનંદ, ક્રાઇસ્ટ, પયગંબર ને જરથોસ્ત જે જે થઇ ગયા છે તે બધાને, લોકો જેને પૂજે છે તેને, બધાંએ વ્યવહારથી માન્ય કરવા પડે અને જો ઓળખાણ પડે તો ‘એક’ છે ને ઓળખાણ ના પડે તો અનેક છે. અમારી પાસે તો બધાં ય ધર્મનો સંગમ છે. અમારે ને કોઇ ભગવાનને ભેદ ના હોય. લાખ જ્ઞાનીઓનો એક મત ને એક અજ્ઞાનીના લાખ મત હોય.
પાંચ હજાર વર્ષ પહેલાં કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કૃષ્ણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું, તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું ? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી ? તે શું તેમને મદારી નહોતા મળતા ? પણ કોઇ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ !