________________
આપ્તવાણી-૨
૩૪૫
છે, એ ય એમના લક્ષમાં નથી રહેતું; અને આમને તો ચાર જ પરિગ્રહ હોય; બે લૂગડાં હોય, અને એક લોટું વહોરી લાવવાનું હોય, એક માળા હોય ને એક ચીપિયો હોય. એમાંથી લોટું જો ભાંગ્યું કે તૂટયું તો વેશ થઇ પડે ! આવી બન્યું ! અગર તો એ એની જગ્યાએ ના હોય તો ‘પેલું ક્યાં ગયું.’ કહેશે. એટલે આટલો પરિગ્રહ છે, એ એના લક્ષમાં છે. હવે પરિગ્રહ આટલો જ છે, તો પણ લક્ષમાં છે અને અમને પરિગ્રહ છે તો ય પણ લક્ષમાં નથી એટલે અમને અપરિગ્રહી કહ્યા. આપણા મહાત્માઓને શુદ્ધાત્મા લક્ષમાં રહે છે, એટલે પરિગ્રહ લે છે, દે છે, છતાં ય તે અપરિગ્રહી કહેવાય, કારણ કે પરિગ્રહનો લક્ષ નથી, લક્ષ શુદ્ધાત્માનું છે ! કાં તો સ્વરૂપનું લક્ષ રહે, કાં તો સંસારનું લક્ષ રહે, બેમાંથી એક જ લક્ષ રહે, પેણે બેઠું તો અહીં નહીં, ને અહીં બેઠું તો પેણે નહીં. આ તો વિજ્ઞાન છે !
સંસારમાં કેટલાક લોકો સ્થૂળ ચોરી નથી કરતા, એને ભગવાન શું કહે છે ? એને ત્યાગ નથી કહેતા, એટલે તે સ્થૂળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે. ભગવાન કહે છે, “એ તો વ્રત છે તારું.’ વર્તે એ વ્રત. જેમાં હુંપણું નથી અને ‘હું ત્યાગ કરું છું.’ એવું ભાન નથી અને સહેજાસહેજ વર્તે છે એ વ્રત કહેવાય. આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કહ્યાં ? ત્યારે કહે કે, ‘બીજા લોકોને, ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે, પણ એને વીતરાગોનો સિક્કો નથી વાગેલો !’ ‘વીતરાગોનું કહેલું આ વ્રત છે.’ એવું ભાનમાં આવ્યા પછી, એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વીતરાગોને માન્ય છે. હકીકતમાં પેલો ય ચોરી નથી કરતો, પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો. અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે, છતાં અણુવ્રત શાથી કહે છે ? આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે, એટલે અણુવ્રત કહ્યું અને મહાવ્રત કોને કહેવાય ? મન, વચન, કાયા ત્રણેયથી ચોરી ના થાય, તેન મહાવ્રત કહેવાય !
પ્રશ્નકર્તા : ઇચ્છા ન હોય ને સંજોગવશાત્ ચોરી થઇ જાય તો ? દાદાશ્રી : સંયોગવશાત્ ચોરી થઇ જાય, તો તેને માટે ખાસ
૩૪૬
આપ્તવાણી-૨
ગુનેગાર ગણાતો નથી અને સંયોગવશાત્ થયું તેનું જે બહારનું ફળ એને મળ્યું, તે ઇનામ કહેવાય, બાહ્યફળ તો મળે. કો'ક બહુ પુણ્યશાળી હોય તેને બહારનું ફળ ના પણ મળે, નહી તો આખી જિંદગી ચોરી ના કરતો હોય ને સંજોગવશાત્ એકાદ વખત ચોરી કરે તો ય બિચારો પકડાઇ જાય ! બહારનું ફળ મળે ત્યારે દાનત બહુ ખોટી હતી, એવું સાબિત થઇ જાય ! છતાં સંજોગવશાત્ કોઇ પણ જાતનો ગુનો કરે તેને અમે ગુનેગાર ગણતા જ નથી. આ સંજોગવશાત્ છે અને પેલું તો સ્વભાવમાં છે. સ્વભાવમાં અને સંજોગવશાત્માં બહુ ફેર. જેને સ્વભાવમાં ચોરી કરવાની છે તેની તો દ્રષ્ટિ જ એ બાજુ પડયા કરે, ફર્યા કરે અને ગમે ત્યાંથી ઉઠાવ્યા વગર રહે જ નહીં. આપણી સાથે વાત કરતો હોય ને એની દ્રષ્ટિ ‘ક્યાંથી ઉઠાવું’ એમાં ને એમાં જ હોય; જયારે સંજોગવશાતને ગુનેગાર કહેવાતો નથી. સંજોગવશાત તો રાજાને ય ચોરી કરવી પડે. વ્રત ને મહાવ્રત સમજ્યો તું ? કંઇ લૂગડાં ધોળાં પહેર્યાં એટલે કંઇ વ્રત નથી કહેવાતાં. મન, વચન, કાયાથી ચોરી નથી કરી એને અસ્તે ય મહાવ્રત કહેવાય; પછી એ સાધુ હો કે ગૃહસ્થ, ત્યાગી હો કે ગૃહસ્થલિંગ હો, એ બધાં સંસારી જ છે.
સારી ઊંચી નાતોમાં ચોરી નથી હોતી, દગાફટકા નથી કરતા. ત્યારે આ લોકો જૂઠ તો અમથી નાની બાબતોમાં બહુ બોલે પણ મોટી બાબતોમાં નહીં બોલતા હોય, પણ અત્યારે તો બધું બગડી ગયું છે ને ? મહાવ્રતે ય બધાં કહોવાઇ ગયાં, સડી ગયાં છે ! અણુવ્રતે ય સડી ગયાં ! હતાં તો સારાં, પણ સડી ગયાં તે શું થાય ?! તો ય પાછું સંજોગવશાત્ છે. અત્યારે આખું હિંદુસ્તાન જ બગડયું છેને ! નહીં તો હિંદુસ્તાન આવું હોય નહીં અને આ બગડયું છે તે ય સંજોગવશાત્ બગડયું છે, માટે ગુનેગાર નથી ગણાતું.
܀܀܀܀܀